ભરૂચ/ ફુરજા બંદરની 250 વર્ષ જૂની ઐતિહાસિક રથયાત્રા સાથે જિલ્લામાં 5 સ્થળે પ્રભુએ સતત બીજા વર્ષે મંદિર પરિસરમાં જ કરવું પડશે ભ્રમણ

ગુજરાતમાં ઉત્સાહ અને શ્રદ્ધાના પ્રતિક સમી રથયાત્રાની પ્રથમ શરૂઆત 250 વર્ષ પહેલા સૌપ્રથમ ભરૂચમાં ફૂરજા બંદરેથી કરવામાં આવી હોવાની એક લોકવાયકા છે

Gujarat Others
Untitled 73 ફુરજા બંદરની 250 વર્ષ જૂની ઐતિહાસિક રથયાત્રા સાથે જિલ્લામાં 5 સ્થળે પ્રભુએ સતત બીજા વર્ષે મંદિર પરિસરમાં જ કરવું પડશે ભ્રમણ

મુનિર પઠાન@ભરૂચ

અમદાવાદમાં કોરોના કાળના બીજા વર્ષે રથયાત્રાને કરફ્યુ વચ્ચે માત્ર ખલાસીઓને ખેંચવા મંજૂરી અપાઈ છે. ત્યારે ગુજરાતમાં 250 વર્ષ પેહલા ભરૂચના ફુરજા બંદરેથી નીકળેલી પેહલી રથયાત્રા સહિત જિલ્લાની 5 રથયાત્રાને માત્ર મંદિર પરિસરમાં જ ભ્રમણની મંજૂરી અપાઈ છે.

ગુજરાતમાં પ્રથમ રથયાત્રા ફુરજા બંદરેથી 250 વર્ષ પહેલાં નીકળી હતી. ભરૂચના ખલાસીઓએ જ અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા માટે 3 રથ બનાવી આપ્યા હતા. અમદાવાદની રથયાત્રાને કરફ્યુ વચ્ચે માત્ર 60 ખલાસીઓ સહિતની ઉપસ્થિતિમાં નગરચર્યાએ નીકાળવા પરવાનગી આપી દેવાઈ છે. ભક્તો અને પ્રજા આ રથયાત્રાનું ઘરે બેઠા જીવંત પ્રસારણ નિહાળી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં સતત બીજા વર્ષે કોરોના કાળની સ્થિતિને ધ્યાને લઇ ભગવાન જગન્નાથની નગરયાત્રાને પરવાનગી અપાઈ નથી. જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં આ વખતે અષાઢી બીજે ભગવાન જગન્નાથની 5 રથયાત્રા કાઢવા પરવાનગી મંગાઈ હતી.

જેમાં શહેરના ફુરજા બંદરેથી 250 વર્ષથી ભોઈ સમાજ દ્વારા નીકળતી રથયાત્રા સાથે ઉડીયા સમાજ અને ઇસ્કોન દ્વારા, અંકલેશ્વર અને આમોદમાંથી મંજૂરી મંગાઈ હતી. હાલની સ્થિતિ ને ધ્યાને લઇ ભરૂચ શહેરની 3, અંકલેશ્વર અને આમોદની 1-1 રથયાત્રાને મંદિર પરિસરમાં જ ફેરવવા પરવાનગી આપવામાં આવી છે.

ગુજરાતમાં પ્રથમ રથયાત્રા 250 વર્ષ પૂર્વે ભરૂચમાં નીકળી હતી

ગુજરાતમાં ઉત્સાહ અને શ્રદ્ધાના પ્રતિક સમી રથયાત્રાની પ્રથમ શરૂઆત 250 વર્ષ પહેલા સૌપ્રથમ ભરૂચમાં ફૂરજા બંદરેથી કરવામાં આવી હોવાની એક લોકવાયકા છે. ભરૂચમાં 17 મી સદીમાં નર્મદાના પવિત્ર કિનારે ફુરજા બંદર પાસે ભગવાન જગન્નાથજીનાં મંદિરનું નિર્માણ કરાયું હતું. મંદિરની સ્થાપના અંગે ભોઈ જ્ઞાતીના અતિ વયોવૃધ્ધો પાસેથી મળતી માહિતી મુજબ, ફુરજા બંદર પર વર્ષોથી ભોઈ સમાજના લોકો મજૂરી તથા અન્ય કામ કરતાં હતાં. અહીં વિશાળ સાગર જેવો માતા નર્મદાનો પ્રવાહ વહેતો હતો.

અમદાવાદની યાત્રા માટે ભરૂચનાં ખલાસીઓએ રથ બનાવ્યા હતા. દેશ-વિદેશના મોટા મોટા વાહનો અહીં લાંગરતા હતા. ફુરજા બંદરે ભોઈ લોકો કામ કરતા અને બપોરના સમયે હાલ જયાં જગન્નાથજીનું મંદિર છે ત્યાં ભોજન બાદ આરામ કરતા હતા. ઓરિસ્સાથી આવતા જહાજોમાં ત્યાંથી મજુરો તથા વેપારીઓ ભરૂચ આવતા હતા. તેઓના સંપર્ક માં ભોઈ સમાજનાં લોકો પણ આવ્યા. શ્રધ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે, આપણે જ્યાં આરામ કરીએ છીએ ત્યાં એક મંદિર હોય તો વધુ સારું જેથી સવારે અહીં દર્શન કર્યા બાદ લોકો પોતાના કામે લાગી જાય.

ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતીના લોકોએ અહી મંદિર બનાવવાનું નક્કી કર્યું. તે સમયે આ ફુરજા વિસ્તારનો કાદવ ( માટી) ઉચા પ્રકારનો હતો. અહી નાળિયેરનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નાળિયેરના છોડા (રેસા) ના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ બનાવવામાં આવી. ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા તૈયાર થઇ અને પછી ત્યાં મંદિર બનાવવા માં આવ્યું ત્યારથી ભરૂચમાં ભોઇ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ રથયાત્રા નીકળે છે.

ભરૂચની માતાની વિનંતીથી રથ ખેંચવાની જવાબદારી ખલાસીઓ નિભાવે છે

જગન્નાથજીના ભકતોમાં ભરૂચની એક ખલાસી માતાએ 1878 માં અમદાવાદના તત્કાલિન મંહતને વિનંતી કરી હતી કે, રથયાત્રાના દિવસે ભરૂચના ખલાસીઓ દ્વારા બનાવવામાં આવેલા ત્રણેય રથ ખેંચવાની સેવા અમારા ખલાસી પુત્રોને સોંપો. રથ ખેંચવાની સેવા અમને સોંપી કૃતાર્થ કરવા કરાયેલી વિનંતી મહંતે માન્ય રાખી હતી. ત્યારથી જ અમદાવાદ સહિ‌તની દેશમાં નીકળતી તમામ રથયાત્રામા આજદિન સુધી ભગવાનના રથ ખેંચવાની જવાબદારી ખલાસી ભાઇઓ નિભાવે છે.

ભરૂચના ખલાસીઓએ મહંત નહસિંહદાસજીને 1878 માં રથ ભેટ ધર્યા હતા

અમદાવાદમાં 1878 માં સૌપ્રથમ તત્કાલીન મહંત નરસિંહદાસે રથયાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યકત કરી ત્યારે આ વાતની જાણ થતા ભરૂચના ખલાસી ભાઈઓએ 143 વર્ષ પહેલા નીકળેલી સૌપ્રથમ રથયાત્રા માટે નાળીયેરના લાકડા માંથી 3 સુંદર રથ બનાવી મહંત નરસિંહદાસજીને ભેટ ધર્યા હતાં. ભરૂચનાં ખલાસીઓએ બનાવેલા રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરી સૌપ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી.