Ahmedabad News/ કેનેડામાં અમદાવાદના યુવકનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત, 2 ઓગસ્ટે પાર્થિવ દેહ આવશે વતન

કેનેડાના સાસ્કાચેવાન હાઈવે પર થયેલા કાર અકસ્માતમાં અમદાવાદ (Ahmedabad) ના 22 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયર ભીષ્મ રાજ્યગુરૂનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે

Top Stories Gujarat

Ahmedabad engineer dies in Canada: અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયર ભીષ્મ રાજ્યગુરૂનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયું છે. 18 જુલાઈની રાત્રે કેનેડાના સાસ્કાચેવાન પ્રાંતના હાઈવે નંબર-11 પર બનેલા અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇન્ટર્નલ બ્લિડિંગને કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. પરિવારના જણાવ્યા અનુસાર તેમનો પાર્થિવ દેહ આગામી 2 ઓગસ્ટે અમદાવાદ લાવવામાં આવશે.

રોંગ સાઇડથી આવેલી કારે સર્જ્યો અકસ્માત

માહિતી મુજબ, ભીષ્મ નોકરી પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન રાત્રે આશરે 9 વાગ્યે રોંગ સાઇડથી પૂરઝડપે આવી રહેલી એક કારે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરની અસર એટલી ગંભીર હતી કે તેમની કાર રસ્તાની બાજુના મેદાનમાં ફંગોળાઈ જઈ અનેક પલટીઓ ખાઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

અકસ્માત કરનાર ડ્રાઇવર સામે કાર્યવાહી

કેનેડિયન મીડિયા રિપોર્ટ્સ મુજબ, અકસ્માત સર્જનાર વાહન રસ રાઇડિંગ ગેમના કેપ્ટન જેડન ડેલ્ક્સ ચલાવી રહ્યો હતો. તપાસ દરમિયાન તેની કારમાંથી આલ્કોહોલ અને ડ્રગ્સ મળી આવ્યા હોવાનું જણાવાયું છે. સ્થાનિક પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ચાર વર્ષ પહેલાં અભ્યાસ માટે ગયો હતા કેનેડા

ભીષ્મ રાજ્યગુરૂ અમદાવાદના ઘાટલોડિયા સ્થિત યશકુંજ સોસાયટીના રહેવાસી હતા. ધોરણ-12 સુધીનો અભ્યાસ અમદાવાદમાં પૂર્ણ કર્યા બાદ તેઓ ચાર વર્ષ પહેલાં કોમ્પ્યુટર સાયન્સના અભ્યાસ માટે કેનેડા ગયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તેઓ એક કાર લીડરશીપ કંપનીમાં કાર્યરત હતો.

ગુજરાતી સમાજમાં હતા સક્રિય

ભીષ્મના મિત્રના જણાવ્યા અનુસાર, ભીષ્મ કેનેડામાં ગુજરાતી સમાજ સાથે ખૂબ જ સક્રિય રીતે જોડાયેલો હતો. તેઓ વિવિધ સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેતો હતો તેમજ રીજીના મ્યુઝિક ગ્રુપ સાથે સંકળાયેલો હતો. ઉપરાંત, સ્થાનિક ગુજરાતીઓ માટે તેઓ નિઃશુલ્ક ગરબા કાર્યક્રમોનું આયોજન પણ કરતો હતો.

સ્થાનિક સ્તરે અપાઈ શ્રદ્ધાંજલિ

અકસ્માત બાદ ભીષ્મના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમના નિધન પર સ્થાનિક મેયરે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો. ઉપરાંત, રફ રાઇડર્સની એક મેચ દરમિયાન મોટી સ્ક્રીન પર પણ ભીષ્મને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ભીષ્મના પરિવારમાં પિતા આશિષભાઈ રાજ્યગુરૂ, માતા પૂર્વીબેન રાજ્યગુરૂ અને નાની બહેન હિર રાજ્યગુરૂનો સમાવેશ થાય છે. પરિવારજનો તેમના પાર્થિવ દેહની વતન વાપસીની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદ પહોંચ્યા બાદ અંતિમ દર્શન રાખી અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


આ પણ વાંચો: રાજકોટમાં સ્પીડવેલ પાસે અકસ્માતમાં પિતાનું મોત, કામ ન મળતા યુવકનો આપઘાત

આ પણ વાંચો: સુરતમાં જગન્નાથ દર્શને જતી કોલેજિયન યુવતીનું ટ્રક અકસ્માતમાં મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: સુરતમાં જગન્નાથ દર્શને જતી કોલેજિયન યુવતીનું ટ્રક અકસ્માતમાં મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત