Arvalli news/ અરવલ્લીમાં પશુપાલકોનું ત્રીજા દિવસે પણ ઉગ્ર આંદોલન : દૂધ ઢોળીને વિરોધ કર્યો, તંત્રની નનામી કાઢી

Arvalli News : અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનું દૂધ આંદોલન ત્રીજે દિવસે પણ ચાલુ રહ્યું છે. બીજીતરફ ઉશ્કેરાયેલા પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો. તે સિવાય સાબર ડેરી વહીવટી તંત્રની નનામી કાઢી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ આંદોલનના ભાગરૂપે જિલ્લાની તમામ દૂધ મંડળીઓમાં દૂધ ભરાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ડેરીના દૂધ સંગ્રહ […]

Gujarat

Arvalli News : અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનું દૂધ આંદોલન ત્રીજે દિવસે પણ ચાલુ રહ્યું છે. બીજીતરફ ઉશ્કેરાયેલા પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો. તે સિવાય સાબર ડેરી વહીવટી તંત્રની નનામી કાઢી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ આંદોલનના ભાગરૂપે જિલ્લાની તમામ દૂધ મંડળીઓમાં દૂધ ભરાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ડેરીના દૂધ સંગ્રહ અને વિતરણ પર ગંભીર અસર પડી રહી છે.સાબર ડેરીમાં દૂધના ભાવફેરના મુદ્દે અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનું આંદોલન આજે ત્રીજા દિવસે પણ ઉગ્ર બન્યું છે.

હિંમતનગર ડેરી ખાતે થયેલા વિરોધપ્રદર્શન દરમિયાન પશુપાલકો પર થયેલી પોલીસ ફરિયાદ અને પોલીસ સાથેના ઘર્ષણના વિરોધમાં પશુપાલકોએ પોતાની લડતને વધુ તેજ બનાવી છે.આ આંદોલનના ભાગરૂપે અરવલ્લી જિલ્લાની તમામ દૂધ મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરાવવાનું બંધ રાખ્યું છે. સવારથી જ દૂધ મંડળીઓ આગળ મોટી સંખ્યામાં એકઠા થયેલા પશુપાલકો પોતાના ઘરેથી લાવેલું દૂધ મંડળી આગળ જ ઢોળીને સાબર ડેરીના વહીવટી તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે.આંદોલનકારી પશુપાલકોએ વિરોધની અનોખી રીતો અપનાવી છે, જેમાં મંડળીઓ આગળ મોટી સંખ્યામાં એકઠા થયેલા પશુપાલકોએ વાંટા રામપુર ગામે દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

જ્યારે ઇસરોલ અને ઉમેદપુર ગામમાં સ્થાનિકો અને ખાસ કરીને મહિલાઓએ સાબર ડેરી વહીવટી તંત્રની નનામી બનાવીને સ્મશાનયાત્રા કાઢી હતી. ત્યાર બાદ ગામના ચોરે આ નનામીનું દહન કરીને પોતાનો તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. પશુપાલકોની મુખ્ય માગણી દૂધના ભાવફેરના મુદ્દે વાજબી નિર્ણય લેવાની અને તેમના પર થયેલી પોલીસ કાર્યવાહી પાછી ખેંચવાની છે.અલ્પેશભાઈ ચીમનભાઈ પટેલએ જણાવ્યું હતું કે હું 15 વર્ષથી પશુપાલન સાથે સંકળાયેલો છો. જે દૂધના ભાવની તકલીફ થઈ રહી છે એ ના થવી જોઈએ. સરકાર આ મામલે નિરાકરણ લાવે એવી માગ છે.

