Mission Assam/ PM મોદીએ આસામમાં 7 કેન્સર હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- 8 વર્ષમાં હિંસામાં 75% ઘટાડો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ પ્રવાસમાં સાત નવી કેન્સર હોસ્પિટલોનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે દીપુમાં આયોજિત રેલી દરમિયાન વડાપ્રધાને આસામના લોકોને કહ્યું કે ડબલ એન્જિનની સરકાર જ્યાં પણ હોય,

Top Stories India
MODI

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ પ્રવાસમાં સાત નવી કેન્સર હોસ્પિટલોનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે દીપુમાં આયોજિત રેલી દરમિયાન વડાપ્રધાને આસામના લોકોને કહ્યું કે ડબલ એન્જિનની સરકાર જ્યાં પણ હોય, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસની ભાવના સાથે કામ કરે છે. તેમણે કહ્યું કે આજે કાર્બી આંગલોંગની આ ધરતી પર આ સંકલ્પ ફરી મજબૂત બન્યો છે. આસામની સ્થાયી શાંતિ અને ઝડપી વિકાસ માટે જે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તેને પાર પાડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. છેલ્લા આઠ વર્ષમાં હિંસામાં લગભગ 75 ટકાનો ઘટાડો થયો છે, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે મને જ્યારે પણ અહીં આવવાનો મોકો મળ્યો છે ત્યારે મને તમારા લોકો તરફથી અપાર સ્નેહ અને પ્રેમ મળ્યો છે. આ સાથે, રાજ્ય સરકારે પીએમ મોદીની આ મુલાકાત માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે આ એક સુખદ સંયોગ છે કે આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે આપણે પણ આ ધરતીના મહાન સપૂત લચિત બોરફુકનની 400મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. તેમનું જીવન દેશભક્તિ અને રાષ્ટ્રીય શક્તિની પ્રેરણા છે. તેમણે કહ્યું કે હું કાર્બી આંગલોંગથી દેશના આ મહાન નાયકને નમન કરું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્બી આંગલોંગમાં માંજા વેટરનરી કોલેજ, વેસ્ટ કાર્બી આંગલોંગ એગ્રીકલ્ચર કોલેજ, અમ્પાની વેસ્ટ કાર્બી આંગલોંગ સરકારી કોલેજ સહિત અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે અહીં 1,000 કરોડ રૂપિયાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ સંસ્થાઓ અહીંના યુવાનોને નવી તકો આપવા જઈ રહી છે. આજે જે શિલાન્યાસ કરવામાં આવ્યો છે તે માત્ર ઈમારતનો શિલાન્યાસ નથી, પણ મારા યુવાનીનો શિલાન્યાસ છે.

તેમણે વધુમાં કહ્યું કે, “આજે આસામમાં 2600થી વધુ અમૃત સરોવર બનાવવાનું કામ શરૂ થઈ રહ્યું છે. તળાવોનું નિર્માણ સંપૂર્ણપણે લોકભાગીદારી પર આધારિત છે. આદિવાસી સમાજમાં આવા તળાવોની સમૃદ્ધ પરંપરા છે. આનાથી ગામડાઓમાં જળસંચય સર્જાશે, તેની સાથે તેઓ આવકનું સાધન પણ બનશે.

પ્રવાસ માટે સુરક્ષા સઘન કરવામાં આવી છે

પીએમ મોદીની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યપ્રધાન હેમંત બિસ્વા સરમાએ જાતે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય પ્રધાને તૈયારીની સમીક્ષા કરવા ડિબ્રુગઢ અને કાર્બી આંગલોંગ જિલ્લાની બે વાર મુલાકાત લીધી છે. બંને જિલ્લાઓમાં શાળા, કોલેજો અને રાજ્ય સરકારની કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.