Bhavnagar News : PM મોદી આજે(20 સપ્ટેમ્બર) ગુજરાતની મુલાકાતે છે. ભાવનગરમાં રોડ શો બાદ જવાહર મેદાન પહોંચ્યા હતા, જ્યાં તેમનું ધારાસભ્યો અને મંત્રીઓએ માતાજીની ચૂંદડી અને ચાંદીના ગરબાથી સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ વડાપ્રધાને ભાવનગર સહિત રાજ્યના 27000 કરોડ મળી દેશના કુલ 1 લાખ કરોડનાં વિકાસકામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સભા સંબોધતાં તેમણે કહ્યું હતું કે આપણો સૌથી મોટો દુશ્મન બીજા પર નિર્ભરતા, ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવાં પડશે.
જવાહર મેદાનમાં સભાને સંબોધન કર્યા બાદ તેઓ અમદાવાદ જિલ્લાના લોથલ જવા રવાના થયા હતા, જ્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યારસુધી તૈયાર થયેલાં કામનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ લોથલમાં હવામાન ખરાબ હોવાથી તેમનું હેલિકોપ્ટર ઉડી શક્યું નહોતું. જેથી તેઓ બાય રોડ 100 કિમીનું અંતર કાપી અમદાવાદ આવ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા.
‘ભાવનગરવાળાએ તો વટ પાડી દીધો’
સંબોધનનો પ્રારંભ કરતા PM મોદીએ કહ્યું કે, ભાવનગરવાળાએ તો વટ પાડી દીધો છે. ભાવનગર અને ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. 17 સપ્ટેમ્બરે તમે બધાએ પોતાના નરેન્દ્રભાઈને જન્મ દિવસે જે શુભકામનાઓ મોકલી છે, દેશ-દુનિયાએ જે શુભકામના આપી છે. તે આશીર્વાદ અને પ્રેમ મારી મોટી તાકાત છે. હું જાહેરમાં દેશ-દુનિયાના તમામ મહાનુભાવોનો હ્રદયથી આભાર માનુ છું.’હું સૌથી પહેલાં કૃષ્ણ કુમારસિંહજીનું સ્મરણ કરું છું’
નવરાત્રિ પર્વ અને પછી દિવાળી તહેવારો આવશે. આ દિવાળીએ સ્વદેશી વસ્તુઓ ખરીદીશું. સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપીશું એવો મને વિશ્વાસ છે. જન્મ દિવસ નિમિત્તે અનેક શહેરોમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યા અને ગુજરાતમાંથી 1 લાખ યુનિટ બ્લડ એકત્ર કર્યું, આ એક મોટી વાત છે. હું સૌથી પહેલાં કૃષ્ણ કુમારસિંહજીનું સ્મરણ કરું છું, સરદાર સાહેબના મિશન સાથે જોડાઈને ભારતની એકતા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું. આજે આવા જ મહાન દેશભક્તોની પ્રેરણાથી ભારતની એકતાને મજબૂત કરી રહ્યા છીએ.
‘ભાવનગરના ભાઈઓ મને માફ કરજો’
જીએસટી ઘટાડતા દિવાળી તહેવારમાં બજારમાં રોનક રહેવાની છે. ભાવનગરના ભાઈઓ મને માફ કરજો મારે હિન્દીમાં એટલે બોલવું પડે છે કે, આમા દેશભરના લોકો જોડાયેલા છે એટલે આપની ક્ષમા માંગીને હિન્દીમાં ભાષણ કરવું પડશે.
બીજા દેશો પરની નિર્ભરતા આપણો સૌથી મોટો દુશ્મન
આજે મુંબઈમાં ઇન્ટરનેશનલ ક્રુઝ ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ વિકાસના અનેક પ્રોજેક્ટ શરૂ થયા છે. ભારત વિશ્વબંધુની ભાવનાથી આગળ વધી રહ્યું છે. દુનિયામાં આપણું કોઈ દુશ્મન નથી. કોઈ આપણું દુશ્મન હોય તો વાસ્તવમાં તે બીજા દેશો પર આપણી નિર્ભરતા, એ જ આપણો સૌથી મોટો દુશ્મન છે. આપણે મળીને ભારતના દુશ્મનને હરાવવો પડશે. મારે આ વાત હંમેશા પુનરાવર્તિત કરવી છે. જેટલી બીજા દેશો પર નિર્ભરતા એટલી દેશની નિષ્ફળતા.બીજા પર આશ્રિત રહીશું તો આત્મસન્માન ઘવાશે.
140 કરોડ દેશવાસીઓના ભવિષ્યને બીજા પર ન છોડી શકીએ, દેશના વિકાસના સંકલ્પને બીજા પર નિર્ભરતા પર નહીં છોડી શકીએ, દેશની ભાવિ પેઢીના ભવિષ્યને દાવ પર ન લગાવી શકીએ. ગુજરાતીમાં કહે 100 દુખની એક દવા, 100 દુખની એક જ દવા આત્મનિર્ભર ભારત…આત્મનિર્ભર ભારત. તેના માટે પડકારો સામે ટકરાવું પડશે. બીજા દેશો પર નિર્ભરતા સતત ઘટાડવી પડશે. ભારતને આત્મનિર્ભર બનીને દુનિયા સામે મજબૂતીથી ઉભું થવું પડશે.શિપ બિલ્ડિંગ કોંગ્રેસની નીતિઓનું શિકાર બની ગયું
ભારતમાં સામર્થ્યની કોઈ ખોટ નથી. આઝાદી પછી કોંગ્રેસે ભારતના દરેક સામર્થ્યની અવગણના કરી. જેના આપણે હક્કદાર હતા તે ભારત આઝાદીના 6-7 દાયકા પછી પણ એ સફળતા હાંસલ ન કરી શક્યું . તેના બે મોટા કારણ રહ્યા, લાંબા સમય સુધી કોંગ્રેસે દેશને લાઇસન્સ રાજમાં ફસાવી રાખ્યું. જ્યારે ગ્લોબલલાઇઝેશનનો સમય આવ્યો ત્યારે માત્ર ઇમ્પોર્ટ પર જ ભાર આપ્યો અને લાખો કરોડોના ગોટાળા કર્યાં.
ભારતની અસલી તાકાતને આ નીતિઓએ સામે આવતા રોકી દીધી. સાથીઓ દેશનું કેટલું નકુસાન થયું છે તેનું સૌથી મોટું ઉદાહરણ શિપિંગ સેક્ટર છે. ભારત સદીઓથી દુનિયાની એક મોટી સમુદ્રી શક્તિ હતું. આપણે શિપબિલ્ડિંગનું સૌથી મોટું કેન્દ્ર હતા. માત્ર એટલું જ નહીં, 50 વર્ષ પહેલાં પણ ભારતમાં બનેલા જહાજનો ઉપયોગ કરતા હતા. એ જમાનામાં ભારતનું 40 ટકા ઇમ્પોર્ટ-એક્સપોર્ટ દેશમાં બનેલા જહાજમાં થતું હતું. ત્યાર પછી શિપ બિલ્ડિંગ કોંગ્રેસની નીતિઓનું શિકાર બની ગયું. કોંગ્રેસે જહાજ નિર્માણ પર ભાર આપવાને બદલે વિદેશી જહાજોને ભાડા આપવાનું યોગ્ય સમજ્યું, જેથી શિપબિલ્ડિંગ ઇકો સિસ્ટમ ઠપ થઈ ગઈ. વિદેશી જહાજો પર નિર્ભરતા આપણી મજબૂરી બની ગઈ.
‘ભારત વર્ષે 6 લાખ કરોડ રૂપિયા વિદેશી શિપિંગ કંપનીઓને ભાડા પેટે આપે છે’
હું આજે થોડા આંકડા તમારી સામે રાખવા માગું છું. દેશવાસી જાણીને હેરાન થઈ જશે, આજે ભારત વર્ષે 6 લાખ કરોડ રૂપિયા વિદેશી શિપિંગ કંપનીઓને ભાડા પેટે આપે છે. આ રકમ ડિફેન્સ બજેટ છે એટલી છે. તમે કલ્પના કરો, 7 દાયકામાં ભાડાના રૂપમાં બીજા દેશોને રૂપિયા આપ્યા છે. આપણા પૈસાથી વિદેશોમાં લાખો રોજગારી ઉભી થઈ છે.
