Gujarat Local Body Election 2026/ અમદાવાદથી લઈને મોરબી અને સુરત સુધી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી (Elections)પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. વિવિધ શહેરોમાં ભાજપના ઉમેદવારોને લઈને વિરોધ, આંતરિક અસંતોષ અને તીખા નિવેદનો સામે આવી રહ્યા છે.
અમદાવાદના ઈન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો વિરોધ કરતી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. વીડિયોમાં સ્થાનિક લોકો પોતાની સમસ્યાઓ રજૂ કરી રહ્યા હોય ત્યારે એક કાર્યકર ‘ભારત માતા કી જય’ના નારા લગાવી વાતને વાળવાનો પ્રયાસ કરે છે. જોકે, સ્થાનિકોએ આ પ્રયાસને નકારી કાઢીને કાર્યકરને ઠપકો આપ્યો અને સ્થળ પરથી હટાવી દીધો.
આ જ વોર્ડમાં સરસપુર અશોક મિલની નવી ચાલી વિસ્તારમાં પણ નારાજગી જોવા મળી હતી, જ્યાં ભાજપના પ્રચાર માટે આવેલા કાર્યકર્તાને સ્થાનિક રહેવાસીએ ખુલ્લેઆમ વિરોધ કરી માર માર્યાનો બનાવ સામે આવ્યો છે.

બીજી તરફ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચરખડી ગામમાં ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાએ મતદારો સામે જાહેરમાં માફી માંગી હતી. તેમણે સ્વીકાર્યું કે ગામના વિકાસ કાર્યોમાં વિલંબ કે કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ તેઓ ક્ષમાયાચના કરે છે.
મોરબીમાં ભાજપના આંતરિક વિખવાદ ખુલ્લો પડ્યો છે. પૂર્વ નગરપાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ ટિકિટ ન મળતા તીખું નિવેદન આપ્યું હતું કે ટિકિટ કાપનારની આત્માને શાંતિ મળે તે માટે 111 દિવસનો અખંડ દીવો પ્રગટાવ્યો છે. તેમના પુત્ર સહિત ચાર લોકો અપક્ષ તરીકે ચૂંટણી (Elections)લડી રહ્યા છે.
આ નિવેદન પર રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ તીખો પ્રહાર કરતા કહ્યું કે દીવામાં વપરાતું ઘી હરામના પૈસાનું છે. તેમણે વધુમાં પડકાર આપ્યો કે દીવો પ્રગટાવવાને બદલે હિંમત હોય તો સીધા સામા આવી જવું.
સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીને પડકાર આપ્યો કે જો દમ હોય તો ગત ચૂંટણી(Elections)માં જીતેલી 27 બેઠકો ફરીથી જાળવી બતાવે
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીને પડકાર આપ્યો કે જો દમ હોય તો ગત ચૂંટણીમાં જીતેલી 27 બેઠકો ફરીથી જાળવી બતાવે.
કુલ મળીને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, વિરોધ અને તીખી ભાષા રાજકારણને વધુ ઉગ્ર બનાવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતની પ્રજા 26મીએ કોંગ્રેસને જવાબ આપશેઃ રીવાબા, કોણ છે વિજેતા 28મીએ ખબર પડશેઃ નયનાબા
આ પણ વાંચો: ભાજપે 1,300 કાર્યકરો સાથે મતદારો માટે વિશેષ મતદાર ટ્રેન બંગાળ મોકલી
