@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
૧૯૮૪ની ૩૧મી ઓકટોબરે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીની તેમના અંગરક્ષકના હાથે હત્યા થઈ. આ હત્યા એક આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી કાવતરાનો ભાગ હતી અને આતંકવાદ સામે ઝઝૂમનાર આ લોખંડી મહિલા નેતા આતંકવાદ સામેના જંગમાં શહીદ થયા. હવે સ્વ. ઈંદિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીનું ૧૯૮૦માં વિમાની અકસ્માતમાં મૃત્યુ થતાં વિમાનના પાયલોટ એવા રાજીવ ગાંધી (ઈંદિરા ગાંધીના મોટા પુત્ર) રાજકારણમાં આવ્યા. આ ઘટના જેવી તેવી તો નહોતી જ. અને ઈંદિરાજીની હત્યા બાદ તેમણે વડાપ્રધાનપદ પણ સંભાળી લીધું. ઘણા લોકોએ ટીકા કરી હતી. નવા નિશાળિયા, વારસાગત રાજકારણ, વંશવાદ સહિત અનેક આક્ષેપો થયા હતા. હવે આ સમયગાળામાં ભાવનગરમાં આદરણિય હિંદુ નેતા, સંત અને જનસંઘના પૂર્વ અગ્રણી એવા શંભુ મહારાજની કથા હતી. કથા બાદ શંભુ મહારાજે પત્રકારો સાથેની ગોષ્ઠી દરમિયાન એક મહત્ત્વની વાત કરી. તેમણે કહ્યું કે ઘણા રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા તેની ટીકા કરે છે. પરંતુ આ ટીકા યોગ્ય નથી. ખાસ કરીને તે વખતના વિપક્ષોનો ઉલ્લેખ કરીને કહ્યું કે રાજીવ ગાંધી વડાપ્રધાન તરીકે સફળ જાય તો વિપક્ષને ફાયદો છે. રાજીવ ગાંધીને ભલે બોફોર્સ કાંડ બાબતમાં ચૂંટણી હારતા સત્તા છોડવી પડી પણ તેમણે દેશને કોમ્પ્યુટર, એસ.ટી.ડી., ટીવી. ને મજબૂત બનાવવા સહિતના પગલાં ભરી સંદેશા વ્યવહાર ક્ષેત્રે આધુનિક યુગના મંડાણ કરાવ્યા તેનો ફાયદો આજે દેશ મેળવી રહ્યો છે. ડીજીટલ યુગમાં પાયાના પથ્થર ભારત માટે તો આ સૌથી યુવા વડાપ્રધાનને જ ગણી શકાય તેમ છે.
પરંતુ આજના સંદર્ભમાં આ વાત એટલા માટે યાદ આવી કે ગુજરાતના રાજકારણમાં નવી ચહલ પહલ ચાલે છે. આમ તો ગુજરાતના રાજકારણમાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીથી આમ આદમી પાર્ટીએ પ્રવેશ કર્યો પણ તેનો દેખાવ ફ્લોપ શો સાબિત થયો. ૨૦૧૭ની લોકસભાની ચૂંટણીમાં પણ તેને કોઈ લાભ મળ્યો નહિ. જાે કે આ પહેલા દિલ્હીમાં મજબૂત શાસક પક્ષ અને પંજાબમાં મુખ્ય વિપક્ષ બની ચૂક્યો હતો. ૨૦૨૧માં યોજાયેલી સ્થાનિક ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં ‘આપ’ પૂરી તાકાતથી ચૂંટણી લડ્યો.
સુરતમાં આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનમાં ૨૭ બેઠકો મળી વિપક્ષનું સ્થાન મેળવ્યું. અન્ય મહાનગરો પૈકી રાજકોટ અને અમદાવાદમાં તેને ૧૦ ટકા આસપાસ મત મળ્યા. નગરપાલિકાઓમાં ૩૦ થી વધુ અને તાલુકા પંચાયતોમાં ૩૨ બેઠક મળી. એટલું જ નહિ પણ ભાવનગર અને અમરેલી જિલ્લામાં તો જિલ્લા પંચાયતની બેઠક મળી. ત્યારબાદ આ પક્ષનું આકર્ષણ વધ્યું. આ પક્ષમાં બુદ્ધિજીવીઓ અને ઉદ્યોગપતિઓ પણ જાેડાયા. દિલ્હીમાં કેજરીવાલે અનેક મર્યાદાઓ અને અવરોધો અને ભાજપ કોંગ્રેસની સીધી આક્ષેપબાજી વચ્ચે કરેલી સફળ કામગીરીનું પરિણામ હતું. હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાનું માળખું મજબૂત બનાવે છે. ગુજરાતમાં ત્રીજુ બળ ચાલ્યુ નથી તે વાત સાચી છે પરંતુ અત્યાર સુધીના જે ત્રીજા બળ આવ્યા છે તે ભાજપ અને કોંગ્રેસમાંથી અલગ પડેલા અસંતુષ્ઠોના હતા. તેથી પહેલી નિષ્ફળતા સાથે આ ત્રીજા બળના પક્ષો કીમલોપ, રાજપા, મજપા, જીપીપી વગેરે એક યા બીજા પક્ષમાં વિલીન થઈ ગયા.
