New Delhi News/ સંસદમાં સંગ્રામ! લોકસભા સ્પીકર ઓમ બિરલાને હટાવવા વિપક્ષની નોટિસ, સંસદમાં ખળભળાટ

લોકસભાના સ્પીકર ઓમ બિરલા (Om Birla) વિરુદ્ધ વિપક્ષે પદ પરથી હટાવવા માટેની નોટિસ આપી છે. રાહુલ ગાંધીને બોલતા રોકવા અને પક્ષપાતના આક્ષેપો સાથે બંધારણની કલમ 94(c) હેઠળ કાર્યવાહીની માંગ.

India NATIONAL Top Stories
Om Birla Removal Notice

Om Birla Removal Notice : ભારતીય લોકશાહીના ઇતિહાસમાં ફરી એકવાર સ્પીકરના પદને લઈને મોટો વિવાદ છેડાયો છે. ઇન્ડિયા (I.N.D.I.A.) ગઠબંધનના વિપક્ષી સભ્યોએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ બંધારણની કલમ 94(c) હેઠળ તેમને પદ પરથી હટાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવાની નોટિસ આપી છે. વિપક્ષનો આરોપ છે કે સ્પીકર લોકસભાનું સંચાલન અત્યંત પક્ષપાતી રીતે કરી રહ્યા છે.

Om Birla Removal Notice Om Birla Removal Notice

વિપક્ષે નોટિસમાં શું ગણાવ્યા કારણો?

વિપક્ષી નેતાઓએ સ્પીકર ઓમ બિરલા પર લોકશાહીના અધિકારોના હનનનો આરોપ લગાવતા નીચે મુજબની ઘટનાઓ ટાંકી છે:

રાહુલ ગાંધીનું ભાષણ અટકાવવું: ગત 2 ફેબ્રુઆરી 2025ના રોજ લોકસભા (Lok Sabha) માં વિપક્ષી નેતા રાહુલ ગાંધી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન બોલી રહ્યા હતા, ત્યારે તેમને તેમનું ભાષણ પૂરું કરવા દેવામાં આવ્યું નહોતું. વિપક્ષના મતે આ કોઈ એકલ-દોકલ ઘટના નથી, પણ વિપક્ષી નેતાઓને અવારનવાર બોલતા અટકાવવામાં આવે છે.

સાંસદોનું મનસ્વી સસ્પેન્શન: 3 ફેબ્રુઆરી 2025ના રોજ વિપક્ષના 8 સાંસદોને સમગ્ર બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. વિપક્ષનો દાવો છે કે આ સાંસદો માત્ર તેમના લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરી રહ્યા હતા અને તેમને ખોટી રીતે દંડવામાં આવ્યા છે.

ભાજપ સાંસદના ‘અભદ્ર’ હુમલા: 4 ફેબ્રુઆરીએ ભાજપના એક સાંસદે દેશના બે ભૂતપૂર્વ વડાપ્રધાનો વિશે અત્યંત વાંધાજનક અને વ્યક્તિગત ટિપ્પણીઓ કરી હતી. આટલું હોવા છતાં સ્પીકરે તેમને એક પણ વાર ટોક્યા નહોતા કે કોઈ કાર્યવાહી કરી નહોતી.

વડાપ્રધાનની ગેરહાજરી અને સ્પીકરનું નિવેદન: 5 ફેબ્રુઆરીના રોજ સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં આપેલા નિવેદનથી વિવાદ વકર્યો છે. સ્પીકરે દાવો કર્યો હતો કે કોંગ્રેસના સભ્યો વડાપ્રધાનની બેઠક પાસે જઈને અપ્રિય ઘટના કરી શકે તેવી માહિતી મળતા, તેમણે જ વડાપ્રધાન મોદીને ગૃહમાં ન આવવા વિનંતી કરી હતી. કોંગ્રેસે આ નિવેદનને ખોટું અને અપમાનજનક ગણાવ્યું છે.

લોકસભાના સ્પીકર Om Birlaને પદ પરથી હટાવી શકાય?

ભારતીય બંધારણની કલમ 94(c) મુજબ, લોકસભાના સ્પીકર અથવા ડેપ્યુટી સ્પીકરને લોકસભાના તત્કાલીન તમામ સભ્યોની બહુમતીથી પસાર કરેલા ઠરાવ દ્વારા તેમના પદ પરથી હટાવી શકાય છે. જોકે, આ માટે 14 દિવસની પૂર્વ સૂચના (નોટિસ) આપવી ફરજિયાત છે.

રાજકીય ગરમાવો

વિપક્ષનો આરોપ છે કે સ્પીકર જેઓ ગૃહના નિયમો અને મર્યાદાના રક્ષક હોવા જોઈએ, તેમણે પોતે જ પદનો દુરુપયોગ કરીને વિપક્ષ પર ખોટા આક્ષેપો કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ નોટિસ બાદ આગામી 14 દિવસમાં સંસદની કાર્યવાહી શું વળાંક લે છે.


આ પણ વાંચો:PM Modi આજે અર્થશાસ્ત્રીઓ સાથે મુલાકાત કરશે. કયા મુદ્દાઓ પર ચર્ચા થશે?

આ પણ વાંચો:PM Modi : ‘અન્નદાતામાંથી ઉર્જાદાતા બનાવવા પ્રયાસ’, આજે ગુજરાતની મુલાકાત પર ખેડૂતોને આપ્યો સંદેશ, ‘અમૂલ’ ડેરી મોડલની કરી પ્રશંસા

આ પણ વાંચો:અબુધાબીના સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે PM MODIને આમંત્રણ અપાયું