આંબલિયા ડેરીની મહિલાઓએ જણાવ્યું હતું કે અમે એટલો જ હક માગીએ છીએ કે દૂધનો ભાવ 20થી 25 ટકા નફા સાથે જોઈએ. તમે અમારા તબેલામાં આવો અને જુઓ કે અમે કંઈ રીતે પોદરા ભરીએ છીએ, કંઈ રીતે અમે શાળ વાઢીને લાઈએ છીએ, કંઈ રીતે માથે ભારો લાઈએ છીએ, એ તમે એક દિવસ આવીને જુઓ.સાબર ડેરી અને પશુપાલકોના વિવાદમાં આજે ત્રણ-ત્રણ દિવસથી દૂધ બંધ છે. જે મધ્યમવર્ગના પશુપાલકો છે તેમને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે, કેમ કે દૂધના દર દસ દિવસે જે પૈસા મળે એમાંથી ઘરનું સંચાલન થતું હોય છે.

અરવલ્લી જિલ્લામાં પશુપાલકો વધુ ઉગ્ર બન્યા છે, આજરોજ બપોરે 1 વાગ્યાના સુમારે મેઘરજ તાલુકાના લીંબોદરા અને રામગઢી ગામની દુધ મંડળીના ભરેલા દૂધના કેન લઈ એક ટેમ્પો ચાલક મેઘરજ નગરમાંથી પસાર થતો હતો, એ સમયે મેઘરજ તાલુકાના પશુપાલકો મેઘરજના માલપુર ત્રણ રસ્તા પાસે ટેમ્પો રોકીને તમામ કેન ઊંધા વાળીને દૂધ રોડ પર ઢોળી દીધું હતું અને રસ્તા પર દુધની નદીઓ વહી હતી. આમ ના માત્ર દૂધ મંડળી પર પશુપાલકોનો રોષ છે પણ મેઘરજ નગરના જાહેર રસ્તે પણ દૂધનો વિરોધ જણાયો હતો.

ચિથારા મહાદેવ દૂધ મંડળી સેક્રેટરી કટારા બિપીનભાઈ લીંબાભાઈએ જણાવ્યું કે, અમારી માગણી એવી છે કે, અમારા પશુપાલકોને 9 ટકા જે ભાવ આપેલો છે તે અમને કોઈને પરવળતો નથી, અમારે 20થી 25 ટકા પુરેપૂરુ હોય તો ભાવફેર કરો. અને જે અમારે હિંમતનગરમાં જે રેલીમાં ગયેલા એક માણસ મૃત્યું પામેલ એનું કોઈ નિરાકરાણ હજુ સુધી આવ્યું નથી, એને ન્યાય મળવો જોઈએ. ન્યાય ના મળે ત્યાં સુધી અરવલ્લીનું દૂધ શામળાજી અને હિંમતનગર પહોંચે નહીં.

જ્યારે ડેરીમાં દૂધ નહીં ભરાતાં જે શહેરી વિસ્તારોમાં સાબર ડેરી દ્વારા પેશ્યુરાઇઝ કરેલા દૂધની થેલીઓ આવે છે એ પણ આજથી બંધ થઈ છે. ત્યારે જો હજુ દૂધ ના આવે તો કાલથી સવારની ચા બંધ થઈ શકે છે. જો આંદોલન બંધ નહીં થાય તો જ્યારે દૂધ પર નભતાં નાનાં ભૂલકાં પણ દૂધ વગર ટળવળે એવી સ્થિતિ નિર્માણ થાય એમ છે.

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના હજારો પશુપાલકો માટે જીવનનિર્વાહનું મુખ્ય સાધન અને કામધેનુ સમાન ગણાતી સાબર ડેરી સામે ભાવફેરના મુદ્દે છેલ્લા ત્રણ દિવસથી આ લડત ચાલી રહી છે. પશુપાલકોનો રોષ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બને એવી શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કવાંટ ખાતે ભરાયો વિશ્વપ્રસિદ્ધ ગેરનો મેળો, ગુજરાત-મધ્ય પ્રદેશના આદિવાસીઓ મેળામાં કરે છે પરંપરાગત નૃત્ય

આ પણ વાંચો:છેલ્લા 4 વર્ષમાં આદિવાસી વિસ્તારના 2048થી વધુ તાલીમાર્થીઓ પગભર બન્યા

આ પણ વાંચો:કાયદાની ઐસી કી તૈસી, વલસાડના કપરાડા તાલુકામાં આદિવાસી યુવતીઓ નાની વયે બને છે માતા