Not Set/ ના, તમે નથી જાણતાં, કાગડાની આ આશ્ચર્યજનક વિશિષ્ટતા

કાગડો અને કાગડી બંને સંયુક્ત રીતે માળો બાંધે છે અને બેઉ સંપીને ઈંડા સેવીને બચ્ચા ઉછેરે છે. જુવાન બચ્ચા તેમના ભાંડુને ઉછેરવામાં માં બાપને મદદ કરે છે. બચ્ચા ઉછેરતી માતા માટે ખોરાક લાવીને બચ્ચા માતાને મદદ કરે છે તેમજ શિકારી પક્ષી આવે તો તેમની સામે ભાંડુનું રક્ષણ પણ કરી લે છે. એક ઋતુમાં તેઓ ૫ ઈંડા મૂકી શકે છે અને આ પ્રક્રિયામાં રોજ એક ઈંડુ મૂકે છે.

Ajab Gajab News Trending

@ જગત કીનખાબવાલા (સ્પેરો મેન)

કાગડો/ Common House Crow
કદ: ૬૪ સે. મી/ ૧૭”

કાગડાને કોણ ન ઓળખે? મૂળભૂત રીતે દક્ષિણ એશિયા અને ભારત વર્ષમાં સર્વ વ્યાપી પક્ષી એટલે ચબરાક કાગડો. ભારતના સત્તર કોમન પક્ષીઓમાંનું એક અને લગભગ ભારતમાં જમાનાથી દરેક જગ્યાએ જોવા મળતો કાગડો આજે જલ્દી જોવા નથી મળતો અને તેઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. કાગડો હિન્દ મહાસાગરના દેશોમાં બધે હોયજ છે અને ધીરે ધીરે ભારત અને શ્રીલંકા જેવા દેશમાંથી ૧૯૪૦ આસપાસ સ્ટીમર વગેરે ઉપર સવારી કરી દુનિયા ભરમાં ઘણા બધા દેશમાં પહોંચી ગયો છે. સિંગાપોર, હોંગકોંગ, જાપાન, યુરોપ, અમેરિકા, ડર્બન, સાઉથ આફ્રિકા વગેરે દેશોમાં પોતાના જૂથ સાથે ઠેર ઠેર જોવા મળે છે.


રાતવાસો કરવાને લાયક જગ્યા હોય તેવા સ્થળ તેઓ વસવાટ માટે પસંદ કરે છે. ખુલ્લા મેદાન વાળા વિસ્તાર પણ તેમને ચાલે અને રોડ ઉપરથી પસાર થતાં ઇલેક્ટ્રિકના વાયર ઉપર પણ પોતાના જૂથ જોડે નિશ્ચિત જગ્યાએ રહેતા હોય છે. મકાન ના છજા ઉપર, પાતળી પાળી ઉપર, નદી કિનારા, તળાવ કિનારા, દરિયા કિનારા, ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, બગીચા અને ખેતર જેવી સર્વ સામાન્ય જગ્યાઓએ વસવાટ કરે છે. સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ તેઓ પાછા આવવાની શરૂઆત કરી દે છે અને સૂર્યાસ્ત પહેલા અચૂક પાછા આવી જાય છે. તેઓના વસવાટ ના સ્થળની પસંદગી માટે ગરમી/ તાપમાન,ઠંડી, હવામાંનો ભેજ વગેરેનો ફાળો મહત્વનો હોય છે. આવી જગ્યાઓએ તેઓ સામાન્ય રીતે વધુમાં વધુ ૨૦૦ કાગડા જોવા મળે છે જ્યારે અપવાદ રૂપે ૧૦૦૦ કાગડા પણ જોવા મળ્યા છે. બધે જોવા મળે, સમૂહમાં ખુબ અવાજ કરે અને તેના રંગરૂપના કારણે કાગડો બહુ પ્રિયા પક્ષી ન ગણાય પરંતુ બુદ્ધિ ચાતુર્યમાં અવ્વલ આવે, ભાગ્યેજ કોઈ પક્ષી તેની તોલે આવી શકે. ખુબજ હોશિયાર, નકલખોર, ચબરાક અને લાંબી યાદશક્તિ ધરાવતું અચંબિત કરી દે તેવું પક્ષી છે.


