National News : ભારતમાં વિધાનસભાની ચૂંટણીઓ 28 એપ્રિલ, 2026ના રોજ પૂર્ણ થવાના પગલે સોશિયલ મીડિયા પર પેટ્રોલ(Petrol) અને ડીઝલના ભાવમાં વધારો થવાની અટકળો તેજ બની હતી. પરંતુ કેન્દ્ર સરકારે આ અફવાઓને ખોટી ઠેરવી સ્પષ્ટ કર્યું છે કે હાલ ભાવ વધારવાની કોઈ યોજના નથી.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં પેટ્રોલ(Petrol), ડીઝલ અને LPG પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને પુરવઠા અંગે કોઈ તંગી નથી. તેમણે લોકોને ગભરાશો નહીં તેવી અપીલ કરી અને ગભરાટમાં થતી ખરીદીથી બચવા કહ્યું.
તાજેતરમાં આંધ્રપ્રદેશમાં અછતના ભય વચ્ચે લોકો પેટ્રોલ(Petrol) પંપ પર ઉમટી પડ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓને તાત્કાલિક પુરવઠો સામાન્ય કરવા સૂચના આપી હતી.

કેન્દ્ર સરકારે ખાતરી આપી છે કે દેશભરમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠા પર સતત નજર રાખવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી પરિસ્થિતિને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજારમાં અસ્થિરતા હોવા છતાં સરકાર પરિસ્થિતિ સંભાળી રહી છે.
સરકારે જણાવ્યું કે ઘરેલુ LPG અને PNG નો 100% પુરવઠો જાળવવામાં આવ્યો છે, જ્યારે CNG સપ્લાય પણ સંપૂર્ણ રીતે ચાલુ છે. વાણિજ્યિક LPG પુરવઠો થોડો પ્રભાવિત થયો હતો, પરંતુ હવે તે લગભગ 70% સુધી પુનઃસ્થાપિત થઈ ગયો છે.
ફાર્મા, સ્ટીલ, કૃષિ અને બીજ જેવા આવશ્યક ઉદ્યોગોને પ્રાથમિકતા આપી પુરવઠો જાળવવામાં આવી રહ્યો છે. સાથે જ, સ્થળાંતરિત મજૂરો માટે 5 કિલોના નાના LPG સિલિન્ડરોનો પુરવઠો પણ લગભગ બમણો કરવામાં આવ્યો છે.
સરકારનું કહેવું છે કે દેશમાં ઇંધણની કોઈ અછત નથી અને કિંમતો સ્થિર રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
