અંતે અમેરિકી શાસકોનો અંતરાત્મા જાગ્યો ખરો !!
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
આખરે ભારતની લાંબા સમયની માગણી અમેરિકાના જાે બાઈડન તંત્રે સ્વીકારી છે. રવિવારે રાત્રે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુસિવાને ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાતે વાતચીત કર્યા બાદ ભારતમાં વેક્સીનના ઉત્પાદનમાં વપરાતો જરૂરી કાચો માલ પૂરો પાડવા ખાતરી આપી છે. આની સાથે થેરેવેટિક્સ રેપિડ ડાયમ્નસ્ટિક ટેસ્ટ કીટ, વેન્ટીલેટર પણ અમેરિકા મોકલશે. આ ઉપરાંત અમેરિકા જરૂરી તમામ સહાય કરશે. ભારત માટે આ પ્રાથમિક અહેવાલો પ્રમાણે સારા સમાચાર છે. ભારતની વેક્સીન બનાવતી કંપનીના સીઈઓ દ્વારા માગણી કર્યા બાદ આ અંગે પ્રાથમિક તબક્કે અમેરિકાએ ઠંડુ વલણ દાખવ્યું હતું પરંતુ વ્હાઈટ હાઉસના સૂત્રોએ પ્રારંભમાં તો નકારાત્મક વલણ અપનાવ્યું હતું.

જાે કે બે-ત્રણ દિવસ પહેલા સેનેટરોએ આ અંગે અવાજ ઉઠાવ્યો છે. અમેરિકાના ડેમોક્રેટીક સેન્ટર એડમાર્કે કહે છે કે ભારતમાં કોરોનાના કેસોમાં જાેરદાર વધારો થઈ રહ્યો છે. અમેરિકા પાસે પૂરતા પ્રમાણમાં રસી છે તેમ છતાં ભારત જેવા સમર્થક દેશને સહકાર ન આપીએ તે યોગ્ય નથી. આપણી પાસે વેક્સીન માટે કાચા માલ અને ઉપકરણોની ઉપલબ્ધી છે તેમ છતાં ભારતની જરૂરીયાત પુરી કરવાની જવાબદારી છે. બીજા એક સેનેટર હેલી સ્ટીવન્સન પણ કહે છે કે અમેરિકા અને ભારત સાથે સારા સંબંધો છે ત્યારે ભારતની મુશ્કેલી નિવારવા અમેરિકાના સત્તાધિશોએ આગળ આવવાની જરૂરત છે. સ્ટીવન્સન આગળ જતાં એમ પણ કહે છે કે જ્યારે ભારતને સતત પરેશાન કરતાં ચીને પણ ભારતને મદદ કરવા ઓફર કરી છે ત્યારે મિત્રતાનો દાવો કરીએ છીએ ત્યારે મિત્ર દેશના દુઃખના ભાગીદાર બનતા કેમ અચકાઈએ છીએ ?
અમેરિકાના વોશિંગ્ટન પોસ્ટ અને કેટલાક અખબારોમાં પણ ભારતની તરફેણ કરતાં મંતવ્યો છેડેચોક વ્યક્ત કરી રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના એક નિકટના સલાહકાર એવા ડીન બેરીકે પણ કહ્યું છે કે ભારતના દુઃખમાં ભાગીદાર બનવાની આપણી ફરજ છે. અમેરિકાના એક આરોગ્ય નિષ્ણાત અને વૈજ્ઞાનિક કહે છે કે પહેલી લહેર વખતે ભારતે પ્રારંભિક તબક્કામાં ઉપયોગી ગણાતી ટેબલેટ હાઈડ્રોક્લોરીક્વીન ભારતે પૂરી પાડી હતી. ટ્રમ્પ શાસન વખતના કેટલાક અધિકારીઓ પણ અમેરિકી શાસકોએ એમ કહીને ટપારી રહ્યા છે કે કમસે કમ માનવીય વલણ અપનાવીને પણ ઉપકરણો અને કાચો માલ પૂરો પાડવો જાેઈએ.

અમેરિકામાં વસતા મોટાભાગના મૂળ ભારતીય નાગરિકોના જે સંગઠનો છે તેઓ પણ કરી રહ્યા છે કે ભારતને મદદ કરવાનો આ જ યોગ્ય અવસર છે. ભારત અમેરિકી મૈત્રી અત્યારે મજબૂત છે ત્યારે તો એક સાચા મિત્ર તરીકે અને કોરોનાને ડામવા વૈશ્વિક અભિયાન માટે અમેરિકાના શાસકો કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ હોવાનો દાવો કરે છે તેવે સમયે આપણા સૌની ફરજ છે કે ભારતને તેના આ આપત્તિકાળમાં મદદ કરવી.