તેમની બુદ્ધિ ચાતુર્યના અભ્યાસ માટે ઘણા પ્રયોગ કરવામાં આવતા હોય છે. તેમને પકડવામાં આવ્યા હતા અને ફળ સ્વરૂપ એવું બહાર આવ્યું કે ખોરાક સુધી પહોંચવા માટે તેઓ વારા ફરતી જરૂરિયાત પ્રમાણે પગલે પગલે ધીરજ અને ચતુરાઈ સાથે ખોરાક સુધી પહોંચતા શીખી જાય છે. આવું ખુબ જાણીતું જૂનું ઉદાહરણ પાણીના જગમાંથી ઊંડેથી પાણી ઉપર સુધી લાવવા માટે નાના પથ્થર નાખી પાણી નું લેવલ ઉપર લાવી પિતા કાગડાની વાત બધા જાણતા હોય છે. તેનાથી ઘણું અઘરું કહેવાય તેમ વેન્ડીંગ મશીનમાં બોટલના બિલ્લા નાખે તેટલે બીજું બાજુ ખોરાક મળે. જુદા જુદા માપની ડાળખી વડે એક પછી એક ખાના ખોલી આગળ વધે અને સફળતા પૂર્વક ખોરાક મેળવવા માટેના અનેક અભ્યાસમાં તેઓ કાબેલ સાબિત થયા છે તે અચંબો પમાડે તેવી વાત છે.


તેમની ન ગમે તેવી એક જાણીતી વાત છે જેમાં તેઓ તેમની બુદ્ધિનો ઉપયોગ નથી કરી શકતાં. સર્વ સામાન્ય વાત છે કે કોયલ કાગડાના માળામાં પોતાના ઈંડા મૂકી દે છે. તેવા સમયે કોયલ કાગડાનું એક ઈંડુ તેના માળામાંથી બહાર ફેંકી દઈ પોતાનું એક ઈંડુ મૂકી દે છે. કાગડો ગણતરીમાં પાકો છે. તેને પોતાના ઈંડાની સંખ્યા ગણતાં આવડે છે પરંતુ રંગ તફાવત પારખી નથી શકતો અને છેતરાઈ જાય છે અને કોયલના બચ્ચાને પોતાનું બચ્ચું માની ઉછેરે છે. કુદરતે તેનામાં આ એક જન્મ જાત ખામી આપેલી છે. કાગડાનું મગજ બીજા પક્ષીના પ્રમાણમાં મોટું હોય છે. કાગડાની ઘણી બધી અજાયબ ખાસિયત અને આવડતો છે જે જાણીને આશ્ચર્ય થાય છે. કાગડાનું મગજ ૭ વર્ષના બાળક જેટલું વિકાસ પામેલું હોય છે.


કાગડા તેમના મૃત્યુ પામેલા સાથીનો અંતિમ સંસ્કાર કરે છે અને તેના માટે મૃતની આસપાસ ભેગા થઇ શોક મનાવે છે. ખોરાકનો સંગ્રહ કરી જાણે છે અને તેમાંયે કયો ખોરાક પહેલા સંગ્રહી લેવો અને કયો ખોરાક પહેલા વાપરી લેવો તેવી સમજણ તેમનામાં હોય છે. તેઓ લક્ષ્ય નક્કી કરી અને વિચારીને આયોજનથી કામ કરે છે. તેઓ પોતાના માટે ઉપયોગી સાધનો બનાવી જાણે છે અને પોતાના બનાવેલા કયા સાધનનો કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરવો તે જાણે છે. ખોરાક માટે તેઓ વાહનના ટ્રાફિકનો ઉપયોગ કરી ખુબજ કઠણ એવા પડવાળા/ કોટલા વાળા બીજ/ અખરોટ વગેરે ખાવા માટે ઉપર વીજળીના તાર ઉપરથી સમયસર નાખે, વાહન નીચે પસાર થાય, તૂટે અને ટ્રાંફીક સિગ્નલમાં લાલ બત્તી થાય તેટલે તૂટેલું અખરોટ ઉપાડી ખાઈ લે છે. બિલાડી જેવા શિકારી ખોરાક ખાતા હોય ત્યારે પાછળથી તેને હેરાન કરે અને જેવી બિલાડી તેના તરફ ફરે તેની સાથે બીજો કાગડો બિલાડીનો ખોરાક લઇ ભાગી જાય છે અને આમ ખુબ ચાતુર્ય ભર્યું વર્તન કરે છે.

American Crow Identification, All About Birds, Cornell Lab of Ornithology
કાગડો અધધધધ ૨૫૦ જેટલા વિવિધ અવાજ કાઢી શકે છે. તે માણસના હાવભાવ ઓળખી શકે છે અને ચહેરાને યાદ રાખી શકે છે. કોણ પજવે છે, કોણ ગુસ્સાથી જુવે છે, કોણ પ્રેમથી ખોરાક આપે છે તે જોઈને પારખી શકે છે અને યાદ રાખી લે છે અને તેના આ ચાતુર્યને લીધે કેટલાક માણસ માટે કહેવાય છે કે આ માણસ કાગડા જેવો ચતુર છે. બીજા કેટલાક પક્ષીની જેમ તેઓ કીડીના રાફડાનો ઉપયોગ એન્ટિંગ માટે કરે છે. તેમાં તેઓ પોતાના પીંછા કીડીઓના ઝુંડ ઉપર રગદોળે છે અને તે સમયે કીડીઓ સ્વબચાવ માટે પોતાના શરીરમાંથી ફોર્મિક એસિડ છોડે છે જે કાગડાના પીંછામાંથી જુ અને તેના જેવી ઝીણી અને બારીક જીવાત મારી નાખે છે અને કાગડાની પાંખો સાફ થઇ જાય છે.


