Surendranagar News/ ચોટીલાની ચેષ્ટા હોસ્પિટલમાં SOGના નામે રેડ : હોસ્પિટલમાં ગર્ભ પરિક્ષણ થાય છે કહીને 55 લાખ માંગ્યા, મહિલાનું અપહરણ કર્યું

પોલીસે આ વીડિયોને પુરાવા તરીકે લઈ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

Gujarat

Surendranagar News : સુરેન્દ્રનગરના ચોટીલામાંએક હોસ્પિટલમાં જઈને હોસ્પિટલમાં ગર્ભ પરિક્ષણ થાય છે કહીને બે શખ્સોએ 55 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે સંચાલકે વ્યવસ્થા ન હોવાનું જણાવતાં મહિલા સંચાલકનું અપહરણ કરીને નીકળ્યા હતા, પરંતુ વચ્ચે ચોટીલા પોલીસ આવી જતા ભાંડો ફૂટ્યો હતો. આ બનાવની વિગત મુજબ ચોટીલાની ચેષ્ટા હોસ્પિટલમાં ગાંધીનગર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ના નામે બે શખસે રેડ પાડીને સ્ટાફ અને સંચાલકને હોસ્પિટલમાં ગર્ભપરીક્ષણ થતું હોવાનું જણાવીને ધમકાવ્યા હતા. આટલું જ નહીં, એક પ્રેગ્નન્ટ મહિલાને બોલાવીને વીડિયો પણ બનાવ્યો હતો અને મામલો થાળે પાડવા 55 લાખની માગણી કરી હતી,

આ કેસની વિગત મુજબ ગઇકાલે (તારીખ-15/07/2025)ના રોજ ચોટીલાની ચેષ્ટા હોસ્પિટલ ખાતે રણજિતસિંહ મોરી અને પ્રદીપસિંહ પરમાર નામના બે શખસ આવ્યા હતા અને પોતાની ઓળખ ગાંધીનગર SOGના અધિકારીઓ તરીકેની આપી હતી. એ બાદ સ્ટાફ સાથે રકઝક થતાં હોસ્પિટલના મહિલા સંચાલક દોડી આવ્યાં હતાં. આ દરમિયાન એક પ્રેગ્નન્ટ મહિલા અને અન્ય એક શખસ આવ્યાં હતાં. જે પ્રેગ્નન્ટ મહિલાએ પોતાનું ગર્ભપરીક્ષણ અહીં કરાવ્યું હોવાનું જણાવી મહિલા સંચાલક સાથે વીડિયો બનાવ્યો હતો.આ બાદ રણજિતસિંહ મોરીએ મામલો થાળે પાડવાના પ્રથમ 55 લાખ માગ્યા હતા અને બાદમાં 40 લાખ સુધી આવ્યો હતો,

પરંતુ હોસ્પિટલનાં મહિલા સંચાલકે આટલા રૂપિયા ન હોવાનું જણાવતાં આ શખસોએ મહિલા સંચાલકનું અપહરણ કર્યું હતું અને એક હોટલમાં લઇ ગયા હતા. જ્યાં મહિલા સંચાલકે તેના પાર્ટનરને રૂપિયાની વ્યવસ્થા કરવા ફોન કર્યો હતો. આ બાદ ત્યાંથી નીકળીને અન્ય સ્થળે જતા હતા, આ દરમિયાન વચ્ચે ચોટીલા પોલીસ ભટકાઇ ગઇ હતી. જેમણે મહિલાને આ શખસોની ચુંગાલમાંથી છોડાવી હતી. હાલ પોલીસે મહિલાની ફરિયાદના આધારે આ બંને શખસની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય વીડિયો બનાવનાર પ્રેગ્નન્ટ મહિલા અને તેની સાથે આવેલા શખસની શોધખોળ હાથ ધરી છે.

મહત્ત્વનું છે કે આ ઘટનામાં મુખ્ય આરોપી રણજિતસિંહ મોરી રાજ્ય આરોગ્યકર્મચારી મહાસંઘનો પ્રમુખ છે અને ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગમાં એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે થયેલા આરોગ્યકર્મચારીઓના રાજ્યવ્યાપી આંદોલનમાં તેની મુખ્ય ભૂમિકા રહી હતી.

આ સમગ્ર ઘટના અંગે ચોટીલાની ચેસ્ટા હોસ્પિટલનું સંચાલન કરતાં ફરિયાદી મહિલા રમાબેન બડમલિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલના સ્ટાફમાંથી એક છોકરી દોડીને મારા ઘરે આવી હતી અને મને કહેલું હોસ્પિટલમાં પારસભાઈ સાથે કોઈ ઝઘડો કરે છે, પારસ મારો ભાણેજ છે અને તે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ સાથે મદદમાં રહે છે, જેથી હું ઝડપથી અમારી હોસ્પિટલે ગઇ તો ત્યાં અંદર બે લોકો મારા ભાણેજ સાથે ઝપાઝપી કરતા હતા. મારા ભાણેજ સાથે ઝપાઝપી કરતાં બંને શખસને મેં પૂછ્યું કે તમે કોણ છો? તો એક ભાઈએ મને કહ્યું કે અમે ગાંધીનગર SOGમાંથી આવીએ છીએ, મારું નામ રણજિતસિંહ મોરી છે અને મારી સાથે અમારી ટીમના કર્મચારી પ્રદીપસિંહ પરમાર છે, એમ કહી આ રણજિતસિંહે તેમનું આઇ.ડી.કાર્ડ મને બતાવેલું, જોકે હું આઈ.ડી. કાર્ડ જોવું એ પહેલાં તેણે ખિસ્સામાં મૂકી દીધું હતું.