વિશ્વના અન્ય કેટલાક દેશો પૈકી બ્રીટન, ફ્રાંસ અને જર્મની સહિતના દેશોના નિષ્ણાતો કહે છે કે ભારતે વિશ્વના ઘણા દેશોને વેક્સીનની મદદ કરી છે. ભારતે પોતે મુશ્કેલી વેઠીને વિશ્વના ઘણા નબળી આર્થિક સ્થિતિવાળા દેશોને સાચવી લીધા છે. સાઉદી અરેબિયાના એક અખબારે તો ત્યાં સુધી લખ્યું છે કે જાે બાઈડન જેવા ભારતના પરમ મિત્ર હોવાનો દાવો કરનારા શાસક રાષ્ટ્રપતિ પદે છે. ભારતીય મૂળના કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ છે અને વ્હાઈટ હાઉસની વહીવટી સંશોધક અને પ્રચાર અંગેની ટીમમાં ૨૦થી વધુ મૂળ ભારતીય નાગરિકો ગોઠવાયેલા છે. અવકાશ સહિતના વૈજ્ઞાનિક મોરચે જેની અભૂતપુર્વ ભૂમિકા છે તે નાસા સંસ્થામાં પણ ભારતીય મૂળના અનેક વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. આ કાંઈ જેવી તેવી વાત તો નથી જ. અગાઉ પણ અમેરિકાની વિકાસકૂચમાં ભારત અને મૂળ ભારતિયોનું મહત્ત્વનું યોગદાન હતું અને આજે પણ યથાવત છે. છતાં જાે બાઈડન તંત્ર ભારતને યોગ્ય મદદ કરવામાં પાછું પડે તે વિચિત્ર વાત કહેવાય. આ બધી ટીકા ટીપ્પણોની આંશિક અસર થઈ છે.

ભારતના એક વિશ્લેષક તો ત્યાં સુધી કહે છે કે અમેરિકા ભારતને આતંકવાદ સામેના જંગમાં કે ચીન સામેના કોઈપણ વિવાદો અંગે સહકાર આપે છે તો પછી વેક્સીનેશન અભિયાન સફળ બનાવવા માટે અને કોરોનામૂક્ત ભારત સર્જવાના અભિયાનમાં મદદ કરવામાં કેમ પાછું પડે છે ?

એક વિશ્લેષક તો ત્યાં સુધી કહ્યું હતું કે ટ્રમ્પ શાસને પણ ભારતને મદદ કરી જ હતી. બરાક ઓબામાના શાસનકાળમાં અમેરિકા ભારત વચ્ચેના મૈત્રી સંબંધો પરાકાષ્ટાએ હતા. ભારતે પણ અત્યારે વેક્સીનને લગતા ઉપકરણો અને કાચા માલ પરની આયાતડ્યૂટી હમણાં નહીં લેવાનું નક્કી કર્યું છે અને તે રીતે એક પ્રકારનું હકારાત્મક વલણ અપનાવ્યું છે તેવે સમયે આફત સામે ઝઝૂમવાના ભારત સરકારના જૂસ્સાને બીરદાવવાને કે પ્રોત્સાહન આપવાને બદલે યોગ્ય સ્થિતિ હોવા છતં ભારતની જરૂરિયાતો પૂરી પાડવામાં અમેરિકા પાછું પડે તે કોઈ રીતે યોગ્ય નથી – વ્યાજબી નથી.

આખરે અમેરિકા આ બાબતમાં ત્યાંના સેનેટરોના દબાણ બાદ વ્હાઈટ હાઉસનું તંત્ર જાગ્યું છે તે સારી વાત કહેવાય. હવે ભારતે જે વેક્સીનેશનનું મહાઅભિયાન શરૂ કર્યું છે તેમાં થોડી રાહતની સ્થિતિ ઉભી થશે તે પણ નિશ્ચિત છે. હવે અમેરિકાએ આ વલણ યથાવતપણે જાળવી રાખવું પડશે અને ભારતને તેની જરૂરિયાતના પ્રમાણે વેક્સીનેશન માટેનો કાચો માલ પૂરો પાડવો પડશે.
