Patan News/ શ્વાન નહીં, પરિવારનો પુત્ર હતો ‘કબીર’! 8 વર્ષના સાથ બાદ વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા

Patan Dog Funeral: પાટણમાં 8 વર્ષથી પરિવારના સભ્યની જેમ ઉછેરેલા શ્વાન ‘કબીર’નું નિધન થતાં ભાવુક દૃશ્યો સર્જાયા. પરિવારજનોએ પુત્રની જેમ ઉછેરેલા કબીરની વાજતે-ગાજતે અંતિમયાત્રા કાઢી હતી.

Gujarat Top Stories Others
Patan Dog Funeral: 8 વર્ષના સાથ બાદ પરિવારની ભીની આંખે વિદાય

Patan News: પાટણમાં માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. પાટણના જીવદયા પ્રેમી હર્ષદ પંચોલીના પરિવારના સભ્ય સમાન બની ગયેલા શ્વાન ‘કબીર’નું ટૂંકી માંદગી બાદ નિધન થતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. પરિવારજનોએ કબીરને પુત્રની જેમ ઉછેર્યો હોવાથી તેના અંતિમ વિદાય (Patan Dog Funeral) સમયે ભાવુક દૃશ્યો સર્જાયા હતા.

20 દિવસના બચ્ચાને ઘરે લાવી ‘કબીર’ નામ આપ્યું

આશરે આઠ વર્ષ પહેલાં હર્ષદ પંચોલી માત્ર 20 દિવસના શ્વાનના બચ્ચાને ઘરે લાવ્યા હતા. પરિવારજનોએ તેને પ્રેમથી ‘કબીર’ નામ આપ્યું અને ત્યારથી તે પરિવારનો એક અભિન્ન હિસ્સો બની ગયો હતો. પરિવાર ક્યારેય બહાર ફરવા જતો ત્યારે કબીરને પણ સાથે લઈ જવામાં આવતો હતો.

Patan Dog Funeral: આઠ વર્ષ સુધી પુત્રની જેમ ઉછેર

કબીર સાથે પંચોલી પરિવારનો વર્ષો દરમિયાન ગાઢ સંબંધ બંધાયો હતો. પરિવારના સભ્યો માટે કબીર માત્ર પાળતું પ્રાણી નહોતો, પરંતુ પરિવારના એક સભ્ય સમાન હતો. તેના ઉછેર અને સંભાળમાં પરિવારજનોએ વિશેષ કાળજી રાખી હતી. થોડા દિવસ પહેલાં કબીરની તબિયત અચાનક લથડતાં પરિવારજનોએ તેને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તબીબોની સારવાર અને પરિવારજનોના પ્રયાસો છતાં કબીરનું નિધન થયું હતું. તેના મૃત્યુના સમાચારથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા

કબીરના અંતિમ સંસ્કાર માટે સોમવારે સવારે પાટણ સ્થિત પંચોલી પરિવારના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. કબીરના પાર્થિવદેહને સુજનીપુર જેલ રોડ નજીક સરસ્વતી નદીના કિનારે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો. કબીરની અંતિમયાત્રામાં પરિવારજનો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો અને જીવદયા પ્રેમીઓ (Jeevdaya Patan) જોડાયા હતા. આ દરમિયાન અનેક લોકો ભાવુક બની ગયા હતા અને ભીની આંખે કબીરને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

જીવદયાની ભાવનાની સૌએ કરી પ્રશંસા

એક શ્વાનને આઠ વર્ષ સુધી પરિવારના પુત્રની જેમ ઉછેરવા અને તેના અંતિમ સમય સુધી પરિવારના સભ્યની જેમ સાથ આપવા બદલ હર્ષદ પંચોલી પરિવારની જીવદયા ભાવનાની (Patan Animal Lover) લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. કબીરની અંતિમયાત્રાએ માણસ અને પ્રાણી વચ્ચેના લાગણીસભર સંબંધની પણ અનુભૂતિ કરાવી હતી.


આ પણ વાંચો: રમવા નીકળેલી 3 બહેનો ક્યારેય ઘરે ન ફરી! તળાવ કિનારે મળી કાગળની હોડીઓ, પાણીમાંથી મળી લાશ

આ પણ વાંચો: દીપડાએ કર્યું વાછરડાનું મારણ, ખેડૂતે ઢારિયાનો દરવાજો બંધ કરી બચાવ્યો મોટો ખતરો

આ પણ વાંચો: બોડેલીમાં 15 દિવસમાં 3 દીપડા પાંજરે પુરાયા, છતાં એકની શોધ ચાલુ; ચાપરગોટામાં રાહત સાથે ચિંતા