આજથી સાત વર્ષ પહેલા મોંઘવારીના પ્રશ્નને લઈ સત્તા પર આવેલા રાજકારણીઓ મોંઘવારીને ભૂલી ગયા છે, લોંચીગ અને અન્ય પ્રકારના વર્ચ્યુલ કાર્યક્રમોમાં વ્યસ્ત છે. તૂટેલી ભાંગેલી અને હતાશ કોંગ્રેસ માત્ર એકાદ બે નાના મોટા કાર્યક્રમો યોજીને સંતોષ લે છે. ૨૦૧૧થી ૨૦૧૩ના સમયગાળામાં મોંઘવારી સામે જે દેશવ્યાપી આંદોલનો થતાં હતા તે હવે થાય છે ખરા ? આ અંગે એક રાજકીય વિશ્લેષક લખે છે કે તે વખતે રાજ કરનારા હાલ ભાંગેલા તૂટેલા હતાશ વિપક્ષ તરીકે છે તો તે વખતે મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે કાગારોળ મચાવનારા અત્યારે સત્તા પર છે અને મોંઘવારીની વાત આવે એટલે મૌની બાબા બનીને બેસી ગયા છે અથવા તો ૨૦૨૨માં આટલી બેઠકો જીતવી છે અને ૨૦૨૪માં આટલી બેઠકો મેળવશું તેવી ફાંકા ફોજદારી કરવામાં વ્યસ્ત છે અને પ્રજા પીડાઈ રહી છે. પ્રજા પોકાર પાડે છે કે આવક વધતી નથી અને ખર્ચ વધતા જાય છે.
આ અંગે સત્તાવાર રીતે વિવિધ ચીજાેના જે આંકડા જાહેર થયા છે તે પ્રમાણે છેલ્લા સાત વર્ષમાં પેટ્રોલના ભાવમાં ૧ લિટરે ૪૩ રૂપિયાનો અને ડિઝલના ભાવમાં ૧ લિટરે રૂા. ૫૭નો અધધ વધારો થયો છે. આ બન્ને ચીજાેના ભાવ ૧૦૨ થી ૧૦૪ સુધી છે જ્યારે પાવર કે પ્રિમીયમ પેટ્રોલના ભાવ તો ૧૦૬ને વટાવી ચૂક્યા છે. આ અંગે ટકોર કરતાં એક નિષ્ણાતે કહ્યું કે ૭૦ વર્ષમાં જે નથી થયું તે આજે સાત વર્ષમાં થયું છે. સત્તાવાર રીતે જાહેર થયેલા આંકડાઓ એક વાત પૂરવાર કરે છે કે સાત વર્ષ પહેલા રૂા.૪૦૦થી ૪૧૦ વચ્ચે મળતો રાંધણગેસનો બાટલો રૂા. ૯૦૦ને વટાવી ચૂક્યો છે. ઉજ્જવલા કે તેના જેવી અન્ય યોજનાના નામે ગેસ કનેકશન મફત મળે પણ બાટલાનું શું ? ગેસના બાટલા મોંઘા મળતા હોવાથી ઘણા પરિવારો એવા છે કે જેમણે કનેકશન – ઉજ્જવલા હેઠળ લીધા હોવા છતાં મોંઘાદાટ સિલિન્ડરના કારણે જેમના ઘરમાં ચૂલા પણ સળગતા નથી. કેરોસીન પણ મોંઘુ છે અને હવે કોલસાની મોકાણ મંડાઈ છે. આમા ગૃહિણીઓ અને તેમાંય ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો કરે શું ? રીક્ષાઓ ને કારમાં સીએનજી ગેસનો ઉપયોગ શરૂ કરાવ્યો પરંતુ છ-સાત વર્ષ પહેલા ૩૨ રૂપિયે મળતો સીએનજી ગેસ અત્યારે ૬૧ રૂપિયે મળે છે. રોજિંદા વપરાશવાળા સિંગતેલની વાત કરીએ તો આજથી સાત વર્ષ પહેલા ૧૫૦૦ રૂપિયા ડબાના ભાવે મળતું સીંગતેલ હાલ ૨૭૦૦ની સપાટીને આંબી ગયું છે. ૧ કિલો સિંગતેલ ખરીદવા જાવ તો રૂા. ૧૭૦ ને ૫૦૦ ગ્રામ લેવા જાવ તો રૂા. ૮૬ અને ૧૦૦ ગ્રામ સિંગતેલ ખરીદવાવાળા ઘણા પરિવારો પણ આ દેશમાં છે તેને તો ખાસ્સી મોટી એટલે કે સો ગ્રામના રૂા. ૨૦ ચૂકવવા પડતા હોય છે. (આ રોેજેરોજનું લાવીને રોજ ખાનારાઓની વાત છે કોઈ પક્ષના કાર્યકરો કે તેા સમર્થકો કે ભક્તોની વાત નથી) સાત વર્ષ પહેલા કપાસિયા તેલનો ડબો રૂા. ૧૧૦૦માં મળતો હતો આજે રૂા. ૨૫૦૦ કરતાં વધુ છે. ઘઉં-ચોખા-ખાંડ સહિત તમામ ચીજાેના ભાવમાં ધરખમ વધારો થયો છે. કઠોળના સાત વર્ષ પહેલા જે ભાવ હતા તેના કરતાં ૫૦થી ૬૦ ટકા વધુ ચૂકવવા પડે છે. એક જમાનામાં દર શનિવારની સ્પેશ્યાલિટી મનાતી અડધની દાળ કે જે ઘણા ગરીબ પરિવારો આરોગતા હતા તે હવે રૂા. ૧૧૦થી વધુ ભાવે વેચાય છે અને હવે તે લક્ઝરીયસ આઈટમની વ્યાખ્યામાં મૂકાઈ ગઈ છે.
