National News/ પીએમ મોદીની બાલેન શાહને ખાસ ભેટ: રામાયણનું ચિત્ર, બનારસી સાડી અને કળશમાં ગંગાજળ

પીએમ મોદીએ બાલેન શાહને ભારતીય કલા, પરંપરા અને આધ્યાત્મિક વારસા સાથે જોડાયેલી ત્રણ ખાસ ભેટ (PM Modi Gift)આપી હતી

India
નેપાળના વડાપ્રધાન બાલેન શાહની ભારત મુલાકાત દરમિયાન પીએમ મોદીએ તેમને ત્રણ વિશેષ ભેટ (PM Modi Gift)આપી

National News : નેપાળના વડાપ્રધાન બાલેન શાહની ભારત મુલાકાત દરમિયાન પીએમ મોદીએ તેમને ત્રણ વિશેષ ભેટ (PM Modi Gift)આપી. ભગવાન રામના જીવનને દર્શાવતું કલામકારી રામાયણ ચિત્ર, બનારસી બ્રોકેડ સ્ટોલ અને વારાણસીનું પવિત્ર ગંગાજળ ભારત-નેપાળના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક બન્યાં છે.

નેપાળના વડાપ્રધાન બાલેન શાહ (Balen Shah)ભારતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન સોમવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ હતી. આ મુલાકાતમાં રાજદ્વારી સંબંધોની સાથે ભારત અને નેપાળ વચ્ચેના પ્રાચીન સાંસ્કૃતિક તથા ધાર્મિક જોડાણની પણ ઝલક જોવા મળી હતી.

પીએમ મોદીએ બાલેન શાહને ભારતીય કલા, પરંપરા અને આધ્યાત્મિક વારસા સાથે જોડાયેલી ત્રણ ખાસ ભેટ (PM Modi Gift)આપી હતી. તેમાં ભગવાન રામના જીવનને દર્શાવતું ‘કલામકારી સંપૂર્ણ રામાયણ’ ચિત્ર, ગુજરાતની પરંપરાગત કોતરણીવાળા સાદેલી બોક્સમાં રાખવામાં આવેલો બનારસી બ્રોકેડ સ્ટોલ અને પિત્તળના કળશમાં વારાણસીનું ગંગાજળ સામેલ છે.

કલામકારી સંપૂર્ણ રામાયણ (Kalamkari Complete Ramayana): ભગવાન રામના જીવનની ઝલક

પીએમ મોદીએ ભેટમાં આપેલું કલામકારી ચિત્ર ભગવાન રામના (Kalamkari Ramayana)જીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાઓને સુંદર રીતે રજૂ કરે છે. તેમાં ભગવાન રામના જન્મથી લઈને વનવાસ, રાવણ પર વિજય અને ત્યારબાદ અયોધ્યા પરત ફરવા સુધીની ઘટનાઓ દર્શાવવામાં આવી છે.

આ કલાકૃતિ આંધ્રપ્રદેશની પરંપરાગત શ્રીકાલહસ્તી શૈલીમાં તૈયાર કરવામાં આવી છે. સુતરાઉ કાપડ પર વાંસની કલમ અને કુદરતી રંગોનો ઉપયોગ કરીને તેને હાથથી બનાવવામાં આવી છે.

આ ચિત્ર માત્ર એક કલાકૃતિ નથી, પરંતુ ભારત અને નેપાળ વચ્ચેના ગાઢ આધ્યાત્મિક સંબંધોનું પ્રતીક પણ છે. અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ અને નેપાળનું જનકપુર માતા સીતાની જન્મભૂમિ તરીકે ઓળખાય છે. આ બંને સ્થળો રામાયણ સાથે જોડાયેલા હોવાથી આ ભેટ બંને દેશોના સહિયારા વારસાને ઉજાગર કરે છે.

