વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેલંગાણાની મુલાકાતે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરશે અને તેલંગાણામાં રૂ. 11,300 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. આ સાથે તેઓ હૈદરાબાદની મુલાકાત દરમિયાન પરેડ ગ્રાઉન્ડમાં એક મોટી જનસભાને પણ સંબોધિત કરવાના છે. તેઓ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) બીબીનગર અને હૈદરાબાદ નજીક પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
પીએમ મોદી સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ પણ કરશે અને રેલ્વે સંબંધિત અન્ય વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેલંગાણાના સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનનો 720 કરોડ રૂપિયાના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવશે. તેનું આયોજન એવી રીતે કરવામાં આવી રહ્યું છે કે તેને વિશ્વકક્ષાની સુવિધાઓથી સજ્જ એક ખૂબ જ સુંદર રેલવે સ્ટેશન તરીકે જોવામાં આવશે.
વડા પ્રધાન 8 એપ્રિલે સવારે 11.45 વાગ્યે સિકંદરાબાદ રેલવે સ્ટેશન પહોંચશે અને સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન IT સિટી, હૈદરાબાદને ભગવાન વેંકટેશ્વરના નિવાસસ્થાન તિરુપતિ સાથે જોડે છે. ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં તેલંગાણાથી શરૂ થનારી આ બીજી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન બંને શહેરો વચ્ચેના મુસાફરીના સમયમાં લગભગ સાડા ત્રણ કલાકનો ઘટાડો કરશે અને ખાસ કરીને યાત્રાળુઓ માટે ફાયદાકારક રહેશે. ત્યારબાદ, લગભગ 12:15 વાગ્યે, પરેડ ગ્રાઉન્ડ, હૈદરાબાદ ખાતે જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ હૈદરાબાદના એઈમ્સ બીબીનગરનો શિલાન્યાસ કરશે. તેને 1,350 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન રૂ. 7,850 કરોડથી વધુના મૂલ્યના પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તેઓ સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે અને રેલ્વે સંબંધિત અન્ય વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે. તેલંગાણાના પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તામિલનાડુના પ્રવાસે પણ જશે. જ્યાં તેઓ બપોરે 3 વાગ્યે ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ (ફેઝ-1)નું ઉદ્ઘાટન કરશે. તેને 1260 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે.
સાંજે 4 વાગ્યે, વડા પ્રધાન ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત એક્સપ્રેસને એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર એક કાર્યક્રમમાં લીલી ઝંડી બતાવશે. કાર્યક્રમ દરમિયાન તેઓ રેલવેના અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને લોકાર્પણ પણ કરશે. સાંજે 4:45 વાગ્યે, વડા પ્રધાન ચેન્નાઈમાં શ્રી રામકૃષ્ણ મઠની 125મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેશે. સ્વામી રામકૃષ્ણાનંદે 1897માં ચેન્નાઈમાં શ્રી રામકૃષ્ણ મઠની શરૂઆત કરી હતી. સાંજે 6:30 વાગ્યે, વડા પ્રધાન ચેન્નાઈના એલ્સ્ટ્રોમ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જાહેર સમારોહની અધ્યક્ષતા કરશે, જ્યાં તેઓ આશરે રૂ. 3,700 કરોડના રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
