Vadodara Food and Drugs Department Raid: સંસ્કારી નગરી વડોદરામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી એક ફાર્મા કંપની પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. વડોદરાની ‘મેડિકામેન્ટ સોલ્યુશન્સ’ (Medicament Solutions) નામની કંપની દ્વારા ગેરકાયદેસર રીતે ઈન્જેક્શનનું વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવતા વિભાગે કંપનીનું લાયસન્સ રદ્દ કરી દીધું છે. આ સમગ્ર કૌભાંડને પકડવા માટે અધિકારીએ જાતે નકલી ગ્રાહક બનીને ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો.
Vadodara : ઓનલાઈન ઓર્ડર અને અધિકારીની ‘જાળ’
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી હતી કે વડોદરાની આ કંપની ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પ્રતિબંધિત રીતે દવાઓ વેચે છે. સત્ય જાણવા માટે એક અધિકારીએ નકલી ગ્રાહક બનીને કંપનીની વેબસાઈટ પરથી ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. જ્યારે પાર્સલ ઘરે પહોંચ્યું, ત્યારે તેમાં ડોક્ટરની સલાહ વગરના ઈન્જેક્શન મળી આવતા અધિકારીઓએ તાત્કાલિક કંપની પર દરોડો પાડ્યો હતો.

મેદસ્વિતા ઘટાડવાના ઈન્જેક્શનનો કાળો કારોબાર
તપાસમાં બહાર આવ્યું છે કે કંપની Mounjaro KwikPen નામના ઈન્જેક્શન (જેનો ઉપયોગ વજન ઉતારવા કે મેદસ્વિતા ઘટાડવા માટે થાય છે) સીધા જ ગ્રાહકોને વેચતી હતી. મેડિકલ નિયમો મુજબ, આવા હાઈ-ડોઝ ઈન્જેક્શન માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ વેચી શકાય છે. કંપની વેબસાઈટ મારફતે સીધો ઓર્ડર લઈને કુરિયર દ્વારા દવાઓ મોકલતી હતી, જે દવા વેચાણના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે.
અંગો ફેઈલ થવાનો ખતરો
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ડોક્ટરની સલાહ વગર આવા ઈન્જેક્શન લેવા જીવલેણ સાબિત થઈ શકે છે, જેના કારણે કિડની પર ગંભીર અસર પડી શકે છે અને પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ) ને પણ ભારે નુકસાન થઈ શકે છે. આટલું જ નહીં, આવા જોખમી ઈન્જેક્શન લેવાથી શરીરના અન્ય મહત્વના અંગો ફેઈલ થવાની પણ ભીતિ રહેલી છે.
લાયસન્સ રદ્દ અને ફોજદારી કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ મામલે કડક વલણ અપનાવી કંપનીનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ્દ કરી દીધું છે અને જવાબદારો સામે ફોજદારી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે સસ્તું કે ઝડપી પરિણામ મેળવવાની લાલચમાં ડોક્ટરની સલાહ વગર કોઈ પણ ઓનલાઈન દવા ન મંગાવવી.
