Not Set/ હવે સંતાનો માટે હાઈફાઈ લાઇફસ્ટાઇલ નહીં, પણ હાઈફાઈ થિકિંગ અપનાવવાનો સમય

આપણા દેશમાં એવરેજ દરેક ટીનેજર દિવસના 8થી 10 કલાક મોબાઇલ સાથે વ્યતીત કરે છે. આમ કરવામાં તેમની શારીરિક એક્ટિવિટી બિલકુલ બંધ થઈ જાય છે

Lifestyle Relationships

નાની ઉંમરથી બાળકોને સ્વતંત્રતા જોઈએ છે, જ્યારે બાળકો નાના હોય ત્યારે આપણે જ તેમને એકલા સૂતા શીખવીએ છીએ. પ્રાઇવેસી મેળવવા પ્રાઇવેસી આપવાનું પણ માતાપિતા દ્વારા જ શીખવાડવામાં આવે છે. આ રૃમ તેમનો છે, અહીં તેઓ જે ઇચ્છે તે કરી શકે છે. તેનું આમ કરવું એ બાળક થોડો મોટો થાય ત્યારે અઘરું લાગે છે. તેમના કામમાં કોઈ દખલ ના કરે એ માટે રૃમ અંદરથી બંધ કરતા થઈ જાય છે. આ તેમની માટે ફ્રીડમ ગણાય અને પેરેન્ટ્સ માટે આ હેડેક બને છે.

ગેજેટ્સનો પરિચય મોડો કરાવવામાં કશું જ ખોટું નથી

આપણે જ્યારે ઇચ્છીએ કે બાળકો ફેમિલી સાથે સમય પસાર કરે, ત્યારે તે પોતાના રૃમમાં રહેવાનું પસંદ કરે છે, કારણ તેમના હાથમાં નાનપણથી ફોન ટીવી, આઇપેડ અને કોમ્પ્યુટર જેવા ગેજેટ પકડાવી દેવાય છે. જે આજે જરૃરિયાત કરતા દેખાડો અને દંભ વધારે છે. બાળકોને ઇલેક્ટ્રિક ગેજેટ્સનો પરિચય બને તેટલો ઓછો અથવા મોડો કરાવવામાં કશું જ ખોટું નથી. નાનપણમાં આવા ગેજેટ્સ હાથમાં આવતા ઓનલાઇન ચેટિંગ, ગેમ્સ અને નેટ સર્ફિંગ તેમની આદતો બની ગઈ હોય છે. તેમની આ આગવી દુનિયામાં પ્રાઇવેસી મેળવવાના ઇરાદે તેઓ રૃમ લૉક કરીને બેસે છે. પોતાનો દીકરો કે દીકરી બંધ બારણા પાછળ શું કરે છે તે જાણવાની દરેક પેરેન્ટ્સની આતુરતા હોય છે. કારણ માત્ર એટલું જ કે તેને ખોટું કરતો હોય તો રોકવા માટેની આ જ હાથવગી તક છે. આઈ ફોન કંપનીના પ્રણેતા સ્ટીવ જોબ પોતે પોતાનાં નાનાં બાળકોને ફોન કે આઇપેડ આપવાની તરફેણમાં નહોતા. શું તેમને બાળકોની પ્રગતિમાં રસ નહોતો ? શું તેઓ નહોતા ઇચ્છતા કે બાળકો ગૂગલ અને ફોનના ઉપયોગથી વધુ સ્માર્ટ બને? દરેક મા-બાપની માફક એ બાળકોના ઉચ્ચ ભવિષ્ય માટે જ ચિંતિત છે, તેમને આ ટૅક્નોલોજીથી થતા નુકસાનની બરાબર ખબર છે, આથી તે બાળકોને તેનાથી દૂર રાખવા માગતા. જો તેઓ આવું વિચારે છે તો આપણે કેમ નહીં?