ત્રીજા બળ તરીકે ૧૯૬૨માં પ્રજા સમાજવાદી પક્ષ હતો. ૧૯૭૪માં જનસંઘ પણ ત્રીજુ બળ હતો. ૧૯૮૦માં જનસંઘના સભ્યોએ જનતા પક્ષની અલગ પડી બનાવેલ ભાજપ ૧૯૮૦ અને ૧૯૮૫માં ત્રીજા પરિબળ તરીકે જ અસ્તિત્વમાં હતો અને ૧૯૯૦માં દેખાવ સુધારી પહેલા જનતાદળની સરકારનો ભાગીદાર પક્ષ અને પછી મુખ્ય વિપક્ષ બન્યો અને ૧૯૯૫માં ગુજરાતમાં સત્તા મેળવી જે આજની તારીખમાં પણ તેની પાસે યથાવત છે.
ગુજરાતમાં ૧૯૮૫ની ચૂંટણીમાં ૧૪૯ બેઠકો મેળવનાર કોંગ્રેસ ૧૯૯૦ની ચૂંટણીમાં માત્ર ૨૯ બેઠકો મેળવી તળિયે પહોંચી ગઈ ત્યારથી કોંગ્રેસ ૫૦ આસપાસ બેઠકો પરઆંટા મારે છે. ગુજરાતના રાજકારણ અંગે રાજકોટના એક જમાનના વરિષ્ઠને આખાબોલા છતાં માનવતાવાદી પત્રકાર સ્વ. હસમુખભાઈ રાવળે એક પત્રકાર પરિષદમાં જ કહેલું કે રાજકોટ – ગુજરાતમાં કોંગ્રેસ નથી અથવા તો નબળી છે માટે ભાજપ જીતે છે. આ વાત તે વખતે પણ સાચી હતી અને આજે પણ સાચી છે.
૨૦૦૭થી કોંગ્રેસ જુથબંધી સહિતના વિવિધ કારણોસર નબળી પડી ત્યારથી પ્રજા પાસે વિકલ્પ નથી, માટે ભાજપ જીતે છે. એક પીઢ રાજકીય વિશ્લેષકે સાચું જ કહ્યું છે કે ૨૦૦૭ પછીની ચૂંટણીઓના પરિણામોને ભાજપ જીતે છે તેમ કહેવા કરતાં કોંગ્રેસ હારે છે માટે ભાજપ જીતે છે.
હવે અત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના રાજકારણમાં પ્રવેશ સાથે પ્રજાને મજબૂત વિકલ્પ મળ્યો છે. જે લોકો ભાજપ અને કોંગ્રેસએ બન્નેને મત આપવા માગતા નથી તેવા મતદારોને મત આપવા લાયક પક્ષ મળ્યો છે. કેન્દ્ર સરકારના અવરોધ છતાં દિલ્હીની કેજરીવાલ સરકાર પોતાની રીતે કામ તો કરે જ છે. આપના આગમનથી કોંગ્રેસના કે ભાજપના મતમાં ગાબડું પડે કે આ બન્ને પક્ષને ફાયદો કે નુકસાન થાય તેના કરતાં જનતાને શું ફાયદો થાય છે તે વાત જાેઈએ તો પ્રથમ વાત એ કે હવે ભાજપને લોકોની વાત સાંભળી કામો કરવા પડશે. કોગ્રેસ પણ જાે ગુજરાતના રાજકારણમાં ભાજપ અને આપના મજબૂત રાજકારણ સામે ટકવું હશે તો મજબૂત વિપક્ષ તરીકે ફરજ બજાવવી પડશે. આમ આદમી પાર્ટીએ પણ દિલ્હીમાં જે કામગીરી કરી છે તે લોકો સુધી પહોંચાડવી પડશે.
આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કહી તેની અવગણના કરવાની નીતિ કોંગ્રેસને ભારે પડી શકે છે. તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક શહેર પૂરતો પક્ષ છે, ભાજપને કોઈ ફેર પડવાનો નથી આવા ભાજપના અહંકારભર્યા વિધાનો ભવિષ્યમાં તેને ભારે પડી શકે છે. બીજું ભાજપે એ વાત સમજવી પડશે કે વિપક્ષમુક્ત ગુજરાત વિધાનસભાની વાત એ લોકશાહીનો વિરોધ કરનારાઓ જ અથવા તો લોકશાહી વિરોધી તત્વો કરી શકે. કારણ કે મજબૂત વિપક્ષ એ લોકશાહીનો પાયો છે. તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. કોંગ્રેસ નબળી પડી રહી છે ત્યારે આપનું આગમન ભાજપ માટે ફાયદારૂપ હોય કે ન હોય પણ પ્રજા માટે તો ફાયદારૂપ છે જ. કોંગ્રેસને ગુજરાતમાં જે રીતે નબળી પાડી તેવા પ્રયાસો ‘આપ’ માટે પણ થઈ શકે છે. ‘આપ’માં જુથબંધી ઉભી કરવા પણ ખેલ ખેલાઈ શકે છે. આની સામે આમ આદમી પાર્ટીએ જાગતા રહેવું પડશે. તો જ દિલ્હીથી ગુજરાતનો તેનો ધક્કો સફળ થશે.