નવી દિલ્લી,
એક તરફ ભારતમાં રાફેલ મુદ્દો ચૂંટણી સમયે ભાજપ માટે માથાનો દુખાવો બન્યો છે બીજેપી તથા કોંગ્રેસ આ મુદ્દે આરોપ –પ્રત્યારોપ લગાવી રહ્યા છે. તો બીજી તરફ ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે જે ભારત માટે ખતરારૂપ છે.
મળી રહેલા અહેવાલ મુજબ પાકિસ્તાનમાં પાઇલટને રાફેલ પ્લેન ઉડાડવાની તાલીમ અપાઈ રહી છે. જોકે આ પ્લેન બનાવનારી ફ્રાંસની કંપની દસોલ્ટ એવિએશને આવી કોઈ પણ બાબતનો ઇન્કાર કર્યો છે. જોકે ખબરો પર ભરોસો કરવામાં આવે તો એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ પાકિસ્તાનના પાઇલટને કતાર એરફોર્સ તરફથી રાફેલ ફાઇટર પ્લેન ચલાવવાની તાલીમ ફ્રાંસમાં આપવામાં આવી છે.
એવિએશન સેક્ટરના અહેવાલ પર કેન્દ્રિત વેબસાઇટ માં આવેલા સમાચાર અનુસાર પાકિસ્તાની પાઇલટની પ્રથમ બેંચને નવેમ્બર 2017માં તાલીમ આપવામાં આવી હતી. જણાવી દઇએ કે કતરને પ્રથમ રાફેલ પ્લેન 6 ફેબ્રુઆરીએ સોંપવામાં આવ્યું હતુ.દસોલ્ટ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે કતરે મે 2015માં 24 રાફેલ ખરીદવાની સમજૂતી કરી હતી ત્યાર બાદ ડિસેમ્બર 2017માં તેણે 12 રાફેલ પ્લેન ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો તેમાં પ્રથમ 24 વિમાનોનો સોદો 6.3 બિલિયન યૂરોનો હતો.
ઘણા દાયકાથી પાકિસ્તાની સેનાના અધિકારીઓ મધ્યપૂર્વના દેશોની સેનાઓમાં સંચાલન માટે મોકલવામાં આવે છે. તે સિવાય પાકિસ્તાન સેના સાથે જોડાયેલા સામાનનો પુરવઠો પણ આ દેશોમાંથી પૂરો પાડવામાં આવે છે. જેમાં જોર્ડન એફ-16 એબી ફાઇટર પ્લેન પાકિસ્તાનને સોંપવામાં આવ્યું છે માનવામાં આવી રહ્યું છે કે હાલમાં જ ભારત ઉપર કરવામાં આવેલા નિષ્ફળ હુમલામાં પણ એફ-16નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન સંચાલિત ન્યૂઝ વેબસાઇટ એ જાન્યુઆરી 2018માં અહેવાલ આપ્યો હતો કે કતર એરફોર્સના કમાન્ડર ઇસ્લામાબાદ સ્થિત પાકિસ્તાની એરફોર્સના મુખ્યમથકની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન પાકિસ્તાન તરફથી બંને દેશોના સૈન્ય સમર્થન અને મિલિટ્રી ટ્રેનિંગ માટે પણ વાત કરી હતી.
ભારતમાં રાફેલ સોદા અંગે વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આરોપ છે કે પ્રધાનમંત્રી મોદીએ રાફેલ ફાઇટર પ્લેનનો સોદો નક્કી કિંમત કરતાં વધારે કિંમતે કર્યો છે અને રાફેલ યુદ્ધ વિમાન ભારતમાં બનાવવા માટે એચએએલને કોન્ટ્રાક્ટ ન આપતા અનિલ અંબાણીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. રાફેલ વિમાન આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતને મળશે. પરંતુ જો પાકિસ્તાની પાઇલટને આ વિમાન ચલાવવાની તાલીમ મળી હોય તો તે ભારતીય સુરક્ષા માટે જોખમરૂપ બની શકે છે.
