Vadodara Godhra Expressway: ગુજરાતમાં પરિવહન ક્ષેત્રે એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (NE4) ના વડોદરા થી ગોધરા વચ્ચેનો 81 કિલોમીટરનો હિસ્સો ટ્રાયલ ધોરણે વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ 8-લેન હાઈવેને કારણે મુસાફરોને સમયની જંગી બચત થઈ રહી છે. જે અંતર કાપવા માટે અગાઉ દોઢ થી બે કલાકનો સમય લાગતો હતો, તે હવે માત્ર 45 મિનિટમાં પૂર્ણ થઈ રહ્યું છે.
હાલોલના ટ્રાફિકમાંથી મળી મુક્તિ
અગાઉ વડોદરાથી ગોધરા જવા માટે મુસાફરોએ હાલોલ થઈને પસાર થવું પડતું હતું, જ્યાં ટ્રાફિક જામ અને હાઈવેની ઓછી પહોળાઈને કારણે મુસાફરો પરેશાન થતા હતા. નવા એક્સપ્રેસવે સેક્શનના કારણે હવે મુસાફરો વડોદરા નજીકના ડોડકા ગામ થી ગોધરા નજીકના ભામૈયા ગામ સુધી સડસડાટ પહોંચી શકે છે.
Expressway: હાઈ-સ્પીડ અને સુપર ક્વોલિટી રોડ
આ 8-લેન એક્સપ્રેસવે પર વાહનોની ગતિ મર્યાદા 120 કિમી/કલાક રાખવામાં આવી છે. જૂનો રૂટ 78 કિમી હતો, જ્યારે નવો રૂટ 81 કિમીનો છે. જોકે, અંતર 3 કિમી વધ્યું હોવા છતાં, હાઈ-સ્પીડ રોડને કારણે મુસાફરીનો સમય અડધો થઈ ગયો છે. હાલમાં આ સેક્શન ટ્રાયલ રન પર હોવાથી વાહનચાલકો પાસેથી કોઈ ટોલ ટેક્સ લેવામાં આવી રહ્યો નથી, જેનો અર્થ છે કે હાલ મુસાફરી તદ્દન નિ:શુલ્ક છે.
મુસાફરોનો પ્રતિસાદ: ‘સપના જેવી સફર’
એક્સપ્રેસવે પરથી પસાર થયેલા મુસાફરો રસ્તાની ગુણવત્તા જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. એક મુસાફરે જણાવ્યું કે, “અમને લાગતું જ નથી કે અમે ભારતના રસ્તાઓ પર ગાડી ચલાવી રહ્યા છીએ. રસ્તો એટલો સ્મૂધ છે કે ગોધરા ક્યારે આવી ગયું તેની ખબર પણ ના પડી.” NHAI ના અધિકારીઓના મતે, ટ્રાયલ સફળ રહ્યા બાદ ટૂંક સમયમાં આ સેક્શનને વિધિવત રીતે સંપૂર્ણ શરૂ કરવામાં આવશે.
