15 ફેબ્રુઆરીએ રમાનારી ભારત-પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની T20 વર્લ્ડ કપ મેચને લઈને મોટો અપડેટ સામે આવ્યો છે. પાકિસ્તાનની જાણીતી ન્યૂઝ ચેનલ ડોનએ સરકારી પાકિસ્તાન ટીવીના હવાલાથી દાવો કર્યો છે કે પાકિસ્તાન સરકારે ભારત સામે મેચ રમવા માટે સહમતિ આપી છે. મીડિયા અહેવાલો અનુસાર, બાંગ્લાદેશ અને શ્રીલંકાના દબાણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ડોન ન્યૂઝ મુજબ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા દિસાનાયકેનો ફોન આવ્યો હતો, જેમાં તેમણે ભારત સામે મેચ રમવા અપીલ કરી હતી. ઉપરાંત, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામે પણ પાકિસ્તાનને ટુર્નામેન્ટના હિતમાં મેચ રમવા વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ પાકિસ્તાને બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર રાખવાના વિરોધમાં ભારત સામે મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેર કર્યો હતો.
પાકિસ્તાની મીડિયા: શરતો સ્વીકારાઈ હોવાનો દાવો
પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે ICCએ PCB દ્વારા મૂકાયેલી શરતો સ્વીકારી લીધી છે. જોકે, ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ICCએ પાકિસ્તાનની ત્રણેય માગણીઓને નકારી દીધી છે. ICC તરફથી હજી સુધી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ એક રિલીઝમાં જણાવાયું છે કે બાંગ્લાદેશને કોઈ દંડ નહીં થાય અને ભવિષ્યમાં ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે.
PCBની ત્રણ મુખ્ય માગણીઓ
ICC સાથેની બેઠકમાં PCBએ ત્રણ શરતો રજૂ કરી હતી:
- ICCની કુલ આવકમાં પાકિસ્તાનનો હિસ્સો વધારવો
- ભારત-પાકિસ્તાન (India vs Pakistan)વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ ફરી શરૂ કરવી
- મેદાન પર હેન્ડશેક પ્રોટોકોલ કડક રીતે અમલમાં લાવવો
એશિયા કપ દરમિયાન પહેલગામ હુમલા બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવ્યા નહોતા, જેને લઈને મુદ્દો ઊભો થયો હતો. હાલમાં ICC રેવન્યુ મોડેલમાં પાકિસ્તાનનો હિસ્સો આશરે 5.75 ટકા છે, જે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પછી ચોથા ક્રમે છે.
ભારત-પાક (India vs Pakistan) મેચ ન થવાથી રેવન્યુ નુકસાનની ચિંતા
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે 7 ફેબ્રુઆરીએ PCBને મેચના બહિષ્કાર પર ફરી વિચાર કરવા અપીલ કરી હતી. બોર્ડે ઈમેલમાં જણાવ્યું હતું કે ભારત-પાક મેચ ન થવાથી ટુર્નામેન્ટ અને હોસ્ટ બોર્ડને મોટું આર્થિક નુકસાન થશે.
પાકિસ્તાનનું પહેલાનું વલણ
પાકિસ્તાન સરકારે 1 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે ટીમ T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેશે, પરંતુ ભારત સામે મેચ નહીં રમે. આ નિર્ણય ICC દ્વારા બાંગ્લાદેશને બહાર રાખવાના પગલાં બાદ લેવામાં આવ્યો હતો. પાકિસ્તાન સરકારએ X પર પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારત સામેની મેચમાં ટીમ મેદાન પર ઉતરશે નહીં.
ICCની અપીલ
ICCએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તે PCBના અધિકૃત નિર્ણયની રાહ જોઈ રહ્યું છે અને આશા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરશે, કારણ કે આ નિર્ણય વૈશ્વિક ક્રિકેટ ઇકોસિસ્ટમને અસર કરી શકે છે.
ભારતીય ટીમનો કાર્યક્રમ યથાવત
BCCIના સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય ટીમ નિર્ધારિત કાર્યક્રમ મુજબ શ્રીલંકા જશે અને તમામ ICC પ્રોટોકોલનું પાલન કરશે. જોકે, મેચ રમાશે કે નહીં તેનો અંતિમ નિર્ણય મેદાન પર હાજર મેચ રેફરી દ્વારા લેવામાં આવશે.
આ પણ વાંચો:15 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન મેચ, PCBના બહિષ્કાર પર રાજીવ શુક્લાની પ્રતિક્રિયા
આ પણ વાંચો:ભારત પાકિસ્તાન મેચ પર વરસાદનું વિઘ્ન? ન્યૂયોર્કમાં મોટી મેચના દિવસે હવામાન કેવું રહેશે?
