World News/ પનામામાં 7.7 ની તીવ્રતાનો મહાકાય ભૂકંપ: ડઝનથી વધુ આફ્ટરશોક્સથી મકાનોમાં તિરાડો

પનામા (Panama)માં 7.7 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ ભારે તબાહી મચી છે. ડઝનથી વધુ આફ્ટરશોક્સ, મકાનોમાં તિરાડો, ફ્લાઇટ્સ રદ અને વીજળી ગુલ થવાથી લોકો ભયના સાઈરમાં જીવી રહ્યા છે.

Top Stories World
Panama A massive earthquake of magnitude 7.7

પનામા(Panama)ના પિટાલોસા અરિબા નજીક 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો છે. હેરેરા પ્રાંતમાં ઘરોને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે ફ્લાઇટ્સ રદ થવા અને વીજળી ગુલ થવાથી લોકો રસ્તા પર રાત વિતાવવા મજબૂર બન્યા છે. મધ્ય અમેરિકન રાષ્ટ્ર પનામામાં શુક્રવારે વહેલી સવારે કુદરતનો પ્રચંડ પ્રકોપ જોવા મળ્યો છે.

યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) ના જણાવ્યા અનુસાર, દેશના દક્ષિણ ભાગમાં 7.6 થી 7.7 ની વિકરાળ તીવ્રતા ધરાવતો મહાકાય ભૂકંપ નોંધાયો હતો. આ વિનાશક આંચકાના કારણે રહેણાંક મકાનો ધરાશાયી થવાની અણી પર આવી ગયા છે, પાવર ગ્રીડ ખોરવાઈ જતાં વ્યાપક વીજ કાપ સર્જાયો છે અને વિમાન સેવાઓ (Flights) તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવી છે. મુખ્ય આંચકા બાદ સતત એક ડઝનથી વધુ આફ્ટરશોક્સ નોંધાતાં સમગ્ર દેશમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ છવાયો છે.

Panama રાજધાનીમાં ઇમારતો હચમચી ગઈ અને લોકો રસ્તા પર આવ્યા

USGS ના અહેવાલ મુજબ, આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણ પનામાના છેડા નજીક આવેલા પિટાલોસા અરિબાથી આશરે 10 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અને જમીનથી માત્ર 10 કિમીની ઊંડાઈએ સ્થિત હતું. કેન્દ્રબિંદુ દૂર હોવા છતાં રાજધાની પનામા સિટીમાં બહુમાળી ઇમારતો અને કોમર્શિયલ ટાવર્સ જોરદાર રીતે ઝૂલવા લાગ્યા હતા.

સંભવિત મોટી હોનારતથી બચવા માટે સુરક્ષા સાયરન વાગતાં જ હજારો લોકો પોતાની ઓફિસો અને ફ્લેટ્સ છોડીને ખુલ્લા રસ્તાઓ અને મેદાનો તરફ દોડી આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા પ્રાથમિક તબક્કે રાજધાનીમાં કોઈ મોટી જાનહાનિ ન નોંધાઈ હોવાનું સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે.

હેરેરા પ્રાંતમાં ભારે તબાહી “ઘર તૂટી પડવાનો ડર છે”

ભૂકંપના કેન્દ્રની અત્યંત નજીક આવેલા હેરેરા પ્રાંત અને લાસ મિનાસ વિસ્તારમાં પરિસ્થિતિ (Situation)અત્યંત ગંભીર અને ચિંતાજનક બની ગઈ છે. સ્થાનિક ટેલિવિઝન ફૂટેજમાં વૃદ્ધ નાગરિકો શેરીઓમાં અસહાય બનીને રડતા નજરે પડ્યા હતા. લાસ મિનાસના 74 વર્ષીય વૃદ્ધ રહેવાસી રિકાર્ડો બ્રાઉને આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, “અમે અત્યંત ડરી ગયા છીએ.

ઘરમાં માત્ર અમે બે વૃદ્ધો જ રહીએ છીએ. દીવાલોમાં મોટી અને ઊંડી તિરાડો પડી ગઈ છે અને અમને સતત ફફડાટ છે કે આ છત ગમે ત્યારે અમારા પર તૂટી પડશે.” આ ઉપરાંત, લાસ મિનાસ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં સેંકડો મકાનોની દીવાલો અને છતો ક્ષતિગ્રસ્ત થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

ફ્લાઇટ્સ બંધ, વીજળી ગુલ અને 12થી વધુ આફ્ટરશોક્સનો ત્રાસ

ધરતી ધ્રૂજ્યા બાદ દેશના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે ફટકો પડ્યો છે. સુરક્ષા અને સલામતીની ચકાસણી માટે રનવે અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમની તપાસ હાથ ધરીને વિમાન સેવાઓ (ફ્લાઇટ્સ) કામચલાઉ ધોરણે અટકાવી દેવામાં આવી હતી.

આ ઉપરાંત, વીજ લાઈનો તૂટી પડવાથી અને પાવર ટ્રાન્સફોર્મર ટ્રીપ થવાથી અનેક પ્રાંતોમાં અંધારપટ છવાઈ ગયો હતો. મુખ્ય આંચકા બાદ સતત આવેલા 12 થી વધુ આફ્ટરશોક્સને કારણે લોકો પોતાના ઘરોમાં પરત ફરવાને બદલે ખુલ્લા આકાશ નીચે રાત વિતાવવા મજબૂર બન્યા હતા.


આ પણ વાંચો:મંગળવારની રાત્રે ધ્રૂજી ઉઠી રાજધાની: દિલ્હી-NCRમાં 4.9ની તીવ્રતાનો ભૂકંપ, ઘરની બહાર દોડી આવ્યા લોકો

આ પણ વાંચો:અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડ્યા

આ પણ વાંચો:કચ્છમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો, ભચાઉ નજીક 3.3ની તીવ્રતા નોંધાઈ