PM Modi Somnath Roadshow: દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ‘સ્વાભિમાન પર્વ’ હવે તેની અદભૂત ભવ્યતાના શિખરે પહોંચવા જઈ રહ્યું છે. આવતીકાલે સોમનાથની પવિત્ર ધરા પર એક ઐતિહાસિક શૌર્ય યાત્રા નીકળશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને જનતાનું અભિવાદન ઝીલશે. આ રોડ શોને લઈને સમગ્ર ગીરસોમનાથ જિલ્લામાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
ખુલ્લી જીપમાં PM Modi Somnath Roadshow
આવતીકાલે યોજાનારી શૌર્ય યાત્રાનું મુખ્ય આકર્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો હશે. પીએમ મોદી ખુલ્લી જીપમાં સવાર થઈ સોમનાથના માર્ગો પરથી પસાર થશે, જ્યાં દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક જનતા તેમનું ભવ્ય સ્વાગત કરશે. આ મુલાકાતને લઈને સુરક્ષાનો અભેદ્ય કિલ્લો તૈયાર કરવામાં આવ્યો છે.
108 અશ્વ સાથે શૌર્યનું પ્રદર્શન
PM Modi Somnath Roadshow ની સૌથી મોટી વિશેષતા ગુજરાત પોલીસનું અશ્વદળ છે. આ યાત્રામાં શુભ અંક ગણાતા 108 અશ્વ જોડાશે. ગુજરાતના 15 અલગ-અલગ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા શ્રેષ્ઠ અશ્વ અને સવારો આ શૌર્ય યાત્રામાં પોતાની કળાનું પ્રદર્શન કરશે. અશ્વસવાર પોલીસકર્મીઓ ખાસ પરંપરાગત વસ્ત્રો (Traditional Dress) માં સજ્જ થઈને ગુજરાતની શૌર્ય ગાથા રજૂ કરશે.
સાંસ્કૃતિક અને દેશભક્તિનો સંગમ
આ માત્ર એક રાજકીય રોડ શો નથી, પરંતુ સોમનાથના ગૌરવશાળી ઇતિહાસને ઉજવવાનો એક અવસર છે. ‘સ્વાભિમાન પર્વ’ અંતર્ગત યોજાનારી આ યાત્રામાં લોકસંસ્કૃતિ, દેશભક્તિ અને ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળશે. ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ કરવામાં આવનાર આ આયોજન સોમનાથના ઈતિહાસમાં યાદગાર બની રહેશે.