કાગડો એક સંસ્કારી પક્ષી ગણાય છે. તેઓ પોતાના સાથીદારને જીવનભર વફાદાર રહે છે. જો તેમનો સાથીદાર મૃત્યુ પામે તો બીજા સાથીદારને વરે છે. તેઓને પ્રજનનની ઋતુમાં ભાગ્યેજ માણસે પ્રજનન કરતાં જોયા હશે! તેઓ ખુબજ સંપીલા હોય છે. પોતાના સાથીદાર ઉપર જોખમ આવે તો બધાં કાગડા કર્કશ અવાજ કા, કા, કા કરીને ભેગા થઈને શિકારીની સામે થઇ જાય છે. હા, સ્વભાવે અળવીતરો હોય છે અને બીજા પક્ષીને કારણ વિના હેરાન કરે છે. તે પ્રમાણે કેટલાક માણસની ઓળખ થાય છે કે કાગડા જેવો કચ, કચ કરે છે. હંમેશા ખોરાક જુવે તેટલે કા, કા, કા અવાજ કરીને પોતાના સાથીદોરોને બોલાવી વહેંચીને ખાય છે. ખોરાકમાં તેઓ સર્વભક્ષી છે. તેઓ અનાજ થી લઈને જીવડાં, દેડકા, ઉંદર, ગરોળી, મૃત પ્રાણીના માંસ,બીજા પક્ષીના ઈંડા તેમજ બચ્ચા, તીડ, ખપેડી, સાપ, નોળીયા, ફળ, એંઠવાડ, ગંદવાડ જેવું કંઈ પણ ખાઈ લે છે.


આમ તો કહેવતમાં કહે છે કે કાગડો બોલે એટલે કોઈક મહેમાન આવશે અને વિરોધાભાસમાં કેટલાક લોકો બહાર નીકળતાં કાગડો જુવે તેને અપશુકન માને છે. ભાદરવા મહિનામાં હિન્દૂ ધર્મ પ્રમાણે કાગડાને પિતૃ તર્પણ માટે કાગવાસ મુકવામાં આવે છે જે વાતનો સીધો સંબંધ કુદરતના અને વૈજ્ઞાનિક કારણ સાથે સંકળાયેલ છે. પીપળા ના વૃક્ષના ટેટા/ બીજ ખુબ કઠણ હોઈ જમીનમાં વાવો તો સીધે સીધા ઉગતા નથી. તે બીજ/ ફળને કાગડો ખાય અને તેના પેટમાંથી પસાર થઇ, પોચો બની તેની વિષ્ટા વાટે બહાર આવે ત્યારે તે જ્યાં પડે ત્યાં તે ઉગી નીકળે છે. તે બીજ સીધે સીધું વાવો તો નહિ ઉગે. આમ પીપળાના વૃક્ષ ઉગવામાં તેઓ બહુ અગત્યનો ભાગ ભજવે છે. આ ઋતુમાં કાગડાની પ્રજનનની ઋતુ હોય છે તેમાં તેને પીપળાના બીજ તેમજ શારીરિક ક્ષમતા માટે પિતૃ તર્પણનો ખોરાક મળે છે અને તે તંદુરસ્ત બચ્ચાને જન્મ આપી શકે છે.


કાગડો અને કાગડી બંને સંયુક્ત રીતે માળો બાંધે છે અને બેઉ સંપીને ઈંડા સેવીને બચ્ચા ઉછેરે છે. જુવાન બચ્ચા તેમના ભાંડુને ઉછેરવામાં માં બાપને મદદ કરે છે. બચ્ચા ઉછેરતી માતા માટે ખોરાક લાવીને બચ્ચા માતાને મદદ કરે છે તેમજ શિકારી પક્ષી આવે તો તેમની સામે ભાંડુનું રક્ષણ પણ કરી લે છે. એક ઋતુમાં તેઓ ૫ ઈંડા મૂકી શકે છે અને આ પ્રક્રિયામાં રોજ એક ઈંડુ મૂકે છે.
કાગડાની ચાંચ, મોઢું, માથું અને ગાળાનો ઉપરનો ભાગ કાળા હોય છે તેમજ પગ અને પાંખો અને પૂંછડી કાળી હોય છે. ગળાનો નીચલો ભાગ, છાતી અને અને તેની ઉપરનો પીઠનો ભાગ ગ્રે/ રાખોડી રંગના હોય છે.
(ફોટોગ્રાફ્સ: શ્રી મનીષ પંચાલ અને વિડિઓ: સોશ્યિલ મીડિયા)

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ. સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve