West Bengal News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણી રેલીઓ દરમિયાન મોટું રાજકીય નિવેદન આપ્યું છે. શુક્રવારે જમાલપુર અને હાવડા જિલ્લાના શ્યામપુરમાં સંબોધન કરતાં તેમણે દાવો કર્યો કે રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા બાદ ભાજપની જીત લગભગ નિશ્ચિત બની ગઈ છે અને પાર્ટી 110 બેઠકો જીતશે.
શાહે જણાવ્યું કે ભાજપ સત્તામાં આવ્યા બાદ તરત જ CAA (નાગરિકતા સુધારા કાયદો) લાગુ કરવામાં આવશે. સાથે જ તેમણે વચન આપ્યું કે ઘૂસણખોરી પર કડક નિયંત્રણ લાવવામાં આવશે અને રાજ્યને “ડરમુક્ત બંગાળ” બનાવવામાં આવશે, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા પર ભાર મૂકવામાં આવશે.
મતુઆ સમુદાયને ધ્યાનમાં રાખીને તેમણે કહ્યું કે ભાજપ સરકાર બન્યા બાદ દરેક શરણાર્થી પરિવારને નાગરિકતા આપવામાં આવશે. શાહે પશ્ચિમ બંગાળ(Bengal)ની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આક્ષેપ કર્યો કે તેઓ CAA લાગુ થવા દેતા નથી અને વોટ બેંકની રાજનીતિ માટે ઘૂસણખોરોને બચાવે છે. તેમણે રાજ્યમાં બેરોજગારી અને સંસાધનોની અછત માટે ગેરકાયદેસર ઘૂસણખોરીને જવાબદાર ઠેરવ્યું.
બંગાળમાં બાબરી મસ્જિદ(Babri Masjid) બનવા નહીં દઈએ

આ દરમિયાન અમિત શાહે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, “ભાજપનો એક પણ કાર્યકર જીવતો હશે ત્યાં સુધી બંગાળમાં બાબરી મસ્જિદ(Babri Masjid) બનવા નહીં દઈએ.” તેમણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો ઉલ્લેખ કરીને તેને ભાજપની વિચારધારાનું પ્રતિક ગણાવ્યું.
શાહે વધુમાં ઉમેર્યું કે 5 મે બાદ ભાજપ સરકાર બનતા જ ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને રાજ્યના નાગરિકોની સુરક્ષા અને અધિકારો માટે દ્રઢ પગલાં લેવામાં આવશે.
