Gujarat News : દિવાળીના તહેવારોમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તે સિવાય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ ગુજરાત પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પોલીસે શહેરીજનોને બહારગામ ફરવા જાય ત્યારે પોલીસે જાણ કરવા કહ્યું છે. પોલીસ નાનાં-મોટાં શહેરોમાં ખરીદી બજાર, ભીડભાડવાળાં સ્થળો તથા નાણાકીય લેવડ-દેવડવાળાં સ્થળોએ ચોરી, લૂંટ, સ્નેચિંગ જેવા બનાવો ન બને તેને લઈ દરરોજ પેટ્રોલિંગ કરાશે. ભાંગફોડિયા પ્રવૃત્તિ કે કોમ્યુનલ બનાવો ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ સતત ફૂટ પેટ્રોલિંગ કરશે. વાહન ચેકિંગના સમયમાં ફેરફાર કરી અલગ-અલગ સમયે અને અલગ-અલગ પોઈન્ટ ઉપર એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ આવરી લઇ વાહન ચેકિંગ હાથ ધરાશે.
દરમિયાન અમદાવાદમાં પોલીસે વાયદો કર્યો છે કે, બહાર ફરવા જાવ તો પોલીસને જાણ કરો જેથી રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરાશે. અમદાવાદ શહેરમાં તહેવારો માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સીસીટીવીથી લઈને સિક્યોરિટીને સ્ટેન્ડ ટુ સુધીનાં આયોજન કરવામાં આવ્યાં છે. અમદાવાદ શહેર પોલીસ સતત ખડેપગે રહીને શહેરીજનોના જાનમાલની સુરક્ષા કરવા માટે પ્રયાસ કરશે.

દિવાળીના તહેવારમાં લોકો પોતાનાં પરિવારજનો સાથે ફરવા માટે જાય છે, ત્યારે મોટાભાગે શહેરનાં ઘર એપાર્ટમેન્ટ ખાલી હોય છે. એટલે કે તેઓ સહપરિવાર બહારગામ જતા હોવાથી ચોરી અને અન્ય સુરક્ષા સંદર્ભના બનાવો બનતા હોય છે, તેમાં ખાસ કરીને આ વખતે શહેર પોલીસ દ્વારા આ સ્થિતિને કંટ્રોલ કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં શહેરીજનોને જો તેઓ બહારગામ જતા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે તેવાં સૂચન કર્યાં છે. એટલું જ નહીં, આ તમામ સૂચનો બાદ શહેર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. એટલું જ નહીં, અમદાવાદ શહેર પોલીસ શહેરમાં તહેવાર દરમિયાન સ્ટેન્ડ ટુ રહેશે.દિવાળી વેકેશન દરમિયાન મોટા પ્રમાણમાં લોકો વતનમાં અથવા પ્રવાસે જતા હોય છે. જેથી રજા દરમિયાન બંધ રહેનાર મકાનોની સંબંધિત સોસાયટીના સંચાલકો પાસેથી માહિતી મેળવવી. આ રહેણાક મકાનો તેમજ જે દુકાન/કોમ્પલેક્સ બંધ રહેનાર છે, તેવા વિસ્તારને આવરી લઈ સતત પેટ્રોલિંગ કરાશે અને આ સ્થળોએ ખાનગી સિક્યોરિટી બાબતે ચકાસણી કરાશે.
બેંક, આંગડિયા પેઢી, સોના ચાંદીની દુકાનો/શો રૂમ, નાણાકીય લેવડ-દેવડવાળાં સ્થળો તથા ખરીદી બજાર કે જ્યાં ભીડભાડ થતી હોય તેવાં સ્થળોએ પોલીસ સ્ટેશન ખાતેના તમામ મોટરસાઈલ, હોક બાઇક, મોબાઈલ વાહન. She ટીમનો ઉપયોગ કરી રોજે- રોજ પેટ્રોલિંગ તથા ફિક્સ પોઈન્ટ રાખવામાં આવશે.મિલકત સંબંધી ગુના કરવાવાળા હિસ્ટ્રીશીટર/ એમ.સી.આર.કાર્ડવાળા તેમજ અગાઉ પાંચ વર્ષમાં મિલકત સંબંધી ગુનામાં પકડાયેલા આરોપીઓની તપાસ કરાશે. રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી લૂંટ/ નજર ચૂકવી ચોરી અંગેના બનાવ ન બને તે માટે પેસેન્જર રિક્ષાઓનું સઘન ચેકિંગ કરાશે. દેશી-વિદેશી દારૂઓના અડ્ડા ઉપર સતત વોચ રાખી અને વેચાણ કરનારા બુટલેગરો સામે કાર્યવાહી કરાશે.

આગજનીના અકસ્માતના બનાવ ન બને તેના માટે ફટાકડા વેચાણ/ગોડાઉનનાં સ્થળોએ ચેક કરી પરવાના મુજબનો જથ્થો રાખવામાં આવ્યો છે કે કેમ? તથા ફાયર સેફ્ટી અંગેના નિયમોનું પાલન થાય છે કે કેમ? તેની ચકાસણી કરાશે. પરવાના સિવાયના ફટાકડા વેચાણ કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.હોટલ, ગેસ્ટહાઉસ, ઘાબા મુસાફરખાનાનું નિયમિત ચેકિંગ, તમામ ઉતારુઓની પથિકમાં એન્ટ્રી કરવામાં આવે, સીસીટીવી, કેમેરા ચાલુ હાલતમાં રહે તે અંગે ચકાસણી થશે. મોલ/મલ્ટિપ્લેક્સ ખાતે પ્રવેશતાં તમામ વાહનોનું એન્ટિસોટેજ ચેકિંગ, એન્ટ્રી ગેટ ઉપર પ્રવેશ કરતાઓનું યોગ્ય ચેકિંગ/ફિસ્કિંગ, એન્ટ્રી, એક્ઝિટ પોઇન્ટ તથા પાર્કિંગ સ્થળોના યોગ્ય માત્રામાં સીસીટીવી કેમેરા કાર્યરત છે કે કેમ? તેની ચકાસણી કરવી તથા તમામ સિક્યોરિટી ગાર્ડને જરૂરી માર્ગદર્શન પૂરું પડાશે. ભીડભાડવાળા સ્થળો પર તેમજ અવાવરું જગ્યાઓ, ઝૂંપડપટ્ટી, સંવેદનશીલ વિસ્તારમાં કે જે જગ્યાઓએ ભાંગફોડિયા ઇસમો તેમજ શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવશે. સમયાંતરે કોમ્બિંગ પણ કરાશે.
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન થયું હોવાથી સી.જી. રોડ અને સિંઘુભવન રોડ ઉપર 20 કે તેથી વધુ પોલીસનો બંદોબસ્ત રખાશે. દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાળી એક્શન પ્લાન ઘડી પેટ્રોલિંગ, ફિક્સ પોઇન્ટ માટે 20 વધુ પોલીસ અધિકારી, કર્મચારીઓની ફાળવણી કરાશે. ડીસીપી, એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા અલગ અલગ વિસ્તારમાં આંગડિયા પેઢી, જ્વેલર્સના વેપારીઓ સાથે મિટિંગો યોજી લૂંટ સ્નેચિંગ, નજર ચૂકવી, ચોરી અંગેના બનાવો ન બને તેના માટે માહિતગાર કરાશે. શહેરમાં આવેલી સોસાયટીના ચેરમેન/સેક્રેટરીઓ સાથે મિટિંગ યોજી CCTV કેમેરા લગાડવા સમજ કરવી તથા રાત્રી દરમિયાન ખાનગી સિક્યોરિટી ગાર્ડ એલર્ટ રહે તે અંગે સૂચના અપાશે.
દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના કારણે નાના-મોટા આગના બનાવ બનતા હોય છે. જેને ધ્યાનમાં રાખી તમામ 18 જેટલાં ફાયર સ્ટેશન ઉપર સ્ટાફ સતત 24 કલાક હાજર રહેશે. દિવાળીના તહેવાર દરમિયાન ખાસ કરીને ફટાકડાના કારણે કચરામાં અને ખુલ્લા મેદાનમાં આગ લાગવાની ઘટનાઓ વધારે બનતી હોય છે. રોકેટ કે અન્ય ફટાકડાના કારણે ઘરમાં પણ આગના બનાવો બનતા હોવાથી ફાયર બ્રિગેડની તમામ ગાડીઓને સ્ટાફને સ્ટેન્ડ ટુ રાખવાની સૂચના આપવામાં આવી છે. ઇન્ચાર્જશીટ ફાયર ઓફિસર, 2 એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 4 ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતના 100થી વધુ ફાયર બ્રિગેડના ફાયરમેન સહિતનો સ્ટાફ દિવાળીના તહેવાર દરમિયાન હાજર રહેશે.સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના અધ્યક્ષસ્થાને આંગડિયા, જ્વેલર્સ અને ડાયમંડ એસોસિયેશનના લોકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસે હીરા, ટેક્સટાઇલ અને લોકો માટે બુકલેટ પણ બનાવી છે. જેથી તહેવારના સમયે શું કરવાનું છે, શું નહીં તે અંગે માહિતી મળી રહે. પોલીસે જણાવ્યું છે કે, વતન જતા લોકો પોલીસમાં ગુપ્ત લેટર આપીને જાણ કરે. જેથી તે વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારી શકાય. સાથે જ્યાં જ્વેલર્સની દુકાનો છે ત્યાં ઈમર્જન્સી એલાર્મ ફિટિંગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. સાથે પોલીસ સુરતના હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરશે.
સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર જેમાં હીરા ઉદ્યોગ, ટેક્સટાઈલ ઉદ્યોગ, હજીરા અને જીઆઇડીસી વિસ્તાર સામેલ છે. ત્યાં હોમગાર્ડ સહિત સુરત પોલીસની અલગ અલગ ટીમ તહેનાત રહેશે. સાથે ઉદ્યોગોને પણ સૂચના આપવામાં આવી છે કે, તમામ સ્થળો પર સીસીટીવી ચાલુ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, તહેવાર દરમિયાન મોટા પ્રમાણમાં લોકો સોના-ચાંદીના દાગીના, કપડાં ખરીદતા હોય છે. તેમજ બહારથી સુરત શહેરમાં કામ અર્થે આવીને રહેતા લોકો તહેવારો દરમિયાન વતન પણ જતા હોય છે. તેઓને પગાર અને બોનસ પણ મળતું હોય છે. જેને લઈને બેંકોમાં કેશની વધારે લેવડ-દેવડ પણ થતી હોય છે. માર્કેટોમાં ખરીદીનો માહોલ પણ હોય છે. આ તમામ બાબતોને ધ્યાને લઈને તમામ પોલીસ અધિકારીઓ સાથે મળીને આંગડિયા, જ્વેલર્સ અને ડાયમંડ એસોસિયેશનના હોદ્દેદારો સાથે મિટિંગ કરી હતી.
ગતરોજ ટેક્સટાઈલ એસોસિયેશન સાથે પણ મિટિંગ કરવામાં આવી હતી.આ મિટિંગમાં ઘણી વધી બાબતો શેર કરવામાં આવી હતી. જેથી કરીને આ ધંધા સાથે સંકળાયેલા લોકો અને પોલીસ સાથે મળીને શહેરમાં સારો માહોલ રહે અને ચોરી, લૂંટ જેવા કોઈ બનાવ ન બને. ચોરી, લૂંટ વગેરે જેવા બનાવો બનતા હોય છે જેમાં કોઈની પર મેલું નાખીને અથવા તો વાહનમાંથી પેટ્રોલ ટપકે છે એવી વાતો કરીને નજર ચૂકવીને બેગ લઈને જતા હોવાના બનાવો પણ બનતા હોય છે. આ તમામ બાબતો અંગે સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત જેટલી પણ જ્વેલર્સની દુકાનો છે ત્યાં ઈમર્જન્સી એલાર્મ ફિટિંગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. લગભગ 50 ટકાથી વધુમાં લાગી પણ ગયા છે. સાથે જ પોલીસ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે. પોલીસની ટીમ આ જ્વેલર્સને ત્યાં જશે. હથિયારી પોલીસ રહેશે અને અંદર જઈને કોઈ તકલીફ નથી તે અંગે તપાસ પણ કરતા રહેશે.
વધુમાં જણાવ્યું હતું કે, આવી જ રીતે ડાયમંડ માર્કેટ તેમજ બેંકો પર પણ વોચ રાખવામાં આવી રહી છે અને જેટલી પણ માર્કેટો છે ખાસ કરીને ભાગળ તરફની માર્કેટ, ચોકસી બજાર, બરોડા પ્રિસ્ટેજ, ચૌટા બજાર સહિતની અલગ અલગ માર્કેટમાં કે જ્યાં વધુ પ્રમાણમાં ગામડાના લોકો પણ ખરીદી માટે આવતા હોય છે. આ વિસ્તારમાં અલગથી સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવશે. સાથોસાથ પબ્લિક એડ્રસ સિસ્ટમ પણ મૂકી છે. સતત પોલીસની ટીમ આ વિસ્તારમાં તહેનાત રહેશે જે સતત વોચ રાખશે અને એનાઉન્સમેન્ટ પણ કરતા રહેશે.વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત અમુક ફિક્સ પોઈન્ટ રાખ્યા છે કે જ્યાં આંગડિયાની વધારે અવરજવર થતી હોય અને તમામ લોકોને અપીલ પણ છે કે, પોલીસ અથવા કોઈપણ એજન્સી ઇન્કમટેક્સ, કસ્ટમ કે સીબીઆઈના નામે રસ્તા પર રોકીને બેગ ખોલવાનું કહે તો કોઈ બેગ ખોલે નહીં. પરંતુ પોલીસ સ્ટેશન જઈને જ બેગ ચેક કરાવવી જેથી આ પ્રકારના ચીટિંગના બનાવો ના બને.
શહેરમાં અગાઉ ઇન્કમટેક્સ અધિકારીના નામે રૂપિયા પડાવ્યા હોવાના બનાવો પણ બન્યા છે. સાથે સાથે કોઈપણ વ્યક્તિ શંકાશીલ લાગે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા લોકોને અપીલ છે. આ ઉપરાંત દુકાનો બહાર જે સીસીટીવી કેમેરા લગાડ્યા છે ત્યાં રોડ-રસ્તાઓ કવર થાય તે મુજબના સીસીટીવી લગાડવા પણ સૂચના આપવામાં આવી છે.વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, આગામી દિવાળીના તહેવારોને પગલે વડોદરા શહેર પોલીસ સુરક્ષા બાબતે કેટલાં પગલાઓ લેવામાં આવી રહ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન લોકો ખરીદી માટે માર્કેટમાં નીકળતા હોય છે, આ સમયે કેટલાંક અસામાજિક તત્ત્વો ગુનાઓ આચરતા હોય છે. જેને લઈને વડોદરા શહેરનાં તમામ પ્રવેશદ્વારો પર પોલીસની હાજરી અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત શહેરમાં રાત્રી પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત દિવસ દરમિયાન સિટી અને પીસીઆર દ્વારા પણ પેટ્રોલિંગથી સતત કરવામાં આવી રહ્યું છે. જાણીતા ગુનેગારો, હિસ્ટ્રીશીટરો, અસામાજિક તત્ત્વો ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. જેથી આવાં તત્ત્વો સક્રિય ન બને. શહેરના 2000 જેટલા ગુનેગારો ઉપર નજર રાખવામાં આવી રહી છે અને કોઈ શંકાસ્પદ લાગે ત્યારે તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તો આવાં પગલાં લેવામાં આવે છે, પણ દિવાળીના તહેવારોમાં સમાજના લોકો પણ જાગૃત રહે, તો વધુ અસરકારક રીતે પ્રિવેન્ટિવ મેજર લઈ શકાય.
