નિર્દેશક સંજયલીલા ભંસાલી દ્વારા નિર્મિત બહુચર્ચિત ફિલ્મ “પદ્માવત”ના રિલીઝને લઇ દેશભરમાં વિરોધનું વંટોળ જામ્યું છે. ઠેર-ઠેર જગ્યાએ કરની સેના દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ વિરોધ પ્રદર્શનો કરી તોડફોડ કરવામાં આવી છે. આ ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતા અમદાવાદ સહિત રાજ્યભરના સિનેમાઘરોમાં આ ફિલ્મને આગામી ૨૫ જાન્યુઆરીના રોજ રિલીઝ ન કરવાનો નિર્ણય કરવામાં છે. જયારે અમદાવાદ શહેરના ૧૦ થિયેટર દ્વારા ફિલ્મ બતાવવામાં માટે હાથ અધ્ધર કર્યા છે. આ તમામ મલ્ટીપ્લેક્સ દ્વારા પૂરતા પોલીસ બંધોબસ્ત સાથે આ બહુચર્ચિત ફિલ્મ બતાવવાની તૈયારી દર્શાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના આલ્ફા વન સિનેપોલીસ સિનેમા, હિમાલયા મોલ, એક્રોપોલીસ સિનેમા, ડ્રાઈ-ઇન સિનેમા, કે સેરા-સેરા, મુક્તા સિનેમા, સિનેમેક્ષ PVR, રાજહંસ સિનેમા, PVR રેડ કાર્પેટ, સીટી ગોલ્ડ બોપલના સિનેમાઘરમાં “પદ્માવત” ફિલ્મ બતાવવા માટે તૈયારી દર્શાવી છે. જયારે વાઈડ એન્ગલ સિનેમાં અને આશ્રમ રોડ પર આવેલા સીટી ગોલ્ડ સિનેમાગૃહ દ્વારા ફિલ્મ રિલીઝ કરવા માટે નામંજૂરી દર્શાવી છે.
ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિએશનના પ્રમુખ રાકેશ પટેલે મંતવ્ય ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, “ઉગ્ર વિરોધ પ્રદર્શનના કારણે પહેલા જે બનાવો બની ગયા છે જયારે તોડફોડ, આગચંપી અને ઈમારતોના નુકશાન તેમજ કોઈ વ્યક્તિનું મોત થયા છે ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી માલિકની હોય છે તેથી આ જવાબદારી જોતા આ ફિલ્મ રિલીઝ કરી રહ્યા નથી”.
શહેર પોલીસ કમિશનર ઓફિસના આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પદ્માવતની ફિલ્મના ઉગ્ર વિરોધ પ્રદર્શનને લઇ જરૂરી સિનેમાગૃહો પર પુખ્તા બંદોબસ્ત પૂરો પાડવા માટે પોલીસ દ્વારા તૈયારી દર્શાવી છે. સ્થાનિક પ્રસાશન દ્વારા ૧૦ સિનેમાગૃહ માટે ૧૦ એસઆરપીની ટુકડીઓ અને ૧૦ PSIને પણ તૈનાત કરવામાં આવશે એવી બાહેદરી આપી છે.
મહત્વનું છે કે, રાજ્યમાં પદ્માવતી ફિલ્મનો વિરોધ કરી રહેલ કરણીસેના અને મહાકાલ સેનાના કાર્યકરો દ્વાર ઉગ્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના અનેક હાઇ-વે પર કરની સેના દ્વારા ટાયરો સળગાવી ચક્કાજામ કરાયા હતા. આ કારણે બસો સ્થગિત કરાઇ હતી અને લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. મહેસાણાના કડી વિજાપુર, બહુચારજી, ઊંઝા, વિસનગર, ખેરાલુ, સતલાસણા સહિત પાલનપુર અને પાટણ જિલ્લામાં પણ એસટીના પૈડા થંભાવી દેવામાં આવ્યા છે.
અમદાવાદના આ ૧૦ મલ્ટીપ્લેક્સમાં રીલીઝ થશે “પદ્માવત”
આલ્ફા વન સીનેપોલીસ સિનેમા – વસ્ત્રાપુર
હિમાલયા મોલ – વસ્ત્રાપુર
એક્રોપોલીસ સિનેમા
ડ્રાઈ-ઇન સિનેમા
કે સેરા-સેરા
મુક્તા સિનેમા – ગુલમહોર પાર્ક
સિનેમેક્ષ – PVR
રાજહંસ સિનેમા
PVR રેડ કાર્પેટ
સીટી ગોલ્ડ – બોપલ