લીલા શાકભાજીના ભાવ અમૂક સમયે વધતા અને અમૂક સમયે પાછા ઘટી પણ જતાં પરંતુ આજે સ્થિતિ જૂદી છે. ઉનાળો હોય કે ચોમાસું કે શિયાળો શાકભાજી અમુક દિવસ સસ્તા મળે છે બાકી એકધારા વધતા રહે છે. એકંદરે પ્રજાને ભૂતકાળ કરતાં વધુ ભાવ ચૂકવવા પડે છે.
ઘણાખાટસવાદિયા તત્વો લોકોની આવક વધી હોવાનું કહે છે. તો આવક માત્ર ધારાસભ્યો સાંસદ સભ્યો, સરકારી કર્મચારીઓ અને રાજકીય પક્ષો અને તેના નેતાઓની વધી છે. આ સિવાય કોની આવકમાં એક રૂપિયાનો પણ વધારો થયો નથી. છતાં બધાનો કર્ચ વધ્યો છે. એક બાજુથી કોરોનાએ ઘણા પરિવારોના આધાર છીનવી લીધા છે, કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને સહાયની વાત થઈ પણ કોરોનાકાળમાં મૃત્યુ પામેલા કેટલા લોકોને કોરાનાના કારણે મૃત્યુ પામ્યા હોવાના દાખલા અપાયા છે ? કોરોના સામે લડીને સાજા થયેલા પરિવારોની આજે શું હાલત છે ? કોરોનાથી અનાથ બનેલા બાળકો માટે યોજના જાહેર કરી પરંતુ કોરોનાના કારણે કુટુંબની કમાનાર વ્યક્તિ મૃત્યુ પામી હોય તો તેના પરિવારનું શું ? ઘણા ઢોલ પીટે છે કે આપણા દેશની સરકાર જ વેક્સીન મફત આપી શકે જ્યારે કેન્દ્રના એક પ્રધાન જ જાહેરમાં એવું વિધાન કરે કે મફત વેકસીન આપવાનો ખર્ચ પેટ્રોલ-ડિઝલના વધેલા ભાવોમાંથી અને તેના પરના વેરામાંથી નીકળે છે. આ અંગે એક સામાન્ય માનવી હૈયાવરાળ કાઢતા કહે છે કે ‘તેરા તૂજકો અર્પણ’ તો ઠીક છે પણ આપણા ખીસ્સામાંથી પૈસા સેરવી વેકસીન અપાય છે અને આ દૂધે ધોયેલા હોવાનો દાવો કરનારા રાજકારણીઓ દાવો કરનારા રાજકારણીઓ મફત વેકસીનનો દાવો કરે છે.
એક અન્ય અભ્યાસી નાગરિક પોતાનો બળાપો વ્યક્ત કરતાં કહે છે કે એક પક્ષ પોતાની બેઠકો વધારવા સત્તા જાળવવા આશીર્વાદ યાત્રા લોકાર્પણ કાર્યક્રમો યોજે છે તો બીજાે પક્ષ ખેડૂતોના પ્રશ્નોને અમે જ વાચા આપીએ છીએ તેવા નારાઓ સાથે ન્યાયયાત્રાઓ કાઢે છે તો એકલદોકલ શહેરોમાં વિપક્ષના ૨૦ કે ૨૫ આગેવાનો આવેદનપત્રો આપીને સંતોષનો શ્વાસ લે છે તેનું શું ? બેય પક્ષોને ચૂંટણીના રાજકારણમાં રસ છે. ગુજરાતમાં ત્રીજાે નવો પક્ષ પોતાનું સ્થાન મજબૂત કરવામાં પડ્યો છે અને મોંઘવારીની ઘાણીમાં પ્રજાનું તેલ નીકળે છે !!
Politics / રાહુલ ગાંધી ડ્રગ્સ લે છે, દાણચોરીમાં પણ સામેલ છે; કર્ણાટક ભાજપ પ્રમુખનું વિવાદિત નિવેદન
Technology / ગ્રેટ બિલ્ડ ક્વોલિટી સાથે લોન્ચ Nokia XR20 સ્માર્ટફોન, પડી જાય તો તૂટે નહીં, પાણીમાં નુકસાન નહીં થાય
Auto / હીરોનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, 50 હજારથી પણ ઓછી કિંમતે ઉપલબ્ધ