Not Set/ ઓમ પ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર સંપત્તિ કેસમાં ચાર વર્ષની સજા, 50 લાખનો દંડ

ઓમ પ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર સંપત્તિના કેસમાં ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે તેમના પર 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

Top Stories India
ઓમ પ્રકાશ ચૌટાલાને

દિલ્હીની સીબીઆઈ કોર્ટે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર સંપત્તિના કેસમાં ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે તેમના પર 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. શુક્રવારે  રોઝ એવન્યુ કોર્ટે અપ્રમાણસર સંપત્તિ કેસમાં દોષિત જાહેર થયા બાદ ઓમ પ્રકાશ ચૌટાલાની સજા પરનો ચુકાદો અનામત રાખ્યો હતો, કોર્ટે આજે સજા સંભળાવી છે.

કોર્ટે હેલી રોડ, પંચકુલા, ગુરુગ્રામ અને આસોલા સ્થિત ઓમ પ્રકાશ ચૌટાલાની ચાર મિલકતો જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો છે. કોર્ટે ચૌટાલાને સીબીઆઈને 5 લાખ રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. શુક્રવારે સજા જાહેર થયા બાદ ચૌટાલાને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. કોર્ટ દ્વારા તેને જેલમાં મોકલી આપવામાં આવશે.

2006માં નોંધાયો હતો કેસ

સીબીઆઈએ વર્ષ 2006માં ઓમ પ્રકાશ ચૌટાલા સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધ્યો હતો. તેમની સામે તેમની આવક કરતા 189 ગણી વધુ કમાણી કરવાનો કેસ છે. CBI દ્વારા ચૌટાલા પર 1993 અને 2006 વચ્ચે અજ્ઞાત સ્ત્રોતોમાંથી રૂ. 6.09 કરોડથી વધુની સંપત્તિ હસ્તગત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 19 મે ના રોજ કોર્ટે ચૌટાલાને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા.

ગુરુવારે સજા પરની ચર્ચા દરમિયાન ઓમ પ્રકાશ ચૌટાલાના વકીલે તેમની ઉંમર અને સ્વાસ્થ્યને ટાંકીને કહ્યું કે ઓમ પ્રકાશ ચૌટાલા 87 વર્ષના છે અને લગભગ 90 ટકા વિકલાંગતા ધરાવે છે. તેમને કપડાં બદલવા માટે પણ મદદની જરૂર છે, આવી સ્થિતિમાં કોર્ટે તેમને છૂટછાટ આપવી જોઈએ. વકીલે કોર્ટને વિનંતી કરી છે કે આ બાબતોને ધ્યાનમાં રાખીને ઓમ પ્રકાશ ચૌટાલાને ઓછામાં ઓછી સજા આપવામાં આવે. બીજી તરફ સીબીઆઈના વકીલે આનો વિરોધ કર્યો અને કોર્ટમાં કહ્યું કે ઓમ પ્રકાશ ચૌટાલાના વકીલ ખરાબ તબિયતને ટાંકીને સજામાં રાહત માંગી શકે નહીં. જો તેમને સજા નહીં કરવામાં આવે તો લોકોમાં ખોટો સંદેશ જશે.

આ પણ વાંચો:હવે આગ્રાના કિલ્લામાં મસ્જિદના પગથિયાં નીચે ‘મૂર્તિઓ’ દટાયેલી હોવાનો દાવો, નવી અરજી દાખલ

આ પણ વાંચો: EDએ ફારુક અબ્દુલ્લાને મોકલ્યું સમન્સ, 31 મે ના રોજ પૂછપરછ માટે હેડક્વાર્ટર પર બોલાવ્યા

આ પણ વાંચો:આર્યન ખાનને રાહત, NCBએ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આપી ક્લીનચીટ

logo mobile