બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા ભાજપ અને ટીએમસી વચ્ચે વાર-પ્રતિવાર ચાલી રહ્યો છે. બંગાળના ચૂંટણી પ્રચારમાં હવે યોગી આદિત્યનાથની એન્ટ્રી થઇ છે. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથ મંગળવારે પશ્ચિમ બંગાળના પુરલિયામાં હતા. ત્યાં એક રેલીને સંબોધિત કરતાં તેમણે મમતા બેનરજી પર પ્રકાર કરતાં કહ્યું કે પહેલા લોકો મંદિર જવાથી ડરતા હતા પરંતુ હવે મમતા દીદી પણ મંદિરમાં જઇને ચંડી પાઠ કરી રહી છે. તો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મંદિરમાં માથુ ટેકવી રહ્યા છે. તેમણે કહ્યું કે 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ આ ફેરફાર આવ્યો છે.
યોગી આદિત્યનાથે કહ્યું કે બંગાળમાં ટીએમસીના ગુંડા કાયદાને નથી માનતા. તેમણે કહ્યું કે બે મે બાદ ટીએમસીની વિદાય નિશ્ચિત છે. યોગીએ ચેતવણી આપતાં કહ્યું કે ટીએમસીના ગુંડાઓને 2જી મે પછી પકડી પકડીને સજા આપવામાં આવશે.
યોગીએ કહ્યું કે હું કૃષ્ણ અને રામની ધરતી પરથી આવ્યો છું અને બંગાળ હંમેશાથી પરિવર્તનની ધરતી રહી છે. બંગાળે દેશને રાષ્ટ્રગીત પણ આપ્યું અને વંદે માતરમ પણ આપ્યુ છે. તેમણે કહ્યું કે અરાજકતાનો સમય હવે પૂરો થઇ ગયો છે. ભાજપ સત્તામાં આવતાની સાથે જ અરાજકતાનો માહોલ પૂર્ણ થશે.
તેમણે રાહુલ ગાંધી પર પણ નિશાન તાકતા કહ્યું કે આજકાલ મંદિરમાં બેસતા પણ નથી આવતું. હવે રાહુલ ગાંધી પણ મંદિરમાં માથુ ટેકવી રહ્યા છે. યોગીએ કહ્યું કે અમારા જીવનમાંથી રામને કોઇ અલગ નહીં કરી શકે.
