Surat News: વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા કે પછી માનસિક ત્રાસ આપવામાં આવ્યો તો હવે શાળાઓ દંડાશે. સુરતમાં જીલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓ દ્વારા બાળકોને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવા બદલ એક પરિપત્ર બહાર પાડ્યો છે.
સરકારની કડક જોગવાઇ વચ્ચે પણ જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવા અંગેની ઘટનાઓ કચેરીના ધ્યાનમાં આવતા સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર બહાર પાડતા જણાવ્યું હતું કે, ધ રાઈટ ઑફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ- 2009 પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર અપાયા છે. તથા આર્ટિસ્ટ એક્ટ-2009 અંતર્ગત ગુજરાત આરટીઈ RTE-2012 સમગ્ર રાજ્યમાં અમલમાં છે.
આર્ટિસ્ટ એક્ટ-2009ની કલમ 17ની જોગવાઈ મુજબ કોઈ પણ વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા કે પછી માનસિક ત્રાસ આપી શકાશે નહીં. તે દરમિયાન જો કોઈ આવી ઘટના સામે આવશે તો શાળાને નોટિસ પાઠવવામાં આવશે. જો ફરીથી આવી ઘટના બની તો દંડ ભરવો પડશે. તેમ છતાં, જો શાળા કાયદાને ગંભીરતાથી નહીં લે તો શાળાની માન્યતા રદ કરવા શિક્ષણ બોર્ડને પત્ર લખી જાણ કરાશે.
વિદ્યાર્થીઓને આનંદમય અને મૈત્રીપૂર્ણ વાતાવરણની જરૂર…
શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓને સલામત મૈત્રીભર્યું વાતાવરણ પૂરું પાડવું અત્યંત જરૂરી છે. આવી ઘટના ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે. બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે જેથી તે શાળામાં આવવાનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ ગુમાવી બેસે છે. આપણી સૌની જવાબદારી બને છે કે શાળાઓમાં આવી ઘટના ફરી ન બને. તેમજ આવી ઘટના કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. ઉપરાંત, અધિકારીએ જિલ્લાની તમામ સરકારી, ખાનગી, ગ્રાન્ટેડ શાળાઓમાં ફરીથી આવી ઘટના ન બને તે માટે કર્મચારીઓને તકેદારી રાખવા સૂચન કર્યું હતું.
આ પણ વાંચો:ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ
આ પણ વાંચો:ગાદોઇ ટોલ ટેક્સ વિવાદ અંગે કલેકટરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલકિસ બાનોના ઘરે ઉજવણીનો માહોલ, ફોડ્યા ફટાકડા