આ દરમિયાન એક પ્રેગ્નન્ટ મહિલા અને એક અન્ય શખસ આવ્યાં હતા. તેઓ આવતાં રણજિતસિંહે મને પૂછ્યું કે તમારી ઓફિસમાં સીસીટીવી છે? મેં ના પાડતાં એ બધા મારી ઓફિસમાં આવીને બેઠા હતા અને મારો ફોન તેમણે લઇ લીધો હતો. આ બાદ રણજિતસિંહે આવેલી પ્રેગ્નન્ટ મહિલાને મારી બાજુમાં ઊભા રાખી અને વીડિયો બનાવ્યો હતો, જેમાં એ પ્રેગ્નન્ટ મહિલા અહીં 17 હજાર રૂપિયામાં તેનું ગર્ભપરીક્ષણ થયું હોવાનું જણાવ્યું હતું. આ બાદ રણજિતસિંહે મને કહેલું કે આટલો પુરાવો તો અમારા મારે કાફી છે.

આ બાદ રણજિતસિંહ મોરીએ મને કહ્યું હતું કે તમારી હોસ્પિટલના સ્ટાફે અમારી સાથે ગેરવર્તન કર્યું છે. બધાની સામે નોનબેલેબલ વોરંટ નીકળશે અને તમે બધા જેલના સળિયા ગણતા થઇ જશો. મેં આજીજી કરી કે સાહેબ સ્ટાફની ભૂલ થઇ ગઇ, માફ કરી તો આ રણજિતસિંહ મોરીએ બધું પતાવવા માટે મારી પાસે રૂપિયા 55 લાખની માગણી કરી હતી, જોકે મેં કહ્યું, સાહેબ આટલા રૂપિયા મારી પાસે ક્યાંથી હોય. બાદમાં રણજિતસિંહ મોરી 45 લાખ અને છેલ્લે 40 લાખ સુધી આવ્યો હતો. જોકે મારી પાસે રૂપિયા ન હોવાથી રણજિતસિંહ અને પ્રદીપસિંહ મને પોલીસ સ્ટેશન લઇ જઇએ છીએ એવું કહીને પોતાની ક્રેટા ગાડીમાં બેસાડીને નીકળ્યા હતા.આ દરમિયાન ચોટીલા-અમદાવાદ હાઇવે રોડ ઉપર આયા બોર્ડથી આગળ દ્વારકાધીશ હોટલ પર રણજિતસિંહે નાસ્તો કર્યો હતો અને મને પૈસાની વ્યવસ્થા કરવા કહ્યું હતું,

જેથી મેં મારા પાર્ટનર મુન્નાભાઇને ફોન કર્યો હતો. આ બાદ આ લોકો મને ત્યાંથી ફરીથી પોતાની ગાડીમાં લઇને નીકળ્યા હતા અને મને ફરીથી ફોન કરવા રહ્યું હતું, જોકે મારા પાર્ટનરે પોલીસને સમગ્ર હકીકત જણાવી દીધી હતી. આ બાદ દ્વારકાધીશ હોટલ અને ચોટીલા બાજુના પુલ પાસે ચોટીલા પોલીસ ઊભી હતી, જેમણે આ કાર રોકાવીને પૂછપરછ કરતાં મેં તમામ હકીકત જણાવી હતી, જેથી ચોટીલા પોલીસ અમને પોલીસ સ્ટેશન લઇને આવી હતી. મેં અહીં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

આ અંગે ચોટીલા પી.આઈ. આર.એમ.સંઘાડાએ જણાવ્યું હતું કે આરોપીઓ હોસ્પિટલમાં ઘૂસીને પોતાના મોબાઈલનો કેમરો ચાલુ રાખી વીડિયો શૂટિંગ કરીને SOGએ રેડ પાડી હોય એવો માહોલ ઊભો કર્યો હતો. આરોપીઓના મોબાઈલમાં ચેષ્ટા હોસ્પિટલના શૂટિંગનો વીડિયો મળી આવ્યા છે, જેમાં તે કહી રહ્યો છે કે તેની સાથેની વ્યક્તિ SOGનો કર્મચારી છે અને તમારી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ થાય છે, હાલ પોલીસે આ વીડિયોને પુરાવા તરીકે લઈ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કવાંટ ખાતે ભરાયો વિશ્વપ્રસિદ્ધ ગેરનો મેળો, ગુજરાત-મધ્ય પ્રદેશના આદિવાસીઓ મેળામાં કરે છે પરંપરાગત નૃત્ય

આ પણ વાંચો:છેલ્લા 4 વર્ષમાં આદિવાસી વિસ્તારના 2048થી વધુ તાલીમાર્થીઓ પગભર બન્યા

આ પણ વાંચો:કાયદાની ઐસી કી તૈસી, વલસાડના કપરાડા તાલુકામાં આદિવાસી યુવતીઓ નાની વયે બને છે માતા