Ahmedabad Accident News: અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા મોપેડ ચાલકને એસટી બસે જોરદાર ટક્કર ( Behrampura ST Bus Accident) મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માથા અને હાથમાં ગંભીર ઈજા પામેલા 40 વર્ષીય હિતેષ ડાહ્યાજી ગેલોતને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, છ દિવસ સુધી સારવાર લીધા બાદ તેમનું મોત થયું હતું. અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.
Behrampura ST Bus Accident: મિત્રને મૂકીને ઘરે પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત
બહેરામપુરાના સાંકળચંદ મુખીની ચાલીમાં રહેતા 40 વર્ષીય હિતેષ ડાહ્યાજી ગેલોત કાપડનો છૂટક વેપાર કરતા હતા. તેમના પરિવારમાં પત્ની ઉપરાંત 8 વર્ષનો પુત્ર અને 4 વર્ષની પુત્રી છે. 16 ઑગસ્ટની સવારે હિતેષ પોતાના મોપેડ પર મિત્રને સંતોષનગર મૂકવા માટે નીકળ્યા હતા. મિત્રને મૂક્યા બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મેલડી માતાના મંદિરના ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતી વખતે એસટી બસે તેમના મોપેડને (Moped Rider Death) ટક્કર મારી હતી.
ટક્કર બાદ મોપેડ સહિત જમીન પર પટકાયા
એસટી બસની ટક્કર એટલી જોરદાર હતી કે હિતેષભાઈ મોપેડ પરથી નીચે પટકાયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી તેમજ જમણા હાથમાં પણ ઈજા પહોંચી હતી. અકસ્માતમાં તેમનું મોપેડ બસ નીચે કચડાઈ ગયું હતું.અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ હિતેષભાઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
6 દિવસ સારવાર બાદ યુવકનું મોત
ગંભીર ઈજાઓને કારણે હિતેષભાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જોકે, અકસ્માતના છ દિવસ બાદ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હિતેષભાઈના પરિવારમાં પત્ની અને બે નાના બાળકો હોવાનું સામે આવ્યું છે.
પત્નીની ફરિયાદ બાદ ST બસ ચાલક સામે કાર્યવાહી
હિતેષભાઈના મોત બાદ તેમની પત્ની કૌશલ્યાબેને કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટના CCTV કેમેરામાં (CCTV Accident Video) કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં રોડ ક્રોસ કરતી વખતે મોપેડ ચાલકને બસ ટક્કર મારતી હોવાના દૃશ્યો જોવા મળે છે.
આ પણ વાંચો: કેનેડામાં અમદાવાદના યુવકનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત, 2 ઓગસ્ટે પાર્થિવ દેહ આવશે વતન
આ પણ વાંચો: છેડતી કરતાં યુવકને કિન્નરે જાહેરમાં શીખવ્યો પાઠ! વાળ પકડી બે લાફા ઝીંકતાં દશામાના વિસર્જનમાં બબાલ
