Ahmedabad News: અમદાવાદના રિવરફ્રન્ટ પર સોમવારે બનેલા ભયાનક માર્ગ અકસ્માતના(Riverfront Road Accident) CCTV સામે આવ્યા છે. પૂરઝડપે જઈ રહેલી એક્ટિવા સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ધડાકાભેર અથડાતાં 17 વર્ષીય સગીરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની 14 વર્ષીય બહેનનું પણ સારવાર દરમિયાન મોત. અકસ્માત (Riverfront Road Accident) એટલો ગંભીર હતો કે અથડામણ બાદ એક્ટિવા અંદાજે 50 ફૂટ સુધી ફંગોળાઈ ગઈ હતી.
Riverfront Road Accident: માતાની ઓફિસેથી પરત ફરતી વખતે બન્યો અકસ્માત

પ્રાથમિક માહિતી મુજબ, પાલડીના શાંતિવન વિસ્તારમાં રહેતા 17 વર્ષીય કાવ્ય નિષિધભાઈ મહેતા અને તેની 14 વર્ષીય બહેન જૈના મહેતા બપોરે નવરંગપુરા સ્થિત તેમની માતાની ઓફિસે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે રિવરફ્રન્ટ માર્ગ પર રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનથી આશરે 50 મીટર દૂર તેમની એક્ટિવા અચાનક સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાઈ ગઈ.
CCTVમાં અકસ્માતના ભયાનક દૃશ્યો કેદ
સામે આવેલા CCTV ફૂટેજમાં એક્ટિવા પૂરઝડપે આવીને સીધી થાંભલા સાથે અથડાતી જોવા મળે છે. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ભાઈ-બહેન રસ્તા પર ફંગોળાઈ ગયા, જ્યારે એક્ટિવા લગભગ 50 ફૂટ દૂર જઈને પડી હતી.
કાવ્ય મહેતાનું ઘટનાસ્થળે મોત, બહેન SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ
અકસ્માતમાં કાવ્ય મહેતાના માથામાં ગંભીર ઇજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પાછળ બેઠેલી તેની બહેન જૈના મહેતાને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સારવાર દરમિયાન જૈના મહેતાનું પણ મોત થયું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાયસન્સ અને વાહન અંગે પોલીસની તપાસ

એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે (Traffic Police) અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. મૃતક સગીર પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હતું કે નહીં, તેમજ વાહન કોના નામે નોંધાયેલું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે. જો સગીરને લાયસન્સ વિના વાહન ચલાવવા આપવામાં આવ્યું હોવાનું સામે આવશે તો વાહન માલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અકસ્માતે ફરી ઉભા કર્યા સવાલો
આ દુર્ઘટનાએ શહેરમાં સગીરો દ્વારા વાહન ચલાવવાના મુદ્દે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી છે.
આ પણ વાંચો: કેનેડામાં અમદાવાદના યુવકનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત, 2 ઓગસ્ટે પાર્થિવ દેહ આવશે વતન
આ પણ વાંચો: અમદાવાદમાં AMC ડમ્પરની અડફેટે સગીરનું મોત: ટ્યુશન જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
