ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોમવારે ઝી મીડિયાને નોટિસ મોકલી છે. નોટિસમાં 15 જાન્યુઆરીએ રિયાલિટી શોના ટેલિકાસ્ટ માટે ખુલાસો માંગવામાં આવ્યો છે. આ શોમાં બે બાળકોએ કથિત રીતે નોટબંધી પર મજાક કર્યો હતો. આ સાથે આ બાળકો કથિત રીતે પીએમ મોદી અને તેમના ડ્રેસની મજાક ઉડાવતા પણ જોવા મળ્યા હતા.
તમિલનાડુમાં ભાજપની આઈટી અને સોશિયલ મીડિયા વિંગના પ્રમુખ સીટીઆર નિર્મલ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર કાર્યવાહી કરતા મંત્રાલયે મીડિયા હાઉસને સાત દિવસમાં જવાબ આપવા કહ્યું છે. શોની સામગ્રી હિન્દીની સાથે અન્ય ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવી હતી.
શોમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બે સ્પર્ધકોએ પીએમ પર કથિત વ્યંગ્ય માટે તમિલ ફિલ્મ ‘ઈમસાઈ અરાસન 23 એમ પુલિકેસી’ ની થીમ અપનાવી હતી. નિર્મલ કુમારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે કાર્યક્રમ દરમિયાન બાળકો જાણીજોઈને પીએમ મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ શોમાં નોટબંધી, PMની વિવિધ દેશોની રાજદ્વારી મુલાકાતો અને PMના પહેરવેશ વિશે ઘૃણાસ્પદ ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
આ મામલે નિર્મલે કહ્યું, ‘ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડના ચીફ ક્લસ્ટર ઓફિસર સિજુ પ્રભાકરણે મને કહ્યું છે કે તેઓ પ્રોગ્રામ સાથે સંબંધિત તમામ પ્રકારની સામગ્રી હટાવી દેશે અને ટૂંક સમયમાં સ્પષ્ટતા કરશે. બીજી તરફ પ્રભાકરને કહ્યું કે તેમની કોર્પોરેટ કોમ્યુનિકેશન ટીમ આ મુદ્દાની તપાસ કરી રહી છે. પ્રભાકરે વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