જો આટલા બધા પૈસાનો એક નાનો હિસ્સો પણ આપણી શિપિંગ ઇન્ડસ્ટ્રી પર લગાવતી તો દુનિયા આપણા જહાજનો ઉપયોગ કરતી હોત. આપણને લાખો રૂપિયા શિપિંગ સર્વિસ પેટે મળતા હોત અને આપણા બચી જાત એ અલગ. સાથીઓ જો ભારતને 2047માં દેશની આઝાદીના 100 વર્ષ થશે ત્યાં સુધીમાં વિકસિત થવું હોય તો આત્મનિર્ભર બનવું જ પડશે. આત્મનિર્ભર બન્યા સિવાય કોઈ વિકલ્પ નથી. 140 કરોડ દેશ વાસીઓનો એક જ સંકલ્પ હોવો જોઇએ. ચિપ હોય કે શિપ આપણે ભારતમાં જ બનાવવા પડશે. આ જ વિચાર સાથે મેરિટાઇમ સેક્ટર પણ રિફોર્મ કરવા જઇ રહ્યું છે.
વન નેશન વન ડોક્યુમેન્ટ, વન નેશન વન પોર્ટ પ્રોસેસ વેપારને વધુ સરળ બનાવશે. તાજેતરમાં અમારા મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું કે, ચોમાસું સત્રમાં આવા જૂના કાયદા બદલ્યા છે, આ કાયદા અંગ્રેજોના જમાનાથી ચાલતા આવતા હતા. અમારી સરકારે 5 મેરિટાઇમ કાયદાને નવા અવતારમાં દેશ સામે રાખ્યા છે. આ કાયદાથી શિપિંગ સેક્ટરમાં પોર્ટ ગવર્નન્સમાં મોટું પરિવર્તન આવશે.
મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂપમાં માન્યતા આપી
તમે INS વિક્રાંત અંગે સાંભળ્યું હશે. આ ભારતમાં જ બન્યું છે. તેને બનાવવામાં જે હાઇ ક્વોલિટી સ્ટીલ હતું એ ભારતમાં જ બન્યું હતું. મોટા શિપ બનાવવા માટે જે રાજકીય ઇચ્છા શક્તિની જરૂર છે તેનો દેશવાસીઓને ભરોસો આપું છું. દેશના મેરિટાઇમ સેક્ટરને મજબૂત કરવા કાલે જ એક મોટો પોલિસી ચેન્જ કર્યો છે. હવે સરકારે મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રૂપમાં માન્યતા આપી છે, જ્યારે કોઈ સેક્ટરને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માન્યતા મળે છે ત્યારે મોટો ફાયદો થાય છે. હવે વિદેશમાંથી લોન પણ મળશે. ફાયનાન્સના તમામ લાભ જહાજ બનાવનારી કંપનીઓને મળશે. આ નિર્ણયથી શિપિંગ કંપનીઓ પર પડનારો બોજ ઘટશે. ગ્લોબલ સ્પર્ધામાં મદદ મળશે. દુનિયાની મોટી સમુદ્રી શક્તિ બનાવવા માટે ત્રણ મોટી સ્કીલ પર સરકાર કામ કરી રહી છે. આ ત્રણ યોજનાથી શિપબિલ્ડિંગને મદદ મળશે.
શિપ બિલ્ડિંગ તમામ ઉદ્યોગોની જનનની છે
2007માં હું મુખ્યમંત્રી હતો ત્યારે શિપબિલ્ડિંગને લઈ એક મોટો સેમિનાર કર્યો હતો. તે દરમિયાન શિપ બિલ્ડિંગ ઇકો સિસ્ટમને સપોર્ટ કર્યો હતો. અહીં હાજર એક્સપર્ટ્સ જાણે છે કે, શિપ બિલ્ડિંગ સાધારણ ઇન્ડસ્ટ્રી નથી, દુનિયામાં તેને તમામ ઉદ્યોગોની જનનની કહેવામાં આવે છે, કારણ કે માત્ર જહાજ નથી બનતું તેની સાથે સંકળાયેલા ઉદ્યોગોનો વિસ્તાર થાય છે. MSMEને ફાયદો થાય છે,
આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ
આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત
આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત
