ગુજરાતમાં થોડા સમય પહેલા બિન સચિવાલયની પરીક્ષા લેવામાં આવી હતી. જે પરીક્ષામાં મોટા પાયે ગરબડી થઇ હોવાનુ સતત સામે આવી રહ્યુ છે. ત્યારે તેના વિરોધમાં વિદ્યાર્થીઓએ ગાંધીનગર ખાતે એકઠા થઇ સરકારની નિંદર તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જેના ફળ સ્વરૂપે વિદ્યાર્થીઓને સરકારની ભેટ મળી હતી જે પોલીસનાં દ્વારા તેમની સામે આવી પહોચી હતી. આ સમગ્ર મામલે ગઇ કાલે મોડી રાત્રે વિદ્યાર્થીઓનાં સમૂહે પ્રતિજ્ઞા લીધી છે અને સરકારને પોતાની એકતાનો પરિચય આપવાનો વિચાર કર્યો છે.
બિન સચિવાલયની પરીક્ષામાં થયેલા કથિત છબરડાને લઇને વિદ્યાર્થીઓનાં સમૂહે ગઇ કાલે મોડી રાત્રે પ્રતિજ્ઞા લીધી છે કે, જ્યા સુધી અમને ન્યાય નહી મળે ત્યા સુધી અમે અહીથી નહી જઇએ. સુત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે, જ્યા એક તરફ અમારા ભવિષ્યની વાત છે ત્યા બીજી તરફ સેટિંગબાજો પોતાના ભવિષ્યને બાપની તિજોરીમાં પડેલા રૂપિયાથી બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. જો આવુ જ કરવુ હોય તો પરીક્ષા લેવાનુ બંધ કરે સરકાર.
બીજી તરફ સરકારનું આ વિશે અલગ કહેવુ છે. રાજ્ય સરકાર તરફથી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ સ્પષ્ટતા કરી કે, ગુજરાતનાં એક પણ ખૂણામાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક નથી થયું, જેથી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થશે નહી. તેમણે કહ્યું કે પેપરલીક નહોંતું થયું, જેથી હાલનાં તબક્કે પરીક્ષા રદ નહીં થાય. કોંગ્રેસ યુવાનોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો આક્ષેપ લગાવી પ્રદીપસિંહે કહ્યું કે રાજ્યમાંથી 39 ફરિયાદ મળી છે, જેના પર અત્યારે તપાસ થઈ રહી છે. તમામ કેન્દ્રોનાં સીસીટીવી ફૂટેજી તપાસ અંતિમ તબક્કામાં છે. જો કોઈએ આ પરીક્ષામાં ચોરી કરી હશે, તો તેમને છોડવામાં નહીં આવે. ભાવનગરમાં પેપરલીકની વાત ખોટી હોવાનું કહી ગૃહમંત્રી બોલ્યા કે પાલનપુરમાં વોટ્સએપ પર પેપર મોકલનારાની પણ ધરપકડ થઈ ચૂકી છે. બે દિવસમાં ચોરી કરનારા સામે એક્શન લેવાની બાહેધરી પણ તેમણે આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
