એક સમય હતો કે, સમાજનો ગરીબમાં ગરીબ માણસ બાજરીનો રોટલો, દાળ અને ડુંગળી પેટ ભરીને ખાઈ શકતો હતો. આ ગરીબોનું ખાણું હતું કે જેના પર તેમનો અબાધિત અધિકાર હતો. જે પોષણક્ષમ પણ હતું અને સસ્તું તેમજ હાથવગું હતું. પરંતુ દોહ્યલી થતી જતી મોંઘવારીએ ગરીબોની થાળીમાં થી આ સાદું અને સસ્તું ખાણું ક્યારનું છીનવી લીધું છે. ગરીબો માટે કસ્તુરી સમાન ગણાતી ડુંગળી ક્યારની મોંઘીદાટ થઇ ચૂકી છે. દાળ પણ એટલી જ મોંઘી છે. અને જે સુલભ છે તે મિલાવટયુક્ત, મોંઘુ અને બિન આરોગ્યપ્રદ છે. કહેવાનો આશય છે કે, લોકોની અને તેમાં પણ જે લોકો બે ટંક જેટલું કમાય છે, અને ખાય છે. તેમના માટે આ દિવસો વધુને વધુ કપરા અને દોહ્યલા બની રહ્યા છે. કેમ કે કોઈ ને કોઈ ચીજ વસ્તુના ભાવ સતત વધતા રહે છે. જેમાં બટેટા , ડુંગળી, ટામેટા કે કોઇ પણ શાકભાજી કે ફળફળાદી જેવી રોજીંદી ચીજો સામેલ છે કે જે સમાજના દરેક તબક્કાના લોકો ની થાળીનો હિસ્સો છે.
જી , હા હાલમાં ફરી એકવાર ડુંગળીના ભાવો વધ્યા બાદ ઘટ્યા છે. પરંતુ વધ્યા કેટલા અને ઘટ્યા કેટલા તે સમજી શકાય તેવું છે, જેને પગલે ડુંગળી ફરી એકવાર ચર્ચામાં છે. જો કે ડુંગળીના ભાવો આ પ્રકારે અવાર-નવાર વધતા રહે જ છે. આ કઈ પહેલા વહેલા વધ્યા નથી. યાદ રહે કે, ડુંગળીના વધતા ભાવો લોકોને સીધા સ્પર્શતા હોવાથી ૧૯૯૮ માં દિલ્લી વિધાનસભાની ચુંટણીમાં ડુંગળીની વધેલ કિંમતોને પગલે સુષ્મા સ્વરાજ જેવા માતબર નેતા ડુંગળીના કારણે જ હાર્યા હતા.
ત્યારે કહેવાનો આશય છે કે, ડુંગળી તે ભારતીયોના તમામ તબક્કાના લોકોની થાળીની મહત્વની ચીજ છે. ભારતના ૧૦૦૦ લોકોમાં થી ૯૦૮ લોકો ભોજનમાં ડુંગળી વાપરે છે. મતલબ કે બટેટા, ડુંગળી અને ટામેટા તો મોટાભાગના શાક-ભાજી સાથે મિક્સ કરવામાં આવે છે.
ત્યારે ઉલ્લેખનીય છે કે, ખુદ ભારત સરકારના જ આ અંગેના આંકડા જોઈએ તો, પ્રતિ ૧૦૦૦ વ્યક્તિ ૯૦૮ લોકો ડુંગળી ખાય છે. મતલબ કે ભારતમાં ડુંગળીના વપરાશકારોની સંખ્યા ૧૦૦૦ થી વધારે ની છે. તો સામે છેડે કૃષિ મંત્રાલયના આંકડા મુજબ, ભારત લગભગ ૨.૩ કરોડ ટન ડુંગળીનું ઉત્પાદન કરે છે. જેમના ૩૬ % મહારાષ્ટ્ર, ૧૬ % મધ્યપ્રદેશ, ૧૩ % કર્નાટક, ૬ % બિહાર, અને ૫ % રાજસ્થાનમાં થાય છે. બાકીના અન્ય રાજ્યોમાં ડુંગળીનું ઉત્પાદન સાવ ઓછું છે.