તેઓએ ઉમેર્યું હતું કે, અમે જ્વેલર્સ એસોસિયેશન અને સોફ્ટવેર સાથે પણ બેઠક કરી રહ્યા છીએ અમે તેમને પણ સૂચના આપી રહ્યા છીએ કે, તમે સુરક્ષા સંબંધિત મુદ્દાઓને ધ્યાને રાખો. એમના કર્મચારીઓની મૂવમેન્ટ, એમના ગ્રાહકોની પ્રવૃત્તિઓ ઉપર ધ્યાન રાખવામાં આવે અને સીસીટીવી એક્ટિવ રાખવામાં આવે. આ બધી બાબતો અંગે એમને સતર્ક કરવામાં આવ્યા છે. દિવાળી દરમિયાન ચેઈન સ્નેચિંગ અને લૂંટ ધાડના બનાવો ના બને તે માટે જ્વેલર્સ અને ટેક્સટાઇલ માર્કેટમાં પોલીસની સતત હાજરી રહેશે અને વિજિલન્સ સોસાયટી અને સતર્ક પોલીસના અપ્રોચથી આપણે કામ કરીશું, તો વડોદરા શહેરમાં કોઈપણ ઘટના ન બને, તે માટે શહેર પોલીસ સતર્ક છે.
વડોદરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, ફટાકડાના વેચાણને લઈને 47 જેટલી અરજી આવી હતી, એમાંથી 32ને સ્થળ તપાસ કરીને સ્ટેશન ઓફિસરનો અભિપ્રાય મેળવ્યા બાદ NOC આપવામાં આવી છે. આ ઉપરાંત દિવાળીના તહેવારોમાં ફટાકડાઓના કારણે આગની ઘટનાઓ બનતી હોય છે, જેને લઈને વડોદરા શહેરના તમામ સબ ઓફિસર, સ્ટેશન ઓફિસર, ચીફ ઓફિસર સહિતનો તમામ 230 કર્મચારીનો સ્ટાફ દિવાળીના તહેવારો દરમિયાન સ્ટેન્ડ બાય રહેશે. દિવાળીના તહેવારમાં પાંચ દિવસ કોઈ પણ કર્મચારીને રજા મળશે નહીં.
રાજકોટ શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિવાળીના તહેવાર પૂર્વે તેમજ દિવાળી તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને રાજકોટવાસીઓ આનંદથી આ પર્વને માણી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, નાયબ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ઝોન 1 અને 2ના ડીસીપીની સૂચનાથી તમામ પોલીસ સ્ટેશનમાં જરૂરિયાત મુજબ બજારોમાં પેટ્રોલિંગ કરવા તેમજ અગાઉ ચોરી તેમજ લૂંટ થતા વિસ્તારો આઇડેન્ટિફાય કરી તેવી જગ્યા પર પેટ્રોલિંગ વધારી PCR વાનને સતત રાઉન્ડ લગાવવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત નાઇટ પેટ્રોલિંગ વધુ કડક રીતે કરવા તમામ પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવી છે. બહારગામ ફરવા જતા લોકોને પણ પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે, જો તેઓ બહાર જાય તો આ અંગે જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવી. જેથી પોલીસ દ્વારા જે-તે વિસ્તારમાં ખાસ વોચ રાખી પેટ્રોલિંગ ગોઠવી શકાય.
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સોશિયલ મીડિયા મારફત લોકોને અપીલ કરવામાં આવી. જેમાં ઘરફોડ ચોરીના બનાવ અટકાવવા શું કરવું? બેન્કમાંથી નાણાં હેરાફેરી કરતી વખતે શું કરવું? જ્વેલર્સના શોરૂમ માલિકો સંચાલકોએ શું કાળજી રાખવી? અને ચીલઝડપ જેવા બનાવોથી બચવા શું કરવું? વગેરે માહિતી લોકોને આપવામાં આવી છે.રાજકોટ પોલીસ દ્વારા આ તકે લોકોને અન્ય એક ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં સાયબર ફ્રોડનો તેઓ શિકાર ન બને તેની કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બહારગામ ફરવા જવા માટે ઓનલાઈન હોટલ કે ટૂર્સ ટ્રાવેલ્સના બુકિંગમાં ફેક વેબસાઈટ પરથી બુકિંગ ન થઇ જાય તેની કાળજી રાખવા તેમજ સસ્તાની અને વધુ ડિસ્કાઉન્ટની લાલચમાં ઓનલાઇન ફ્રોડનો શિકાર લોકો ન બને તેની કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે. આ માટે બુકિંગ કરતા પહેલાં જે-તે વેબસાઈટ ચેક કરવી, તેની ગ્રાફિક્સ ડિઝાઇન કેવી છે તે ખરાઈ કરવી, તેના રેટિંગ ચેક કરવા અને બને તો કોઈપણ ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં ખરાઈ કરવી અને રૂબરૂ પેમેન્ટ આપવા આગ્રહ રાખવા સૂચના આપવામાં આવી છે. વિશ્વસનીય એપ્લિકેશનનો જ ઉપયોગ કરવા આગ્રહ રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે.