રોજના આઠથી દસ કલાક મોબાઇલ સાથે

આપણા દેશમાં એવરેજ દરેક ટીનેજર દિવસના 8થી 10 કલાક મોબાઇલ સાથે વ્યતીત કરે છે. આમ કરવામાં તેમની શારીરિક એક્ટિવિટી બિલકુલ બંધ થઈ જાય છે. બહાર મિત્રો બનાવવાની તેની આદત ધીમે-ધીમે ઘટતી જાય છે, પરિણામે ડિપ્રેશનનું પ્રમાણ વધતું જાય છે. બીજાઓ સાથે વાત કરવાની કળા અને આંખમાં આંખ મિલાવી પોતાની વાત રજૂ કરવાની ખુમારી, આત્મવિશ્વાસ જતાવવાની તક ઘટતી જાય છે. આ માત્ર અમેરિકાની સમસ્યા નથી. દેશ-દેશમાં આ જ હાલ છે. આ જ કારણે સમાજ વિખેરાઈ રહ્યો છે. એક જ ઘરમાં ચાર વ્યક્તિઓ જો એકબીજા સાથે સંપર્કમાં ન રહી શકતા હોય તો બીજાઓ સાથે કેવી રીતે રહી શકશે?

સમાજ અને સબંધો સીમિત બની રહે છે

બાળકોને કોઈના ઘરે કે સોશિયલ પ્રસંગે લઈ જવા હોય તો પહેલો પ્રશ્ન તેવો પૂછશે, ‘તેમના ઘરે મારી ઉંમરનું કોઈ છે? હું ત્યાં શું કરીશ?’  વગેરે બહાનાં હેઠળ સાથે આવવાનું પસંદ કરતા નથી અને સાથે આવે તો પણ એકબાજુ ચુપચાપ બેસી રહે અથવા ત્યાં બેઠા-બેઠા તેમનો સંપર્ક ફોન દ્વારા બીજાઓ સાથે જ રહેતો હોય છે. આમ તેમનો સમાજ અને સબંધો સીમિત બની રહે છે. બાળકોને પોતાના ફ્રેન્ડ્સની કંપની વધારે ગમે એ સ્વાભાવિક છે. બાળકો ગેજેટના આદી હોવાના કારણે તેમને એવા વ્યંજન જ ભાવે છે જે તે જોતા રહે છે માટે બાળકો મેક્સિકન, ઇટાલિયન, કોન્ટિનેન્ટલ ફૂડ વધારે પસંદ કરે છે. પરિણામે ઇન્ડિયન ફૂડ, તેમાંય ગુજરાતી ફૂડ ખાસ પસંદ નથી કરતાં, જેના પરિણામે મોટા થઈને તેમના બનાવતા પણ નથી આવડતું. આજના કલ્ચરની સમસ્યા છે કે તેઓને થોડું ઘણું ઇન્ડિયન ફૂડ ભાવે છે, પણ બનાવતા નથી આવડતું.

માતા-પિતાની જવાબદારી નિભાવવાની રીત કેળવવી પડશે

જેટલી છૂટ બાળકો માગી રહ્યાં છે તે આપ્યા સિવાય હવે છૂટકો જ નથી. કારણ કે જો છૂટ નહીં આપવામાં આવે તો તેમને અન્ય માર્ગે જતા અટકાવી નહીં શકાય. પરંતુ તેનો અર્થ એ નથી કે સંતાનોને એટલા છૂટા મુકવા કે તે ભુલી જાય કે તેમના જીવનમાં પરિવાર પણ છે. માટે હવે આધુનિકતાની સાથે તાલ મેળવી માત્ર દેખાડા માટે હાઇફાઇ પેરેન્ટસ બનવાનું ટાળવું જોઇએ. અને  પેરેન્ટ્સ તરીકે તેમને સમજાય એ રીતે તેમની ભૂલ દર્શાવવાની કળા પણ વિકસાવવાનો સમય આવી ગયો છે.  જો તેમની જરૃરિયાતો સાથે સારી કે ખરાબ આદતો વિષે પૂરતું જ્ઞાન હશે તો જ આ શક્ય તેમને યોગ્ય રાહ ચિંધી શકાશે. જેથી કોઈ પણ બહાના હેઠળ બાળકો સાથે મિત્રતાભાવ રાખવાની કલા કેળવવી પડશે. સાથે જ  વાતચીત દ્વારા તેમનું મન વાંચતા પણ શીખવું જ પડશે.