Panchmahal News: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અલાલી ગામમાં રખડતા શ્વાનના હુમલાની (Panchmahal Stray Dog Attack) ઘટના સામે આવી છે. ઘરના આંગણામાં રમતી એક જ પરિવારની ત્રણ સગી બહેનો પર શ્વાને અચાનક હુમલો કરતાં ત્રણેય બાળકીઓ ઇજાગ્રસ્ત થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ઘરના આંગણામાં રમતી ત્રણ બહેનો પર અચાનક હુમલો
અલાલી ગામના ખુમાનસિંહ મગનસિંહ પરમારની ત્રણ પુત્રીઓ ધ્રુવંશી (13 વર્ષ), કાવ્યા (10 વર્ષ) અને ભક્તિ (8 વર્ષ) પોતાના ઘરના આંગણામાં રમી રહી હતી. આ દરમિયાન અચાનક એક શ્વાન ત્યાં ધસી આવ્યો હતો અને ત્રણેય બાળકીઓ પર હુમલો કર્યો હતો.
Panchmahal Stray Dog Attack: બાળકીઓને બચકાં ભરતાં પરિવાર દોડી આવ્યો
શ્વાને એક બાળકીને હાથના ભાગે જ્યારે અન્ય બે બાળકીઓને શરીરના અન્ય ભાગોમાં (Three Sisters Injured) બચકાં ભર્યા હતા. બાળકીઓની બૂમાબૂમ સાંભળીને પરિવારજનો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને તેમને શ્વાનથી બચાવી હતી.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ
હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી ત્રણેય બાળકીઓને તાત્કાલિક સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ (Godhra Civil Hospital) ખસેડવામાં આવી હતી. હાલમાં હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ અલાલી ગામમાં રખડતા શ્વાનના વધતા ત્રાસને લઈને ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોએ વહીવટી તંત્ર પાસે રખડતા શ્વાનના ત્રાસથી લોકોને, ખાસ કરીને બાળકોને, સુરક્ષિત રાખવા યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: દ્વારકામાં રખડતા શ્વાનના ક્રૂર હુમલાથી 5 વર્ષના નિર્દોષ બાળકનું મોત
આ પણ વાંચો: શ્વાનના વધતા હુમલા વચ્ચે આ યુનિવર્સિટીની કડક કાર્યવાહી, મહત્વનો નિર્ણય લીધો
આ પણ વાંચો: રાજકોટમાં રખડતા શ્વાનના હુમલામાં 5 વર્ષીય બાળકીનું કરુણ મોત