બનારસી બ્રોકેડ સ્ટોલ (Banarasi Brocade Stole): સાદેલી બોક્સમાં ગુજરાતની કારીગરી

બીજી ભેટ તરીકે પીએમ મોદીએ બાલેન શાહને (Balen Shah)બનારસી બ્રોકેડનો સુંદર સિલ્ક સ્ટોલ આપ્યો હતો. વારાણસીની પરંપરાગત વણાટકળાથી તૈયાર કરવામાં આવેલા આ સ્ટોલમાં ઝીણવટભર્યું ઝરીકામ અને આકર્ષક ડિઝાઇન જોવા મળે છે.

આ સ્ટોલને ગુજરાતની પરંપરાગત ‘સાદેલી’ બોક્સમાં મૂકીને ભેટ આપવામાં આવ્યો હતો. આ બોક્સ લાકડા પર કરવામાં આવતી બારીક કોતરણી અને ભૌમિતિક આકારોની વિશિષ્ટ ડિઝાઇન માટે જાણીતું છે.

આમ, આ એક જ ભેટમાં વારાણસીની પ્રખ્યાત વણાટકળા અને ગુજરાતની પરંપરાગત હસ્તકલાનો સમન્વય જોવા મળે છે. તે ભારતની વિવિધતામાં એકતાની પરંપરાને પણ દર્શાવે છે.

ગંગાજળની ભેટ (Ganga Jal Gift): કાશીથી કાઠમંડુ સુધીનું આધ્યાત્મિક જોડાણ

પીએમ મોદીએ બાલેન શાહને (Balen Shah)વારાણસીથી લાવવામાં આવેલું પવિત્ર ગંગાજળ પણ ભેટમાં (PM Modi Gift)આપ્યું હતું. આ ગંગાજળ પિત્તળના સુંદર કળશમાં રાખવામાં આવ્યું હતું. આ પાણી કાશી વિશ્વનાથ મંદિર નજીકની ગંગા નદીમાંથી લેવામાં આવ્યું હતું.

આ ભેટનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. વારાણસીમાં ભગવાન કાશી વિશ્વનાથ અને નેપાળની રાજધાની કાઠમંડુમાં આવેલા ભગવાન પશુપતિનાથ બંને ભગવાન શિવનાં અત્યંત પૂજનીય સ્વરૂપો છે.

ગંગાજળની આ ભેટ બંને દેશો વચ્ચેના ધાર્મિક અને આધ્યાત્મિક સંબંધોને દર્શાવે છે. સાથે જ તે શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક એકતાના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે.

અયોધ્યાથી જનકપુર વચ્ચે શરૂ થઈ ટ્રેન સેવા

બાલેન શાહની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ પણ કરવામાં આવી હતી. પીએમ મોદી અને નેપાળના વડાપ્રધાન બાલેન શાહે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને નેપાળના જનકપુર વચ્ચેની ટ્રેન સેવાને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી.

આ રેલ સેવા માત્ર બે સ્થળોને જોડતી પરિવહન વ્યવસ્થા નથી, પરંતુ ભગવાન રામ અને માતા સીતા સાથે જોડાયેલા બે મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળો વચ્ચેના સંબંધોને પણ નવી મજબૂતી આપશે.

આમ, પીએમ મોદીએ આપેલી ત્રણેય ભેટમાં (PM Modi Gift)ભારતની કલા, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પરંપરાની વિશેષ ઝલક જોવા મળે છે. આ ભેટો ભારત અને નેપાળ વચ્ચેના ઐતિહાસિક સંબંધો તથા પરસ્પર મિત્રતાનો સંદેશ આપે છે.


આ પણ વાંચો:ભ્રષ્ટાચારના આરોપો બાદ નેપાળના ગૃહ મંત્રીનું રાજીનામું, વડાપ્રધાન બાલેન શાહની મુશ્કેલીઓ વધી

આ પણ વાંચો: PM મોદી અને બાલેન શાહની મુલાકાત, આજે દ્વિપક્ષીય બેઠક; જનકપુરધામ-અયોધ્યા ટ્રેનને બતાવશે લીલી ઝંડી

આ પણ વાંચો: નેપાળના PM બાલેન્દ્ર શાહ દિલ્હી પહોંચ્યા, પીએમ બન્યા બાદ પહેલી ભારત મુલાકાત