Gandhinagar News: ઉત્તર ગુજરાતમાં હાલમાં બીઝેડ સ્કીમ (BZ Scheme)ના સ્કેમની વાત ચગી છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં ચાલતી હોય તેવી આ એક જ પોન્ઝી સ્કીમ નથી. આખુ ઉત્તર ગુજરાત જુદાં-જુદાં પ્રકારની પોન્ઝી સ્કીમથી (Ponzi Scheme) ધમધમી રહ્યું છે.
આશ્ચર્યની વાત એ છે કે આ બધુ તંત્રની નજર હેઠળ જ થઈ રહ્યુ છે, પરંતુ જ્યાં સુધી પગ તળે રેલો આવે નહીં ત્યાં સુધી તંત્ર રાબેતા મુજબ નિંદ્રાધીન જ રહે છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠામાં બીઝેડ ઉપરાંત હરિસિદ્ધિ ફાઇનાન્સ, આર.કે. એન્ટરપ્રાઇઝ સહિતના ગ્રૂપોએ વૈભવી ઓફિસ શરૂ કરીને એજન્ટો રાખી નાણા ઉઘરાવ્યા હતા.
લોકો પાસેથી રૂપિયા ઉઘરાવી લાવનારા એજન્ટોને તગડું કમિશન આપવામાં આવતું હતું. તેમને મોંઘીદાટ ભેટ આપવામાં આવતી હતી અને વિદેશ પ્રવાસના પેકેજ આપવામાં આવતા હતા. આ એજન્ટોએ ટાંટિયા ઘસીને હજારો લોકોનો સંપર્ક સાધ્યો હતો અને તેમને જંગી વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાનું રોકાણ આ પોન્ઝી સ્કીમ્સમાં કરાવ્યું હતું.
આ બધી સ્કીમોના સંચાલકોનો પરપોટો ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે ફોડી નાખ્યો છે. બનાસકાંઠાના નાઉ સ્ટાર્ટ ટેક ઇન્ડિયા મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ગ્રુપ દ્વારા મોટાપાયા પર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાની ફરિયાદ થઈ છે. બનાસકાંઠાના પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપને પણ સીઆઇડી ક્રાઇમે સાણસામાં લીધું છે. આશ્ચર્યની વાત તો એ છે કે પોન્ઝી સ્કીમોના સંચાલકો સામે સીઆઇડીની તવાઈ બોલી હોવા છતાં પણ હજી પણ મહિને 11 ટકા વળતર આપતી સ્કીમ્સ ધમધમી રહી છે. હજી પણ રોકાણકારોને નવડાવતી આ પોન્ઝી સ્કીમ્સની હાટડી ચાલી રહી છે. એજન્ટો રોકાણકારોને રોકાણ કરવા લલચાવી રહ્યા છે.
આજે પણ હિંમતનગર, મોડાસા, મહેસાણા, પાલનપુર સહિતના વિસ્તારોમાં બોગસ સ્કીમ્સ ચાલી રહી છે. આ પોન્ઝી સ્કીમ્સ ચલાવનારાઓની ખાસિયત એ છે કે તેઓ વૈભવી ઓફિસો ખોલીને રોકાણકારોને આંજી નાખે છે. કેટલાય રોકાણકારો તેમની આ પ્રકારની ઓફિસ જોઈને તેના પ્રભાવમાં જ રોકાણ કરે છે. રીતસરની લોકોને લૂંટવાની હાટડી ચાલી રહી છે.
અહીં મોડસ ઓપરેન્ડી એક જ પ્રકારની છે. એજન્ટોને પાંચથી 25 ટકા કમિશન આપો એટલે તે રોકાણકારો પાસેથી નાણા ઊઘરાવે. રોકાણકાર બીજા કોઈ રોકાણકાર પાસે રોકાણ કરાવે તેને એક ટકો કમિશન આપવામાં આવે. ઉત્તર ગુજરાતમાં ચાલતી બધી જ પોન્ઝી સ્કીમોની આ જ મોડસ ઓપરેન્ડી છે.
પોન્ઝી સ્કીમ્સના સંચાલકો વૈભવી ઓફિસો ખોલીને અને જુદા-જુદા સેમિનારો યોજીને તથા મોટા-મોટા નેતાઓ સાથે ફોટા પડાવીને લોકોને આંજી નાખતા હતા. કેટલાય નેતાઓએ આ કૌભાંડીઓના મોંફાટ વખાણ કરતા હતા. અભિનેતાઓ અને ડાયરાના કલાકારો પણ તેમના વખાણ કરતા હતા. તેના લીધે લોકો તેમનાથી અંજાઈ જતાં હતા. કેટલાય લોકોએ તો તેમની મરણમૂડીનું રોકાણ આ પ્રકારના ગ્રુપોમાં કર્યુ છે.
આ પણ વાંચો: અરવલ્લીના મોડાસામાં પોન્ઝી સ્કીમ ચલાવી 50 કરોડનું કૌભાંડ, ત્રણ કંપનીના CEO સામે CID દ્વારા ફરિયાદ
આ પણ વાંચો: ધ્રાંગધ્રાના મેથાણ ગામે પોન્ઝી સ્કીમના નામે 100થી વધુ મહિલા સાથે છેતરપિંડી
આ પણ વાંચો: BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં તપાસનો ધમધમાટ, સીએ રૂષિત મહેતાને ત્યાં CIDના ધામા
