Bhavnagar News:ભાવનગર જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધીયા પર થયેલા જીવલેણ હુમલા (Attack) ના કેસમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. આ કેસમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે મહુવા ડિવિઝનના DySP રીમા ઝાલાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમનો ચાર્જ હવે તળાજા ડિવિઝનના DySP નકુમને સોંપવામાં આવ્યો છે.આ કેસની તપાસમાં અગાઉ DySP રીમા ઝાલાએ સ્પષ્ટતા કરી હતી કે હુમલા (Attack)માં લોકગાયક માયાભાઈ આહીર કે તેમના પુત્ર જયરાજ આહીરની કોઈ સંડોવણી નથી. જોકે, કેસમાં સામાજિક અને રાજકીય દબાણ વધતા પોલીસ વિભાગમાં આ પગલું ભરવામાં આવ્યું છે. અગાઉ બગદાણા પોલીસ સ્ટેશનના PIને પણ રજા પર મોકલી દેવામાં આવ્યા હતા.

બાલધીયા કેસમાં વધુ એક પોલીસ અધિકારીને હટાવાયા
આ ઘટના ડિસેમ્બર 2025ના અંતમાં બની હતી. નવનીત બાલધીયા પર આઠ જેટલા શખ્સોએ લાકડા, પાઈપ અને ધોકાથી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા (Attack) પહેલા તેમના પુત્રના ટ્રેક્ટરની ચાવી કાઢી લેવામાં આવી હતી, જેના કારણે નવનીત તેને શોધવા નીકળ્યો અને હુમલા (Attack)નો ભોગ બન્યો હતો.વિવાદનું મુળ કારણ માયાભાઈ આહીરના મુંબઈમાં યોજાયેલા ડાયરા કાર્યક્રમમાં આપેલા નિવેદનમાં છે. તેમણે બગદાણા આશ્રમના એક વ્યક્તિને ‘મેનેજિંગ ટ્રસ્ટી’ તરીકે ઉલ્લેખ કર્યો હતો, જ્યારે આશ્રમમાં આવું કોઈ પદ નથી તમામ માત્ર ટ્રસ્ટીઓ છે.

આ બાબતે નવનીત બાલધીયાએ માયાભાઈને ફોન કરીને ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ માયાભાઈએ માફી માંગતો વીડિયો જાહેર કર્યો હતો.આ પછી જ નવનીત પર હુમલો થયો, જેના કારણે સોશિયલ મીડિયા પર માયાભાઈના પુત્ર જયરાજ આહીર પર આરોપો ઉઠ્યા હતા. જોકે, પોલીસ તપાસમાં તેમની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નહોતા.
