ઈસ્લામાબાદ,
આતંકવાદ મુદ્દે અમેરિકાના કડક વલણ બાદ આખરે પાકિસ્તાનના તેવર હવે નરમ પડી રહ્યા છે. પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા આસિફે જણાવ્યુ હતું કે, જો અમેરિકા હક્કાની નેટવર્ક સંદર્ભે પુરાવા આપે તો અમે અમેરિકા સાથે મળીને આતંકવાદ સામે લડવા માટે તૈયાર છીએ. ખ્વાજા આસિફે આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગત ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાન પર આતંકવાદ મુદ્દે બેવડુ વલણ અપનાવવાના આક્ષેપ કર્યા બાદ આવ્યુ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ગણાવ્યુ હતું અને આતંકવાદ સામે લડવા માટે પાકિસ્તાનને અપાતી સહાય પણ બંધ કરવાની ચીમકી આપી હતી. ત્યારે હવે ચારેય બાજુથી વધી રહેલ ભીંસના કારણે આખરે પાકિસ્તાનના તેવર નરમ પડતા જોવા મળી રહ્યા છે.પાકિસ્તાનના વિદેશમંત્રીએ જણાવ્યુ છે કે અમેરિકન અધિકારીઓ સાથેની વાતચીતમાં અમે સ્પષ્ટ કર્યુ છે કે જા અમેરિકા તરફથી પાકિસ્તાનમાં હુક્કાની નેટવર્કને આશ્રય મળી રહ્યો હોય તેવા કોઈપણ પુરાવા આપવા જણાવ્યુ છે. જા અમેરિકા આવા કોઈ પુરાવા આપશે તો અમે તેમની સાથે મળીને હુક્કાની નેટવર્ક અને અન્ય આતંકીઓ સામે અભિયાનમાં જોડાઈશુ.
વિદેશમંત્રીએ જણાવ્યુ હતું કે પાકિસ્તાન સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ આ મહિનાની શરુઆતમાં અફઘાનિસ્તાનનો પ્રવાસ કરી સ્થાનિક રાષ્ટ્રપતિ અશર્રફ ગની સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન પણ તેમણે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિને આજ ઓફર આપી હતી. અમેરિકા દ્વારા કરાઈ રહેલ પાકિસ્તાનની ટિકા સંદર્ભે આસીફે જણાવ્યુ હતું કે, ટ્રમ્પ સરકાર અમારા પર વધુ દબાણ કરવાનો પ્રયત્ન કરશે તો અમારા મિત્ર દેશો જેવા કે ચીન, રશિયા, ઈરાન અને તુર્કી અમારા પક્ષમાં ઉભા રહેશે. જેથી આ મામલે વધુ વિવાદ ન ગરમાય તે રીતે તમામ દેશો સમજુતિથી કામ લે તે જરુરી છે.
