વિપક્ષે લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે. બજેટ (Budget )સત્રના 10મા દિવસે મંગળવારે પ્રશ્નકાળ દરમિયાન લોકસભામાં કાર્યવાહી થઈ શકી નહોતી. સવારે 11 વાગ્યે ગૃહ શરૂ થતાં જ વિપક્ષે ભારે હંગામો શરૂ કર્યો હતો, જેના કારણે ચેર પર હાજર પી.સી. મોહને માત્ર એક મિનિટમાં ગૃહ 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું.
બપોરે 12 વાગ્યે ગૃહ ફરી શરૂ થયું, પરંતુ હંગામો ચાલુ રહ્યો. વિપક્ષી સાંસદો ‘વી વોન્ટ જસ્ટિસ’ના સૂત્રોચ્ચાર કરતા રહ્યા, જેના કારણે ગૃહને ફરીથી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવું પડ્યું.
હંગામા વચ્ચે સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષી સાંસદોને હાથ જોડીને અપીલ કરી કે બજેટ પર ચર્ચા થવા દો, કારણ કે રોજિંદા હંગામાથી સંસદનું કામ ઠપ થઈ રહ્યું છે અને સૌનું નુકસાન થઈ રહ્યું છે.

બજેટ (Budget ) પર ચર્ચા
બપોરે 2 વાગ્યે કાર્યવાહી શરૂ થઈ ત્યારે સ્પીકરની ચેર પર ઓમ બિરલાની જગ્યાએ કેપી તેનેટ્ટી બેઠા હતા. તેમણે વિપક્ષ તરફથી શશિ થરૂરને સામાન્ય બજેટ (Budget ) પર ચર્ચા શરૂ કરવા આમંત્રણ આપ્યું હતું.
લોક સભામાં પુસ્તક વિવાદ
આ પહેલા લોકસભાની બહાર પુસ્તક વિવાદ અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણે ખોટું બોલી રહ્યા છે અથવા તો પેંગ્વિન પબ્લિશર્સ. રાહુલે ઉમેર્યું હતું કે તેમને વિશ્વાસ છે કે નરવણે ખોટું બોલશે નહીં.
આ નિવેદન પછી પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી હતી કે નરવણેનું પુસ્તક હજુ સુધી પ્રકાશિત થયું નથી અને તેના તમામ અધિકારો તેમની પાસે છે. કંપનીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી પુસ્તકની કોઈ છાપેલી કે ડિજિટલ નકલ જાહેર કરવામાં આવી નથી અને તેમની તરફથી પુસ્તકનો કોઈ ભાગ જાહેર કરાયો નથી.
દિલ્હી પોલીસે FIR નોંધી છે.
આ સ્પષ્ટતા અનઅધિકૃત નકલો લીક થવાની અને ઓનલાઈન સર્ક્યુલેશનના દાવાઓ બાદ આપવામાં આવી હતી. આ મામલે દિલ્હી પોલીસે FIR પણ નોંધ કરી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી પૂર્વ આર્મી ચીફનું પુસ્તક લઈને લોકસભા પહોંચ્યા હતા અને વિપક્ષ ગૃહમાં બોલવાની મંજૂરી આપવા મુદ્દે અડગ રહ્યો હતો, જેના કારણે કાર્યવાહી શરૂ થતાં જ સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.
આ પણ વાંચો:સંસદમાં સંગ્રામ! લોકસભા સ્પીકર ઓમ બિરલાને હટાવવા વિપક્ષની નોટિસ, સંસદમાં ખળભળાટ
આ પણ વાંચો:PM મોદી સાથે અણધારી ઘટના થવાની આશંકા, લોકસભા સ્પીકર ઓમ બિરલાનો ખુલાસો