તેમજ કોઈપણ લોભ લાલચ સાથે મેસેજમાં આવતી અજાણી લિંક કે અજાણ્યા મેઈલ ઓપન ન કરવા સૂચના આપવામાં આવી છે.રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી ખાસ કરી ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે પાસા વોરંટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. જેથી કરી આવા રીઢા ગુનેગારો તહેવાર દરમિયાન ફરી ચોરીના ગુનાને અંજામ આપી ન શકે. છેલ્લા 3 દિવસમાં 4 રીઢા તસ્કરને પાસા હેઠળ અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જ્યારે LCB તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડને પણ નાસતા ફરતા આરોપીઓને પકડવા તેમજ ખાસ વોચ રાખવા સૂચના આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરની મુખ્ય બજારો ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, સોની બજાર, બંગાળી બજાર, કંસારા બજાર, ગુંદાવાડીનો અડધો ભાગ એ ડિવિઝન અને અડધો ભાગ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે.
આ જગ્યા ઉપર લોકો હાલ દિવાળીની ખરીદી કરવા જ આવતા હોય છે. ત્યારે ડીસીપીના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ દ્વારા 18 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 100 પોલીસ જવાનોનું સુરક્ષા કવચ બનાવી બજારમાં ખરીદ કરવા આવતા લોકોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રાખવા આયોજન કરવામાં આવ્યું છે. તેમાં પણ પોલીસ દ્વારા સીસીટીવી તેમજ રૂબરૂ નજર સૌથી વધુ સોની બજાર અને ધર્મેન્દ્ર રોડ બજાર પર રાખવાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 મહિનામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના 20 ગુના નોંધાયા છે. જેમાંથી 10 ગુના ડિટેક્ટ થયેલ અને 10 અનડિટેક્ટ છે.
જ્યારે ઘરફોડ ચોરીના બે બનાવ બન્યા છે. જે બન્ને ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.આ જ રીતે ગુંદાવાડી વિસ્તારમાં પણ લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેના માટે ભક્તિનગર પોલીસ દ્વારા પણ આ વિસ્તારમાં ગુંદાવાડી પોલીસ ચોકી ખાતે પોલીસ સ્ટાફ વધારી દિવસ દરમિયાન બજારમાં ખાસ નજર રાખવા સૂચના આપવામાં આવી છે. આ ગીચ વિસ્તાર છે. બજારમાં સાંકડી શેરી છે. માટે ટ્રાફિક સમસ્યા પણ મુખ્ય પ્રશ્ન છે. જેથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને સારી રીતે લોકો ખરીદી કરી શકે તે માટે આયોજન કરવા સૂચના આપવામાં આવી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 મહિનામાં ચોરી અને ઘરફોડ ચોરીના મળી કુલ 15 ગુના નોંધાયા છે. જેમાંથી 7 ગુના ડિટેક્ટ થયેલ છે અને 8 ગુના હજુ અનડિટેક્ટ છે.
આ પણ વાંચો:હરણી બોટ કાંડ પછી સ્કૂલોના પ્રવાસને લઈને સરકારી ગાઇડલાઇન તૈયાર
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધામાં વધારો, ‘હેલ્થ લાઉન્જ’ આપશે આરોગ્યની માહિતી
આ પણ વાંચો:ખરાબ હવામાનના કારણે અમદાવાદ એરપોર્ટથી જતી આવતી 30 ફ્લાઈટ મોડી પડી
