Parimal Nathwani News: ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે યોજાઈ રહેલી ચૂંટણી રાજ્યના રાજકારણનું કેન્દ્રબિંદુ બની છે. આ ચૂંટણીમાં કુલ ત્રણ ઉમેદવારો મેદાનમાં હોવાથી રાજકીય સમીકરણો વધુ રસપ્રદ બન્યા છે. એક તરફ ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM)ના બૈજનાથ રામ અને કોંગ્રેસ (Congress)ના પ્રણવ ઝા છે, જ્યારે બીજી તરફ ભાજપ (BJP)ના સમર્થન સાથે અપક્ષ ઉમેદવાર તરીકે પરિમલ નથવાણી (Parimal Nathwani) ચૂંટણી લડી રહ્યા છે.
પરિમલ નથવાણી (Parimal Nathwani)ની ઉમેદવારી બાદ રાજ્યના રાજકારણમાં ક્રોસ વોટિંગની શક્યતાઓ અંગે ચર્ચાઓ તેજ બની છે. નથવાણીનો અત્યાર સુધીનો રાજકીય રેકોર્ડ તેમને વિશેષ બનાવે છે, કારણ કે તેઓ અત્યાર સુધી કોઈપણ ચૂંટણી હાર્યા નથી.
બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો
રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 28 પ્રથમ પસંદગીના મતો જરૂરી છે. ઝારખંડ વિધાનસભામાં મહાગઠબંધન પાસે કુલ 56 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં JMMના 34, કોંગ્રેસના 16, RJDના 4 અને ડાબેરી પક્ષોના 2 ધારાસભ્યો સામેલ છે.
બીજી તરફ NDA પાસે કુલ 24 ધારાસભ્યો છે. જેમાં ભાજપના 21, AJSUના 1, JDUના 1 અને LJPના 1 ધારાસભ્યનો સમાવેશ થાય છે. આ સંજોગોમાં પરિમલ નથવાણીને જીત માટે ઓછામાં ઓછા ચાર વધારાના મતોની જરૂર પડશે.
ક્રોસ વોટિંગ બનશે નિર્ણાયક?
ગણિત પ્રમાણે મહાગઠબંધન બંને બેઠકો જીતવા સક્ષમ છે. છતાં પણ ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી (Parimal Nathwani)ની હાજરી ચૂંટણીને રસપ્રદ બનાવી રહી છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે જો મહાગઠબંધનના કેટલાક ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તો પરિણામોમાં મોટો ફેરફાર આવી શકે છે. તેથી JMM અને કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
કોણ છે Parimal Nathwani?
પરિમલ નથવાણી (Parimal Nathwani) ઉદ્યોગ જગત અને રાજકારણ બંનેમાં જાણીતું નામ છે. તેઓ લાંબા સમયથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા રહ્યા છે અને ઝારખંડના રાજકારણમાં પણ તેમની સારી પકડ માનવામાં આવે છે.
2008: પ્રથમ જીત
પરિમલ નથવાણીએ 2008માં ઝારખંડમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે રાજ્યસભાની ચૂંટણી જીતી હતી. તે સમયે તેમને વિવિધ રાજકીય પક્ષોના ધારાસભ્યોનો ટેકો મળ્યો હતો.
2014: બિનહરીફ જીત
2014માં ભાજપ અને AJSUના સમર્થન સાથે તેઓ બીજી વખત રાજ્યસભામાં પહોંચ્યા હતા. આ ચૂંટણીમાં તેઓ બિનહરીફ ચૂંટાયા હતા.
2020: આંધ્રપ્રદેશથી રાજ્યસભા
2020માં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના સમર્થનથી તેઓ આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ તેમની સતત ત્રીજી જીત હતી.
શું ચોથી વખત જીતશે નથવાણી?
2026ની રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણી ફરી એકવાર અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે. જોકે આ વખતે પરિસ્થિતિ અગાઉ કરતાં વધુ પડકારજનક છે.
એક તરફ હેમંત સોરેનના નેતૃત્વ હેઠળનું મહાગઠબંધન બંને બેઠકો જીતવા માટે આત્મવિશ્વાસ ધરાવે છે, તો બીજી તરફ ભાજપ નથવાણીના માધ્યમથી રાજકીય સમીકરણોમાં ફેરફાર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
હવે સૌની નજર એ વાત પર છે કે શું પરિમલ નથવાણી પોતાનો અજેય ચૂંટણી રેકોર્ડ જાળવી રાખશે કે પછી ઝારખંડની બદલાતી રાજકીય પરિસ્થિતિ તેમના વિજયયાત્રાને અટકાવશે.
આ પણ વાંચો:વીરપુર જલારામ બાપા વિશે ટિપ્પણી મામલે સાંસદ પરિમલ નથવાણીએ X પર કરી પોસ્ટ
આ પણ વાંચો:પરિમલ નથવાણીના નવા પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’નું વિમોચન
આ પણ વાંચો:સિટી બસને લઇ પરિમલ નથવાણીએ અમદાવાદ મનપાને આપી આવી સલાહ
