National News/ PM Modi એ દેશના 47 શહેરોમાં વહેંચ્યા 51,000 સરકારી નિમણૂક પત્રો, યુવાનોને આપી મોટી જવાબદારી

દિલ્હી સહિત દેશના 47 શહેરોમાં આયોજિત 19મા રોજગાર મેળામાં પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000 થી વધુ યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્રો વહેંચ્યા છે. આ પ્રસંગે PM Modiએ આપેલા ખાસ સંબોધન વિશે વાંચો.

NATIONAL Top Stories India
PM Modi

PM Modi Rozgar Mela 2026: દેશમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા લાખો યુવાનો માટે શનિવારનો દિવસ ખૂબ જ ખાસ સાબિત થયો છે. દિલ્હીમાં આયોજિત 19મા રોજગાર મેળામાં પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજરી આપી હતી. આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ વિવિધ કેન્દ્ર સરકારી વિભાગો અને સંસ્થાઓમાં પસંદગી પામેલા 51,000 થી વધુ યુવાનોને ડિજિટલ માધ્યમથી નિમણૂક પત્ર (એપોઇન્ટમેન્ટ લેટર) એનાયત કર્યા હતા અને તેમને રાષ્ટ્ર નિર્માણના આ મહાયજ્ઞમાં જોડાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વિકસિત ભારતના સંકલ્પમાં યુવાનો ભાગીદાર

નવનિયુક્ત યુવાનોને સંબોધિત કરતા PM Modi એ જણાવ્યું હતું કે, આજનો દિવસ દેશભરના હજારો પરિવારો માટે અત્યંત મહત્ત્વનો છે, કારણ કે હવે દેશના હોશિયાર યુવાનો ભારતની વિકાસ યાત્રામાં જવાબદાર ભાગીદાર બનવા જઈ રહ્યા છે. રેલવે, બેન્કિંગ, સંરક્ષણ, આરોગ્ય અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં આ યુવાનો નવી જવાબદારીઓ સંભાળશે અને ‘વિકસિત ભારત’ ના સંકલ્પને પૂર્ણ કરવામાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપશે.

વૈશ્વિક સ્તરે ભારતની ટેક્નોલોજી અને યુવાનોનો ડંકો

પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ તાજેતરમાં જ કરેલા પોતાના 5 દેશોના પ્રવાસનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું:

“મારો આ પ્રવાસ માત્ર પાંચ દેશોની રાજદ્વારી મુલાકાત નહોતો, પરંતુ આ દરમિયાન મેં વિશ્વની ઘણી દિગ્ગજ કંપનીઓના વડાઓ (CEOs) સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. આ તમામ બેઠકોમાં એક વાત સમાન રીતે અનુભવવા મળી કે આજે આખી દુનિયા ભારતના યુવાનોની અદ્ભુત ક્ષમતા અને દેશની ટેક્નોલોજીકલ પ્રગતિને જોઈને અત્યંત ઉત્સાહિત છે. હાલમાં વૈશ્વિક સ્તરે ભારત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.”

રોજગાર મેળો હવે એક મજબૂત મિશન:PM Modi

કેન્દ્ર સરકાર માત્ર સરકારી નોકરીઓ જ નહીં, પણ સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ અને ડિજિટલ સેક્ટરમાં પણ રોજગારીની અસંખ્ય નવી તકો ઉભી કરી રહી છે. PM Modi ના જણાવ્યા મુજબ, સરકારી ભરતી પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા શરૂ કરાયેલો ‘રોજગાર મેળો’ હવે એક મજબૂત સંસ્થાનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. ડિજિટલ ઇન્ડિયાને કારણે દેશમાં નવી અર્થવ્યવસ્થાનો વિસ્તાર થયો છે, જેનાથી ભારત હવે એનિમેશન અને ડિજિટલ મીડિયા ક્ષેત્રે ગ્લોબલ હબ તરીકે ઉભરી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી સેક્ટરમાં વધી રહેલા ઐતિહાસિક રોકાણને લીધે રોજગારના નવા દ્વાર ખૂલ્યા છે.

દેશના 47 શહેરોમાં એકસાથે ભવ્ય આયોજન

આ વખતના રોજગાર મેળાનું આયોજન માત્ર રાજધાની દિલ્હી પૂરતું સીમિત રાખવામાં આવ્યું ન હતું. સ્થાનિક સ્તરે વધુમાં વધુ યુવાનો સુધી સીધી પહોંચ બનાવી શકાય તે માટે દેશના 47 શહેરોમાં એકસાથે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સરકારના જણાવ્યા મુજબ, આ નવી પહેલથી દેશની ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને ગતિશીલ બની છે, જેના લીધે લાખો યુવાનોને ખૂબ જ ટૂંકા સમયમાં ઓફર લેટર મળી રહ્યા છે.

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને વિદેશમાં નોકરીની તકો

PM Modi એ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે, દેશમાં હાલમાં અંદાજે 2 લાખ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ કાર્યરત છે, જે દેશના 21 લાખથી વધુ યુવાનોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડી રહ્યા છે. આ ઉપરાંત, ભારતીય યુવાનોને વિદેશી ધરતી પર પણ સન્માનજનક પદો મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અન્ય વિકસિત દેશો સાથે મહત્ત્વના માઇગ્રેશન એગ્રીમેન્ટ્સ (કરારો) કરી રહી છે, જેથી આગામી સમયમાં ગ્લોબલ માર્કેટમાં ભારતની સ્કિલ આધારિત રોજગારીનો વ્યાપ વધુ વધશે.


આ પણ વાંચો: અમદાવાદ સહિત દેશના 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન, કર્મચારીઓએ PMનો માન્યો આભાર…

આ પણ વાંચો:આજે રોજગાર મેળાનું આયોજન કરાયું,પીએમ મોદી 51,000 યુવાનોને નિમણૂક પત્રો આપશે

આ પણ વાંચો: PM મોદી શનિવારે રોજગાર મેળામાં 70,000 યુવાનોને નિમણૂક પત્ર વિતરણ કરશે