Sports News : કોમનવેલ્થ ગેમ્સ 2026 પૂર્ણ થયા બાદ ગ્લાસગોથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની બોક્સિંગ ટીમ જ્યારે સ્વદેશ પરત ફરવાની તૈયારી કરી રહી હતી, ત્યારે જ ટીમના બોક્સર (boxer )કુદરતુલ્લાહ (Qudratullah)રહસ્યમય રીતે હોટલમાંથી ગાયબ થઈ ગયા છે. નવાઈની વાત એ છે કે તેમનો પાસપોર્ટ અને ફ્લાઈટની રિટર્ન ટિકિટ ટીમના મેનેજર પાસે જ જમા હતી, છતાં તેઓ અચાનક લાપતા થઈ જતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે.
અડધી રાત્રે હોટલમાંથી ગુમ થયા કુદરતુલ્લાહ
પુરુષોની 60 કિલોગ્રામ બોક્સિંગ સ્પર્ધા (Boxing competition)ના રાઉન્ડ ઓફ 16 માં ઉત્તરી આયર્લેન્ડના જુડ ગેલાઘર સામે પરાજય પામ્યા બાદ પણ કુદરતુલ્લાહ ટીમ સાથે જ રોકાયા હતા. કુદરતુલ્લાહને છેલ્લે રાત્રે 2 વાગ્યે પોતાના હોટલ રૂમમાં જોવામાં આવ્યા હતા.પાકિસ્તાની દળે સવારે 9 વાગ્યે ફ્લાઈટ માટે હોટલ લોબીમાં ભેગા થવાનું હતું. પરંતુ જ્યારે ટીમ મેનેજમેન્ટે રૂમમાં તપાસ કરી ત્યારે તેઓ ત્યાં હાજર નહોતા.ટીમના પ્રવક્તાએ જણાવ્યું કે પાસપોર્ટ અને એર ટિકિટ અધિકારીઓ પાસે હોવા છતાં આ રીતે ગાયબ થવું અત્યંત ગંભીર બાબત છે.
પાકિસ્તાની ખેલાડીઓ વિદેશમાં ગુમ થવાની આ પહેલી ઘટના નથી
વિદેશી ધરતી પર રમત રમવા ગયા બાદ પાકિસ્તાની ખેલાડી (Pakistani player)ઓ ગાયબ થઈ જવાની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે.આ પહેલાં 2022માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન પણ બોક્સર સુલેમાન બલોચ અને નઝીરુલ્લાહ ખાન પોતાના પાસપોર્ટ વગર જ ટીમમાંથી ગાયબ થઈ ગયા હતા..વર્ષ 2024 ના ઇટાલી ઓલિમ્પિક ક્વોલિફાયર્સ વખતે પણ એશિયન ગેમ્સ મેડલિસ્ટ ઝોહૈબ રશીદ પોતાના સાથી ખેલાડીઓના વિદેશી નાણાં અને સામાન ચોરીને ઇટાલીના શહેરમાંથી ગાયબ થઈ ગયા હતા.
1998 પછી પાકિસ્તાનનું સૌથી નબળું પ્રદર્શન
આ વખતની ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ પાકિસ્તાન માટે રમત અને શિસ્ત બંને રીતે નિરાશાજનક રહી છે.સમગ્ર સ્પર્ધામાં પાકિસ્તાન માત્ર એક બ્રોન્ઝ મેડલ મેળવી શક્યું હતું, જે મહિલા બોક્સર ફાતિમા ઝહરાએ જીત્યો હતો.1998 પછી કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પાકિસ્તાનનું આ સૌથી નબળું પ્રદર્શન સાબિત થયું છે. બીજી તરફ, ભારતીય ખેલાડીઓએ અદ્ભુત પ્રદર્શન કરીને કુલ 39 મેડલ સાથે મેડલ ટેલીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
આ પણ વાંચો :મોહમ્મદ આમીર બન્યા બ્રિટિશ નાગરિક; હવે પાકિસ્તાનમાં જ વિદેશી ખેલાડી તરીકે રમવું પડશે?
આ પણ વાંચો :પાકિસ્તાનને ધૂળ ચટાડી ઇન્ડિયન રોયલ્સ પોઈન્ટ્સ ટેબલમાં બન્યું નંબર-1
આ પણ વાંચો :17 વર્ષની તન્વી શર્માએ રચ્યો ઇતિહાસ, તાઇપેઈ ઓપનનો ખિતાબ જીતનારી સૌથી યુવા શટલર બની
