સમગ્ર રાજય માં કોરોના ની બીજી લહેર ખૂબ જ ભયાનક જોવા મળી હતી . કોરોના ના વધતા જતા કેસો ને લીધે રાજય માં શૈક્ષણિક સત્ર ઓનલાઈન કરી દેવામાં આવ્યું હતું . અનેક પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી હતી . હવે રાજય માં કેસો ઘટતા રાજય માં ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજો તેમજ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કામગીરીનો આજ થી પ્રારંભ કરવમાં આવશે . જો કે અત્યારે બોર્ડ દ્વારા ગુજકેટની તારીખ જાહેર કરાઇ નથી. પરંતુ સંભવત બોર્ડ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પુર્ણ થયા બાદ ગુજકેટની પરીક્ષા લે તેવી શક્યતા દેખાઇ રહી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી 30 જૂન સુધી ચાલશે. ત્યારબાદ બોર્ડ દ્વારા આગળનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. આ વખતે ગુજકેટમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા તેવો અંદાજ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા ધોરણ-12 સાયન્સના એ ગ્રુપ, બી ગ્રુપ અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં ગુજકેટની પરીક્ષા માટે માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્રો ભરવાની સુચનાઓ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ગુજકેટની પરીક્ષાના આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી 23 જૂનના રોજ બપોરના 12-30 કલાકથી 30 જૂન સુધી ઓનલાઇન ભરી શકાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા માટેની ફી રૂ. 300 ઓનલાઈન ભરવાની રહેશે તેમ પણ બોર્ડ દ્વારા જણાવાયું છે. હાલમાં બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ સંભવત જુલાઈમાં યોજાનારી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પુર્ણ થાય ત્યારબાદ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવી શકે છે.
