Ambaji Temple Traffic Jam Today: જેઠ સુદ પૂનમના પવિત્ર અવસરે ઉત્તર ગુજરાતના જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું છે. હાલમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશનના આખરી દિવસો અને રવિવારની રજાના સંયોગને કારણે વહેલી સવારથી જ મા અંબેના દર્શન કરવા માટે લાખો માઇભક્તો ઉમટી પડ્યા છે. જોકે, આ ભારે ઘસારાની વચ્ચે અંબાજીમાં ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જતાં દર્શનાર્થે આવેલા યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Ambaji Temple : “જય અંબે” ના નાદથી ગુંજ્યું મંદિર
આજે પૂનમ હોવાના કારણે અંબાજી મંદિરના પ્રખ્યાત ચાચર ચોકમાં હજારોની સંખ્યામાં ઉમટેલી વિશાળ મેદનીના લીધે ભક્તિમય માહોલ સર્જાયો છે. સમગ્ર પરિસર “બોલ મારી અંબે, જય જય અંબે” ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મંદિર ચોકમાં તમામ શ્રદ્ધાળુઓને બુંદી તેમજ સેવનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.
મુખ્ય હાઈવે પર કલાકોનો મહાજામ
બીજી તરફ, હજારોની સંખ્યામાં ભક્તો પોતાના ખાનગી વાહનો લઈને અંબાજી પહોંચતા ટ્રાફિક વ્યવસ્થાના લીરેલીરા ઊડી ગયા છે. અંબાજી તરફ આવતા મુખ્ય માર્ગો, ખાસ કરીને અંબાજીથી પાલનપુર હાઈવે અને અંબાજીથી હિંમતનગર રોડ પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. રવિવારના લીધે ટ્રાફિકનું ભારણ એટલું વધી ગયું છે કે કલાકો સુધી લોકો ગાડીઓમાં અટવાઈ રહ્યા છે, જેને કંટ્રોલ કરવામાં સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના પણ પસીના છૂટી ગયા છે.
રોડ અને પાર્કિંગ પ્લોટ તૂટ્યા!
યાત્રાળુઓની આ પરેશાની પાછળનું મુખ્ય કારણ અંબાજીમાં હાલમાં ચાલી રહેલું ભવ્ય ‘કોરિડોર’ નું બાંધકામ છે. વિકાસ કાર્યોના અંતર્ગત અંબાજીના કેટલાક મુખ્ય રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે, જ્યારે અમુક રસ્તાઓ પર વાહનવ્યવહાર સદંતર બંધ રાખવામાં આવ્યો છે.
સૌથી મોટી મુસીબત પાર્કિંગની ઊભી થઈ છે, કારણ કે કોરિડોર પ્રોજેક્ટના લીધે મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટેના મોટાભાગના કાયમી પાર્કિંગ પ્લોટ તોડી પાડવામાં આવ્યા છે. બહારથી આવતી ગાડીઓ પાર્ક કરવા માટે કોઈ વૈકલ્પિક જગ્યા ન મળતા લોકો રસ્તા પર જ વાહનો થોભાવી રહ્યા છે, જે જામનું મુખ્ય કારણ બન્યું છે. એકતરફ ભક્તિનો અનેરો માહોલ છે, તો બીજી તરફ અધૂરા ડેવલપમેન્ટના કામોના કારણે પવિત્ર પૂનમના દિવસે માઇભક્તોએ દર્શનની સાથે ભારે અગવડતા વેઠવી પડી રહી છે.
