જેવો કાર્યકાળ, તેવી જ વિદાય, ભવ્ય, વિરાટ અને વિશાળ, આવી વિદાય ન કોઈને મળી, ન કોઈને મળશે
રાજકોટના જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, સરળ, સૌમ્ય અને સ્પષ્ટ બોલનારા. હાલમાં જ તેમની બદલી થઈ. પણ કલેક્ટર તરીકેના કાર્યકાળના છેલ્લા દિવસે રેમ્યા મોહનને અધિકારી અને કલેક્ટર કચેરીના સ્ટાફે એવી વિદાય આપી કે જેની કલ્પના તેમને પણ ન હતી. છેલ્લા દિવસે તેમને મળવા સ્વાભાવિક રીતે જ અનેક લોકો આવ્યા હતા.

અનેક લોકોએ બુકે આપ્યા. અનેક ભેટ સોગાદો આ પૂર્વ કલેકટરને આપવામાં આવી હતી. અને પછી તેઓ જ્યારે ઓફિસ છોડી જતાં હતા ત્યારે તેમને અપાયું અનોખું બહુમાન. તેમના રસ્તામાં ફૂલની પાંખડીઓથી સજાવવામાં આવી હતી. જાણે રસ્તો નહીં પણ ગુલાબપથ હતો. રેમ્યા મોહન પણ આ અકલ્પનીય વિદાય નિહાળી લાગણીશીલ બન્યાં. પણ હમેંશાની માફક લાગણીઓ પર કાબુ રાખી તેમણે જાણે વિદાયની વેળાને સહજતાથી લીધી હોય તેમ મુખ પર લાગણીઓને હાવી ન થવા દીધી.

જો કે લાંબા સમય સુધી તેમણે જે કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સ્નેહથી કામ લીધું હતું, તેને સ્ટાફ કેવી રીતે ભૂલે. કેપ્ટન જયદેવ જોશી અને એક્સ આર્મીમેનના ગ્રૂપે બેંડના સથવારે સૂરો રેલાવ્યા. આખરે જ્યારે રેમ્યા મોહન પોતાની કારમાં બેસી કલેક્ટર કચેરીથી નીકળી રહ્યા હતા, ત્યારે તેમના સહયોગીઓએ કારને પોતાના હાથથી ખેંચી. અત્યાર સુધી કલેક્ટર કચેરીની જવાબદારીઓને પોતાના ખભે ઉંચકી વહન કરનારા રેમ્યા મોહન માટે આ જિંદગીભર ન ભૂલ્યા તેવી ક્ષણો હતી. જૂના કર્મચારી અને અધિકારીઓને પણ યાદ નથી કે રાજકોટના કોઈ કલેક્ટર કે મોટા અધિકારીને આવી વિદાય ક્યારેય અપાઈ હોય.

વાસ્તવમાં રેમ્યા મોહને કોરોનાકાળમાં રાજકોટમાં જે કામગીરી કરી તેની નોંધ સરકાર સુધી પહોંચી. રાત દિવસ એક કરી રેમ્યા મોહને રાજકોટને કોરોના મુક્ત કરવા બીડુ ઝડપ્યું હતું. ઉપરાંત અન્ય કામોમાં નાના માણસથી લઈ મોટા વ્યક્તિને તેમણે જે મદદ કરી તેનું જ આ પરિણામ છે કે તેમને વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જો કે રેમ્યા મોહને કોરોના કાળમાં તેમણે કરેલી કાર્યવાહી માટે પોતાના સહયોગીઓને ક્ષેય આપી લોકોના દિલ જીતી લીધા.

રેમ્યા મોહન, પૂર્વ કલેક્ટર, રાજકોટ
અધિકારીઓ તો આવે અને જાય..પણ જે અધિકારી ન રહેતા, સાચા અર્થમાં પ્રજાસેવક બની રહે તે જ હમેંશા યાદ રહે..રાજકોટ કલેક્ટર કચેરીના ઈતિહાસમાં રેમ્યા મોહનનું નામ આવા જ સુવર્ણ અક્ષરોએ લખાશે તેમાં કોઈ બેમત નથી.

