WhatsApp New Privacy Feature: મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp હવે યુઝર્સની ગોપનીયતા (Privacy) ને ધ્યાનમાં રાખીને એક ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહ્યું છે. કંપની એક એવી સુવિધા પર કામ કરી રહી છે, જેમાં મેસેજ વંચાયા બાદ આપમેળે ગાયબ થઈ જશે. આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે વરદાન સાબિત થશે જેઓ પોતાની ચેટને સુરક્ષિત અને ખાનગી રાખવા માંગે છે.
સ્નેપચેટની જેમ કામ કરશે નવું ફીચર
હાલમાં WhatsApp પર ‘ડિસઅપીયરિંગ મેસેજ’નો વિકલ્પ છે, પરંતુ નવું ફીચર તેનાથી અલગ હશે. અત્યાર સુધી મેસેજ ગાયબ થવા માટે ચોક્કસ દિવસો (જેમ કે 24 કલાક, 7 દિવસ) સેટ કરવા પડતા હતા, પરંતુ નવી સુવિધામાં અન્ય યુઝર મેસેજ વાંચશે કે તરત જ તે ડિલીટ થઈ જશે. આ સુવિધા લોકપ્રિય એપ સ્નેપચેટની જેમ જ કાર્ય કરશે. એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં આ અપડેટ જોવા મળી છે અને ટૂંક સમયમાં તે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.
પર્સનલ અને ગ્રુપ ચેટમાં કસ્ટમાઇઝેશન
અહેવાલો અનુસાર, આ ફીચર વ્યક્તિગત ચેટની સાથે ગ્રુપ ચેટમાં પણ ઉપલબ્ધ હશે. યુઝર્સ પોતાની મરજી મુજબ મેસેજ ગાયબ થવાનો સમય કસ્ટમાઇઝ કરી શકશે. અનુમાન છે કે જેવો મેસેજ ઓપન થશે, તેવું જ તેનું ટાઈમર શરૂ થઈ જશે. જોકે, આ ફીચર અત્યારે ડેવલપમેન્ટ સ્ટેજ પર છે, તેથી તેને ગ્લોબલ રોલઆઉટ થવામાં થોડો સમય લાગી શકે છે.
નંબર આપવાની જરૂર નથી, ‘યુઝરનેમ’થી કામ ચાલશે
પ્રાઇવસીના ક્ષેત્રમાં બીજો મોટો ફેરફાર ‘યુઝરનેમ‘ ફીચર છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની જેમ હવે WhatsApp પર પણ યુઝર્સ પોતાનું યુનિક યુઝરનેમ સેટ કરી શકશે. આનાથી ફાયદો એ થશે કે જો તમારે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરવી હોય, તો તમારે તમારો પર્સનલ મોબાઈલ નંબર શેર કરવાની જરૂર નહીં પડે. માત્ર યુઝરનેમ આપીને પણ સંપર્ક કરી શકાશે, જેનાથી તમારો નંબર ખાનગી રહેશે.
આ પણ વાંચો: શું AI ના કારણે 2030 સુધીમાં ભારતનું IT સેક્ટર ડૂબી જશે? TCS ના CEO એ આપ્યો ચોખ્ખો જવાબ
આ પણ વાંચો: સાયબર ઠગથી બચવા માટે વરદાન છે ‘ચક્ષુ પોર્ટલ’, શંકાસ્પદ કોલ કરનારનો મોબાઈલ જ થઈ જશે બ્લેકલિસ્ટ

