Gujarat News/ ધ્યાન રાખજો : અંધશ્રદ્ધાનું આચરણ કરનાર કે કરાવનારને જામીન નહીં મળે, છ મહિનાથી 7 વર્ષ સુધીની કેદ

વિધાનસભામાં અંધશ્રદ્ધાવિરોધી બિલ સર્વાનૂમતે પસાર,

Gujarat Top Stories

Gujarat News :  ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી શરૂ થયેલો પ્રારંભ વંદે માતરમ ગાનથી કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી બાદ પ્રથમ વખત સત્ર મળી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો તથા ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો. તેમજ સત્ર શરૂ થયા પહેલાં કોંગ્રેસે વિરોધપ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે ‘બંધ કરો ભાઈ બંધ કરો લોકશાહીની હત્યા બંધ કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે બપોર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં અંધશ્રદ્ધાવિરોધી બિલ રજૂ કર્યું હતું. આ બિલ સર્વાનૂમતે પસાર કરવામાં આવ્યું હતું. અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને સજા થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પહેલા મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદા અમલમાં છે. આમ આ પ્રકારનો કાયદો બનાવનારું ગુજરાત 7 રાજ્ય બનશે.

6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીનો દંડની જોગવાઈ
આ બિલમાં કરેલી જોગવાઈ મુજબ, કોઈ વ્યક્તિ પોતે અથવા કોઈ બીજી વ્યક્તિ મારફત આ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરીને, માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ કરે અથવા કરાવડાવે, માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુની કોઈ જાહેરખબર આપે અથવા અપાવડાવે, વ્યવસાય કરે અથવા કરાવડાવે, પ્રચાર કરે અથવા કરાવડાવે અથવા ઉત્તેજન આપે અથવા અપાવડાવે, તે બાબત આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો ગણાશે. આ ગુનાની દોષિત વ્યક્તિને છ મહિનાથી ઓછી ન હોય એટલી પણ સાત વર્ષ સુધીની કેદની અને પાંચ હજાર રૂપિયાથી ઓછા નહીં પણ 50 હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. તેમજ આ ગુનો બિન જામીનપાત્ર ગણાશે.

આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે: ગૃહ રાજ્યમંત્રી
ચોમસુ સત્રના પ્રથમ દિવસે ગૃહ રાજ્યમંત્રી દ્વારા ગુજરાત માનવ બલિદાન ને બીજી અમાનુષી, અનિષ્ટ, અઘોરીપ્રથા, કાળો જાદુ અટકાવવા અને (એનું) નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024 રજૂ કરવામાં આવ્યું હતું. કાળા જાદુ હેઠળ ચાલતી પ્રવૃત્તિને રોકવા માટે કોઈ ખાસ કાયદો નથી. જોકે વર્ષ 2023ની સંહિતા મુજબ ગુનો નોંધવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ખાલી ભારતમાં જ કાળા જાદુની પ્રથા છે એમ નથી, પણ પશ્ચિમી દેશોમાં પણ આ પ્રથા જોવા મળે છે. દરેક જગ્યાએ આ પ્રક્રિયા રોકવા માટે અલગ અલગ કાયદા લાવવામાં આવ્યા છે. આઝાદીનાં 78 વર્ષ બાદ પણ આ પ્રકારની ઘટના ધ્યાન પર આવે છે, જેને રોકવી જરૂરી છે. નવા કાયદા હેઠળ મહત્ત્વના ગુના સામેલ કરવામાં આવ્યા છે. આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે એમ બિલ રજૂ કરતી વખતે ગૃહરાજ્ય મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.

PIL થતાં હાઇકોર્ટે આપ્યા હતા કાયદો બનાવવા નિર્દેશ
આ પહેલાં અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો બનાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને અન્ય એક અરજદારે એડવોકેટ હર્ષ રાવલ મારફત જાહેરહિતની અરજી દાખલ કરી હતી, જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદી સમક્ષ ચાલી હતી. અરજદારનું કહેવું હતું કે ગુજરાતમાં અંધશ્રદ્ધાના નિર્મૂલન માટે કાયદો બનાવવા કોર્ટ સરકારને નિર્દેશ આપે. આ વિષય બંધારણની સહવર્તી યાદીમાં આવેલો છે, જેથી રાજ્ય એની ઉપર કાયદો બનાવી શકે છે. આ માટે અરજદારે કોર્ટ સમક્ષ ગુજરાતમાં બનેલા 30 બનાવ પણ મૂક્યા હતા. આ અરજી સંદર્ભે હાઇકોર્ટે સરકારને જણાવ્યું હતું કે રાજ્ય એક વેલ્ફેર સ્ટેટ છે. અંધશ્રદ્ધા રોકવાની રાજ્યની જવાબદારી છે, જેથી હાઇકોર્ટે હુકમ કર્યો હતો કે અંધશ્રદ્ધા રોકવા રાજ્યએ શું પગલાં લીધાં છે એ અંગે રાજ્યના ગૃહ વિભાગના સક્ષમ અધિકારી એફિડેવિટ ફાઇલ કરશે. આવાં કૃત્યોથી માનવ હકો અને બંધારણીય હકોનું હનન થાય છે. કોર્ટે આ કેસમાં રાજ્યના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને પક્ષકાર બનાવવા નિર્દેશ આપ્યા હતા. ત્યાર બાદ ગુજરાત સરકારે ગુજરાત અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ સજા કરાશે. જ્યારે રૂપિયા 5 હજારથી 50 હજાર સુધીનો દંડ કરવામાં આવશે. આ બિનજામીન પાત્ર ગુનો ગણાશે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદથી ખરીફ પાકોનું ૭૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચો: રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને આવ્યો બ્રેઈનસ્ટ્રોક, જાણો શું છે સ્થિતિ

આ પણ વાંચો: રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના આકરા તેવર, ખેડૂતો માટે શું બોલ્યા