વેલ, આમ તો ભારતમાં આખા વર્ષ દરમ્યાન ડુંગળીની ખેતી થાય છે.એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે રવિ પાક લેવાય છે. જેમાં લગભગ ૬૦ % ડુંગળીનું ઉત્પાદન થાય છે. ઓક્ટોબરથી ડીસેમ્બર અને જાન્યુઆરી થી માર્ચ વચ્ચે લગભગ ડુંગળીનું ઉત્પાદન ૨૦-૨૦ % જેટલું થાય છે. વળી ભારતમાં જુન થી ઓકટોબર સુધીનો સમયગાળો વરસાદનો રહે છે. જેમાં અગર વધારે વરસાદ થાય તો પણ પાક ખરાબ થાય છે. આ વખતે ચોમાસું ભારે જ છે તેથી પાક બગડવાની શક્યતા છે જ અને તેને પગલે ડુંગળી મોંઘી પણ થશે જ.
જેને લીધે જયારે આ ચીજો મોંઘી થાય છે ત્યારે શાકાહારી કે મોંસાહારી તેમ તમામ લોકોમાં આક્રોશ પ્રવર્તે છે. અને લોકોની આ જરૂરિયાતનો લાભ મોટા કારોબારીઓ ચુંટણીઓ દરમ્યાન ઉઠાવે જ છે. મહારાષ્ટ્રમાં જયારે પણ ચુંટણી આવે છે ત્યારે ડુંગળી મોંઘી થાય છે.
કેમ કે ભારતભરમાં મુખ્યત્વે ૬ રાજ્યોના ૧૦ માર્કેટમાંથી ડુંગળી આવે છે. જેમાના ૬ માર્કેટ મહારાષ્ટ્રના છે. ત્યારે આનો મતલબ પણ સાફ છે કે, મુઠ્ઠીભર વ્યાપારીઓના હાથમાં દેશની ૫૦ % ડુંગળીનો પાક રહે છે અને તેનો લાભ આ સંગ્રહખોરો ખુબ સારી રીતે લે છે. ચુટણી દરમ્યાન આ વેપારીઓ જે તે પાર્ટીને ચુંટણી લડવા પૈસા આપે છે અને સામે છેડે તે વસુલવા ડુંગળીની સઘરાખોરી કરી કુત્રિમ અછત ઉભી કરી ડુંગળી મોંઘીદાટ કરી નાખે છે. વળી જોવામાં આવે તો ડુંગળી માટે અત્યાર સુધી કોઇપણ પ્રકારનું ન્યુનતમ સમર્થન મુલ્ય નક્કી કરવામાં નથી આવ્યું. જેને લીધે આવા લેભાગુ તત્વોને મોજ પડી જાય છે ને સંઘરાખોરી કરીને મનમાફિક કીમત વસુલે છે. સામે છેડે ખેડૂતોની હાલત તે છે કે, પાક તૈયાર થવાના સમયે બધા ખેડૂતો એકસાથે માલ લઈને બઝારમાં પહોચે છે.
અને આ સ્થિતિનો લાભ આ લેભાગું તત્વો લે છે. અને મજબુર ખેડૂતોને દાવ ફેકતા હોય તેમ તેમને મનમાફિક ભાવ આપી કાયદેસર લુટે છે. ખેડૂતો પાયમાલ અને સંઘરાખોરો આબાદ જેવો ઘાટ ભારતમાં સર્જાય છે.
ખેર આ તો વાત થઇ સંઘરાખોરીની અને કિમતો ની પરંતુ સરકાર પણ વિષમ પરિસ્થિતિને પહોચી વળવા તેના તરફથી કેટલીક તૈયારીઓ રાખે જ છે. જેને બફર સ્ટોક કહેવામાં આવે છે. કેન્દ્ર સરકાર ૧૩૦૦૦ ટન ડુંગળીનો બફર સ્ટોક પણ રાખે છે. પરંતુ આયોજન ની ખામી અહી ઉડીને આંખે વળગે છે કે આ સ્ટોક જરૂરતમંદ લોકોના હાથ સુધી પહોચવાને બદલે મોટાભાગે દર વરસે ખરાબ થઇ જાય છે. આ અંગે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ૨૦૧૮ના એક અહેવાલ મુજબ , ૬૫૦૦ ટન ડુંગળી સડીને ખરાબ થઇ ગઈ હતી .
અને આવું જ અનાજ, શાકભાજી જેવી જરૂરી ચીજો ના જથ્થા મામલે થાય છે. જેને તમે આયોજનની ખામી કે અભાવ કહી શકો.. પરંતુ આ બધા બરબાદ થવાનું તો ખેડૂતોને અને ક્યાંક પ્રજાને જ આવે છે..
@ પત્રકાર – કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમે…..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
