Food Recipe: જો તમારે આ તહેવારોની મોસમમાં ભોજનને બંગાળી ટચ આપવો હોય તો પાઇનેપલની ગળી ચટણી (Bengali Pineapple Chutney) બનાવીને ખાઇ શકો છો. બંગાળના ભોજનમાં તમને પાઈનેપલની ચટણી અને ખજૂરની ચટણી ખાવા મળશે જ! આ ઘણી જ ટેસ્ટી લાગે છે અને એને બનાવવાની પ્રોસેસ પણ ઘણી જ આસાન છે. આ માટે તમારે બજારમાંથી પાઇનેપલ કપાવીને લાવવાનું રહેશે. જો ફાવતું હોય તો તમે ઘરે પણ પાઇનેપલ સમારી શકો છો. તો ફટાફટ નોંધી લો ખાટી-મીઠી બંગાળી પાઈનેપલ ચટણીની રેસિપી (Pineapple Chutney Recipe)…
બંગાળીમાં ‘અનારોશેર ચટણી’ કહેવાય છે એવી આ એક પાઈનેપલ અર્થાત્ અનાનસથી બનતી સ્વાદિષ્ટ, ખાટી-મીઠી અને હળવી તીખી ચટણી છે. બંગાળમાં પરંપરાગત ભોજન બાદ કે દુર્ગા પૂજાના તહેવારોમાં ભોજનના અંતે તેને વ્યંજન તરીકે પીરસવામાં આવે છે. અને આ ટ્રેડિશનલ વાનગી બંગાળના લોકો હોંશે-હોંશે ખાય છે. તો તમે પણ આ સરસ મજાની પાઈનેપલ ચટણી બનાવો અને આરોગો!
શી રીતે બનાવશો પાઇનેપલ ચટણી? (Pineapple Chutney Recipe)
બંગાળી સ્ટાઈલ પાઇનેપલ ચટણી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 પાઈનેપલ (છોલેલું)
2 સ્લાઇઝ પાઇનેપલ (સમારેલું)
સ્વાદાનુસાર ખાંડ અથવા સાકર
થોડું પાણી
1 લીંબુનો રસ
1 ચમચી ચિલી ફ્લેક્સ
1 ચમચી અધકચરા કાળા મરી
દાડમના દાણા (વૈકલ્પિક)
ઈચ્છાનુસાર ડ્રાયફ્રુટ્સ
કાજુ
કિશમિશ
ખજૂર
ચૅરી

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ છાલ કાઢેલા પાઈનેપલને સારી રીતે છીણી લો. પાઇનેપલને લાંબુ લાંબુ છીણવું અને વચ્ચેનો હાર્ડ ભાગ લેવો નહિં. આમ કરવાથી એને સરળતાથી ગ્રેટ કરી શકાય છે.
2. પાઇનેપલની બે સ્લાઈઝને અલગ રાખી દેવી. એમને સમારીને ચટણીમાં મિક્સ કરવાની રહેશે. બાકીનું અનાનસ (Pineapple)મોટી છીણીથી છીણવું, એકદમ ઝીણું નથી કરવાનું!
3. હવે એક કડાઈમાં છીણેલું પાઇનેપલ ઉમેરી લો. એમાં થોડું સંચળ અને રેગ્યુલર મીઠું (Salt) ઉમેરવું. મધ્યમ તાપે એને થોડું પકાવી લેવું.
4. આમ તો અનાનસમાં પોતાનો જ જ્યુસ હોય છે આમ છતાં, ચટણીને જ્યુસી રાખવા માટે એમાં થોડું પાણી મિક્સ કરી દેવું.
5. કડાઈને ઢાંકીને પાઇનેપલ ગળી ન જાય ત્યાં સુધી સારી રીતે પકાવી લો. ઓછામાં ઓછી 10-15 મિનિટ સુધી એને પકાવવાનું રહેશે.
6. હવે એમાં સ્વાદાનુસાર ખાંડ કે સાકર મિક્સ કરી લો અને ફરીથી પકાવી લો.
7. થોડા કાજુ, કિશમિશ, ખજૂર અને ચૅરી (Dry fruits) સમારી લો અને જ્યારે ખાંડનું પાણી ઓછું થવા લાગે કે એમાં સમારેલા ડ્રાયફ્રુટ્સ અને ચૅરી ઉમેરી દેવા.
8. થોડી વાર બાદ એમાં પાઇનેપલના ટુકડા સમારીને ઉમેરી દેવા અને થવા દેવા. આ ચટણીને ચટપટો ફ્લેવર મળે એ માટે એમાં 1 ચમચી લીંબુનો રસ અને ચિલી ફ્લેક્સ અથવા અધકચરા કાળા મરી ઉમેરવા. 5 મિનિટ સુધી ચટણીને ફરી પકાવી લેવી.
તો તૈયાર છે તમારી બંગાળી સ્ટાઈલ પાઇનેપલ ચટણી…તમે ઈચ્છો તો એમાં દાડમના દાણા પણ નાખી શકો છો. પરંતુ જો લાંબો સમય સ્ટોર કરવી હોય તો દાડમના દાણા ન ઉમેરવા. એને ઠંડી કરીને સર્વ કરવી.
આ પણ વાંચો: શું તમે ક્યારેય ચાખી છે સફરજનની ખાટી-મીઠી ચટણી? ઘરે બનશે આસાનીથી…નોંધી લો ચટપટી રેસિપી!
આ પણ વાંચો: એક વાર ખાશો તો વારંવાર બનાવશો! જાણો સ્ટ્રીટ સ્ટાઈલ સરસવની ચટણી બનાવવાની સરળ વિધિ!
