T20 World Cup/ દિવાળી પહેલા રોહિત અને રાહુલે કર્યો મોટો ધડાકો, રચ્યો ઈતિહાસ

મેચમાં રોહિત શર્મા અને કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતા પ્રથમ વિકેટ માટે 140 રનની ભાગીદારી નોંધાવી હતી. આ સાથે આ જોડીએ ભારત માટે T20 ક્રિકેટમાં સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો છે.

Top Stories Sports
રોહિત-રાહુલ

UAEમાં રમાઈ રહેલા T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની ખાસ શરૂઆત નથી થઈ, ત્યારપછી તે અબુ ધાબીનાં મેદાન પર રમાનારી કરો યા મરો મેચમાં અફઘાનિસ્તાન ટીમનો સામનો કરવા ઉતરી હતી. અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમાઈ રહેલી આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર ટોસ પર હારનો સામનો કરવો પડ્યો અને ટીમ બેટિંગ કરવા ઉતરી, ત્યારબાદ વિરાટ સેના તરફથી સારી શરૂઆતની જરૂર હતી. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી પ્રથમ બે મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને પાવરપ્લેમાં તેના મહત્વનાં બેટ્સમેનોની વિકેટો ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો – T20 World Cup / ગુપ્ટિલે તોફાની ઈનિંગ રમતા રચ્યો ઈતિહાસ, આમ કરનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો

જો કે, અબુધાબીનાં મેદાન પર રમાયેલી આ મેચમાં ઓપનરોએ નવી શરૂઆત કરી અને માત્ર 5 ઓવરમાં જ ટીમે 50 રનનો આંકડો પાર કરી લીધો. ભારત માટે આ મેચમાં, ઓપનર રોહિત શર્મા (74) અને કેએલ રાહુલ (69) એ ઝડપી બેટિંગ કરતા પોતપોતાની અડધી સદી પૂરી કરી અને અબુ ધાબીનાં મેદાન પર રેકોર્ડનો વરસાદ કર્યો હતો. અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાયેલી આ મેચમાં રોહિત શર્મા અને કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતા પ્રથમ વિકેટ માટે 140 રનની ભાગીદારી નોંધાવી હતી. આ સાથે આ જોડીએ ભારત માટે T20 ક્રિકેટમાં સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત-રાહુલ પહેલા આ રેકોર્ડ ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સેહવાગની જોડીનાં નામે હતો, જેમણે 136 રનની ભાગીદારી નોંધાવી હતી, જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે 106 રનની ભાગીદારી ત્રીજા સ્થાને છે. એટલું જ નહીં, આ જોડીએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ સદીની ભાગીદારીનો રેકોર્ડ બનાવવાની યાદીમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે. આ યાદીમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડી 5 સદીની ભાગીદારી સાથે ટોચ પર છે જ્યારે રોહિત-ધવનની જોડી 4 સદીની ભાગીદારી સાથે બીજા સ્થાને છે. આ યાદીમાં હવે રોહિત-રાહુલની જોડીએ પણ 4 સદીની ભાગીદારી સાથે સંયુક્ત રીતે બીજા સ્થાન પર કબજો જમાવ્યો છે. વળી, માર્ટિન ગુપ્ટિલ-કેન વિલિયમસનની જોડી પણ 4 સદીની ભાગીદારી સાથે આ યાદીમાં સામેલ છે.

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાની ટીમે મેચ બાદ નામિબિયા ડ્રેસિંગ રૂમમાં જઇને એવુ તે શું કર્યું કે Video થયો વાયરલ

રોહિત શર્માએ આ મેચમાં ભારત માટે 47 બોલમાં 8 ચોક્કા અને 3 છક્કાની મદદથી 74 રન બનાવ્યા અને T20 વર્લ્ડકપમાં 6 ઇનિંગ્સ પછી ભારત માટે અડધી સદી ફટકારનાર બીજો ખેલાડી બન્યો. ભારત માટે વર્લ્ડકપમાં છેલ્લી 6 અડધી સદી વિરાટ કોહલીનાં બેટમાંથી આવી છે, જેણે 57, 89*, 82*, 55*, 77 અને 72* રન બનાવ્યા છે. આ સદીની ભાગીદારી સાથે, રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ સદીની ભાગીદારી કરનાર ખેલાડીઓની યાદીમાં બાબર આઝમનાં રેકોર્ડની બરોબરી કરી લીધી છે. બાબર આઝમ અને રોહિત શર્મા અત્યાર સુધીમાં 12 વખત સદીની ભાગીદારીનો ભાગ બની ચૂક્યા છે. આ સાથે જ રોહિત શર્માએ T20 વર્લ્ડકપમાં સૌથી વધુ અડધી સદી બનાવનારા બેટ્સમેનોની યાદીમાં મહેલા જયવર્દનેનાં રેકોર્ડની બરોબરી કરી લીધી છે. આ યાદીમાં વિરાટ કોહલી 10 અડધી સદી સાથે ટોચ પર છે જ્યારે ક્રિસ ગેલ 9 અડધી સદી સાથે બીજા ક્રમે છે. આ યાદીમાં મહેલા જયવર્દને અને રોહિત શર્મા 7-7 અડધી સદી સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે.