National News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) આવતા મહિને યુરોપના મહત્વપૂર્ણ પ્રવાસે જવાની સંભાવના છે. અહેવાલો મુજબ 15થી 20 મે દરમિયાન યોજાનારી આ મુલાકાતમાં તેઓ નોર્વે, સ્વીડન, નેધરલેન્ડ અને ઈટાલીની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન નોર્વેમાં યોજાનારા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં પણ તેમની હાજરી રહેવાની શક્યતા છે. જોકે આ મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ બનશે મુલાકાત
આ પ્રવાસ ખાસ કરીને એટલા માટે મહત્વનો માનવામાં આવે છે કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે તાજેતરમાં ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર મહોર લાગી છે. લગભગ 18 વર્ષ સુધી ચાલેલી લાંબી વાટાઘાટો બાદ આ ડીલ જાન્યુઆરીમાં અંતિમ સ્વરૂપે આવી હતી. આ કરાર વડે ભારતને યુરોપના વિશાળ બજારમાં મોટી તકો મળશે.
ઈરાન ઈઝરાયેલ અને અમેરિકા તણાવ વચ્ચે પીએમ મોદી(PM Modi)ની યાત્રા

પીએમ મોદી(PM Modi)ની આ યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે ઈરાન ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. હોર્મુઝ જળમાર્ગમાં ઉભી થયેલી અસથિરતાને કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઊભું થયું છે. વિશ્વના આશરે 20 ટકા કાચા તેલનો પુરવઠો આ માર્ગેથી પસાર થતો હોવાથી તેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં યુરોપિયન નેતાઓ સાથેની ચર્ચાઓ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની શકે છે.
ભારત-ઈયુ ફ્રી ટ્રેડ ડીલનું મહત્વ
ભારત અને EU વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ માટેની ચર્ચા 2007માં શરૂ થઈ હતી, પરંતુ મતભેદોને કારણે 2013માં અટકી ગઈ હતી. જૂન 2022માં ફરીથી વાટાઘાટો શરૂ થઈ અને હવે તેમાં સફળતા મળી છે. આ કરાર હેઠળ ભારતની લગભગ 93 ટકા નિકાસ પર યુરોપના 27 દેશોમાં કોઈ ડ્યુટી નહીં લાગે. આથી ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને વેગ મળશે અને ભારતીય ઉત્પાદનોને યુરોપિયન બજારમાં મોટી તક મળશે.
આગામી સમયમાં વધુ મજબૂત બનશે સંબંધો
પીએમ મોદી(PM Modi)ની આ સંભાવિત યાત્રા ભારત અને યુરોપ વચ્ચેના આર્થિક, રાજકીય અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. વૈશ્વિક અસ્થિરતાના સમયમાં આ મુલાકાતને ખાસ નજરે જોવામાં આવી રહી છે.
